મધ આમ તો મધમાખીઓ બનાવે છે, પરંતુ જબલપુરની એક ફેકટરીમાં નકલી મધ બનાવવામાં આવી રહ્યું હતું. પોલીસે જબલપુરમાંથી નકલી મધ બનાવતી એક ફેકટરીને ઝડપી છે, જ્યાં ખાંડની ચાસણી, ફટકડી, કલર અને એસેન્સ મિક્સ કરીને નકલી મધ તૈયાર કરવામાં આવી રહ્યું હતું. આરોપીઓ 20થી 35 ગ્રામની શીશીમાં દુકાનોમાં 5થી 8 રૂપિયામાં વેચતા હતા, જ્યારે તેની પડતર 2થી 3 રૂપિયા પડતી હતી. નકલી મધ બનાવવાનો આ ધંધો ખાનદાની બની ચૂક્યો હતો. પિતાના મૃત્યુ બાદ પુત્ર વેપાર ચલાવી રહ્યો હતો. આ કામ માટે 4 મહિલા પણ રાખવામાં આવી હતી. આરોપી તેમણે દર મહિને 5-5 હજાર પગાર આપતો હતો. આ ચારેય મહિલા દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શીશીઓમાં મદ પેક કરવાનું કામ કરતી હતી.
આરોપી મુકેશ ગોયલ નકલી મધ બજારમાં વેચતો હતો
જબલપુરના માઢોતાલ પોલીસના ટીઆઈ રીના પાંડેએ જણાવ્યુ હતું કે એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે આરટીઓ સામે ઘર નંબર 321માં રહેતો મુકેશ ગોયલ નકલી મધ બજારમાં વેચી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની સાથે માઢોતાલ પોલીસે દરોડો પાડીને આરોપી મુકેશ ગોયલને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ઘરની અંદર મધ બનાવવાનો વેપાર જમાવી દીધો હતો. પોલીસના દરોડા દરમિયાન ચાર મહિલા પણ મેધનું પેકિંગ કરતી મળી આવી હતી, જ્યારે આરોપી પોતે ખાંડની ચાસણી તૈયાર કરી રહ્યો હતો. આરોપી મુક્તા ફાર્મસી નામથી મધનું પેકિંગ કરીને બજારમાં વેચતો હતો. આરોપીના પિતા ભાગચંદ ગોયલ પણ આવી જ રીતે નકલી મધ બનાવીને વેચતા હતા. તેમના મૃત્યુ બાદ તેમનો પુત્ર આ વેપાર સંભાળતો હતો.
7 હજારથી વધુ શીશીઓ જપ્ત કરવામાં આવી
પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી પેકિંગ કરેલી 20 ગ્રામની 1033 શીશી અને 35 ગ્રામની 1246 શીશી સહિત 31 કિલો જેટલો નકલી મધનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સ્ટિકર વિનાની 5 હજાર શીશી અને 20 જેટલી બોરીમાં ભરેલી ખાલી શીશીઓને જપ્ત કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે ફૂડ સેફ્ટી અધિકારી વિનોદ કુમાર ધૂર્વેને પણ બોલાવી લીધા હતા. આરોપી મુકેશ ગોયલ સામે વિનોદ કુમારના રિપોર્ટ પર મઢોતાલ પોલીસ સ્ટેશનમાં અન્ન સુરક્ષા કાયદા સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
દુકાનદારોને ઉપલબ્ધ કરાવતો હતો નકલી મધ
આરોપી મુકેશ ગોયલને 20 ગ્રામ અને 35 ગ્રામની મધાની શીશીની પડતર 2થી 3 રૂપિયામાં પડતી હતી. તે 20 ગ્રામની શીશી પાંચ રૂપિયામાં અને 35 ગ્રામની શીશી 8 રૂપિયામાં દુકાનદારોને ઉપલબ્ધ કરાવતો હતો. દુકાનદાર 20 ગ્રામની શીશી 10 રૂપિયામાં અને 35 ગ્રામની શીશી 15 રૂપિયામાં વેચતા હતા. 50% જેટલો નફો મળવાને કારણે નકલી મધ હાથોહાથ વેચાઈ જતું હતું. ખાસ કરીને ધાર્મિક સ્થળો પરની દુકાનોમાં તેના મધનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.