બિહારના બેગૂસરાયમાં એક મૃતદેહની સાથે જાનવરોથી પણ બદતર વર્તણૂંક કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક લાવારિસ લાશને પહેલાં દોરડાં વડે બાંધીને ખાડામાંથી બહાર કાઢી. જે બાદ લાશને કાચા અને જર્જરિત રસ્તાઓ તેમજ હાઈવે પર સેંકડો ફુટ સુધી ઢસડી અને પછી ટ્રેક્ટરમાં નાખીને હોસ્પિટલ લઈ જવાઈ.
હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ લાશને દોરડાં વડે જ ખેંચીને સ્ટ્રેચર પર મૂકવામાં આવી અને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવાઈ. આ શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
ખાડામાં પડી હતી લાવારિસ લાશ
ગ્રામીઓના જણાવ્યા મુજબ, 27 જુલાઈએ લાખો ઓપી પોલીસ સ્ટેશનના નિપનિયા સિમેન્ટ ગોદામથી થોડે દૂર એક ખાડામાં અજાણ્યા વ્યક્તિની ડેડબોડી મળી આવી હતી. લાશ સડી ગઈ હતી અને તેમાંથી ઘણી જ ખરાબ દુર્ગંધ આવતી હતી. આ અંગેની જાણકારી પોલીસને આપવામાં આવી. પોલીસ કર્મચારીઓ આવ્યા અને લાશને દૂરથી જોયા બાદ સફાઈ કર્મચારીને બોલાવ્યા.
પોલીસે એમ્બ્યુલન્સ પણ ન બોલાવી
સફાઈ કર્મચારીઓએ ડેડબોડીના બંને પગ દોરડાં વડે બાંધ્યા અને તેને ખેંચીને પહેલાં ખાડામાંથી બહાર કાઢી. જે બાદ તે જ સ્થિતિમાં મૃતદેહને પહેલાં કાચા રસ્તા પર લાવ્યા અને ત્યાં પણ ઘણે દૂર સુધી ઘસડ્યા બાદ ટ્રેક્ટરમાં ફેંકીને હોસ્પિટલ સુધી લઈ ગયા. લાશની સાથેની ક્રૂરતા અહીં જ ખતમ ન થઈ.
ડેડબોડીને જ્યારે પોસ્ટમોર્ટમ રુમમાં લઈ જવાની વાત થઈ તો ત્યાં પણ મૃતદેહને ઘસડતાં સ્ટ્રેચર પર મૂકવામાં આવી. સ્ટ્રેચર પર બોડી અડધી લટકેલી હતી, આ રીતે તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ હતી. મૃતદેહની ઓળખ નથી થઈ. આ સમગ્ર ઘટનામાં પોલીસને એમ્બ્યુલન્સ બોલાવવાનું પણ જરૂરી ન લાગ્યું.
SPએ સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યો
આ સમગ્ર ઘટનામાં બેગૂસરાય SP યોગેન્દ્ર કુમારે સબ ઈન્સ્પેક્ટર અનિલ કુમાર સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ લાખો પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંતોષ કુમાર સમક્ષ આ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. ઘટના પર હાજ બે ચોકીદાર પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.