આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેમણે કોંગ્રેસને આજની નવી મુઘલ ગણાવી છે. આ દરમિયાન તેમણે પાર્ટી પર ભારતને નબળું પાડવાનો આરોપ લગાવ્યો હતો.
આસામના મુખ્ય પ્રધાને જણાવ્યું કે, પહેલા મુઘલોએ દેશને કમજોર કર્યો. હવે કોંગ્રેસ ફરી વખત ભારતને નબળું પાડવાનું કામ કરી રહી છે. સરમાએ જણાવ્યું કે, કોંગ્રેસ આજની નવી મુઘલ છે. જો કોઈ જગ્યાએ રામ મંદીર બને છે, તો તેમને વાંધો હોય છે. શું તમે મુઘલના બાળકો છો...!
ઓરંગઝેબે સનાતન સંસ્કૃતિનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો
સરમાએ જણાવ્યું કે, ઓરંગઝેબે સનાતન સંસ્કૃતિને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આપણે સનાતન સંસ્કૃતિને સમાપ્ત નથી કરી શક્યો. સરમા મુજબ, ઓરંગઝેબે ઘણા લોકોનું ઈસ્લામમાં ધર્માંતરણ કરાવ્યું.
તેમણે જણાવ્યું કે, એ સમયગાળામાં છત્રપતિ શિવાજી મહારાજે જન્મ લીધો અને તેમણે બતાવ્યું કે, ભારત માતા તેમના જેવા પુત્રોને જન્મ આપી શકે છે, જે ઓરંગઝેબને પડકાર ફેંકી શકે છે.
ભારત એક સનાતન દેશ છે- આસામ CM
આસામ સીએમે જણાવ્યું કે, આપણા દેશમાં ઘણા એવા લોકો છે, જે ગર્વથી કહે છે- હું મુસ્લિમ છું, હું ઈસાઈ છું. મને તેમનાથી કોઈ સમસ્યા નથી, પરંતુ ભારતમાં એવા વ્યક્તિની જરૂર છે, જે ગર્વથી કહી શકે કે હું હિંદુ છું. તેમણે જણાવ્યું કે, ભારત આજે સનાતન દેશ છે... અહીં હિંદુ છે અને રહેશે. આ દરમિયાન તેમણે લોકોને પૂછ્યુ, શું આ હકીકત નથી કે ઓરંગઝેબે સમગ્ર ભારત પર કબ્જો જમાવ્યો હતો.
આપણને મદરેસાની નહીં સ્કૂલ, કોલેજની જરૂર
સરમાએ જણાવ્યું કે, આસામમાં બાંગ્લાદેશથી લોકો આવી આપણી સભ્યતા અને સંસ્કૃતિ પર જોખમ પેદા કરે છે. મને પૂછવામાં આવ્યું કે, તમે 600 મદરેસા બંધ કરી દીધા. તો મેં જણાવ્યું કે, મારો લક્ષ્ય તમામ મદરેસા બંધ કરાવવાનો છે, કારણ કે આપણને મદરેસાની નહીં, કોલેજ અને યુનિવર્સિટીની જરૂર છે.
નવા ભારતની વ્યાખ્યા સમજાવી
પોતાના સંબોધન દરમિયાન સરમાએ એક નવા ભારતની વ્યાખ્યા જણાવી. તેમણે જણાવ્યું કે, એક સમયે આપણી દિલ્હીના બાદશાહ મંદિર તોડવાની વાતો કરતા હતા, પરંતુ આજે નરેન્દ્ર મોદીના શાસનમાં આપણે મંદિર નિર્માણની વાત કરીએ છે. આ નવું ભારત છે. સરમાએ જણાવ્યું કે, નવા ભારતની અર્થવ્યવસ્થા બ્રિટનની અર્થવ્યસ્થા કરતા મજબૂત છે. નવું ભારત હવે રસી પોતે બનાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજનું ભારત જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં ઘુસીને મારવાની તાકાત રાખે છે. આ નવા ભારતને આપણે બચાવીને રાખવાનું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.