ઉત્તરપ્રદેશનાં અમરોહાના રાહરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે અમરોહાનાં ગંગેશ્વરી ગામમાં જાન આવી હતી. આ દરમિયાન વરરાજાની પ્રેમિકા જાનમાં પોતાના પરિવારના સભ્યો સાથે આવી ચઢી હતી. પ્રેમિકા વરરાજાને ધમકાવવા માટે બગી પર ચઢી ગઈ હતી. વરરાજા પર રોષે ભરાયેલી પ્રેમિકાએ જાનમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
પ્રેમિકા ચપ્પલથી મારવા દોડી તો વરરાજા ભાગ્યો
પ્રેમિકાએ કહ્યું કે તેની સાથે મારા કોર્ટ મેરેજ થઈ ગયા છે, પરંતુ તે જાણ કર્યા વિના જ આજે બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. આ બાબતે પ્રેમિકા વરરાજા પર ભારે રોષે ભરાઈ હતી. જ્યારે પ્રેમિકા વરરાજાને ચપ્પલથી મારવા દોડી તો વરરાજા બગીમાંથી નીચે ઉતરીને ભાગ્યો હતો. રોષે ભરાયેલી પ્રેમિકા પણ વરરાજાની પાછળ દોડી હતી. જ્યાં પ્રેમિકા અને તેના પરિવારજનો સાથે જાનૈયાઓએ મારામારી કરી હતી.
પ્રેમિકાના હોબાળાનો વીડિયો વાયરલ થયો
શુક્રવારે વરરાજાના વરઘોડા દરમિયાન પ્રેમિકાના હોબાળાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાન નીકળેલી જોઈ શકાય છે આ દરમિયાન વરરાજાની પ્રેમિકા બીજા લગ્નના વિરોધમાં આવીને હોબાળો મચાવે છે. હોબાળા દરમિયાન વરરાજા બગીમાંથી નીચે ઉતરીને ભાગવા લાગ્યો હતો અને પ્રેમિકા પણ વરની પાછળ દોડે છે.
પોલીસ તપાસ કરી રહી છે
રાહરા પોલીસ સ્ટેશનના પ્રભારી અમર સિંહે જણાવ્યું કે ત્રણેય પક્ષો સામસામે બેઠા હતા અને વાત કરી હતી. જ્યાં દુલ્હન પક્ષે લગ્ન ન કરવાની વાત કરતા થયેલા ખર્ચાની માંગ કરી હતી. બીજી તરફ પ્રેમિકાએ તેના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ પરસ્પર સમજૂતી થઈ હતી અને તે લોકો જતા રહ્યા હતા. મારામારી અંગેની કોઈ માહિતી નથી. જો તેમ હશે તો તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.