• Gujarati News
  • National
  • In 1990, A Kashmiri Pandit Who Did Not Leave The Kashmir Valley Broke Into A Shop And Was Killed

કાશ્મીરમાં આતંક:1990માં પણ કાશ્મીર ખીણ ન છોડનારા કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘૂસીને હત્યા

શ્રીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાશ્મીરમાં દોઢ કલાકમાં 3 આતંકી હુમલા, 3 હત્યા
  • બિહારના રેંકડીવાળાને ગોળી મારી ધમકી આપી- હવે અહીં આવીને રોજગારી ના છીનવતા

જમ્મુ કાશ્મીરમાં શાંતિનો માહોલ જોઈને આતંકીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આતંકીઓએ મંગળવારે ત્રણ જુદા જુદા સ્થળે ત્રણ લોકોની હત્યા કરીને લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો હતો. સૌથી પહેલા આતંકીઓએ શ્રીનગરના ઈકબાલ પાર્ક વિસ્તારમાં જાણીતા કેમિસ્ટ માખણલાલ બિંદ્રૂની તેમના મેડિકલ સ્ટોરમાં ઘૂસીને હત્યા કરી.

બાદમાં લાલ બજાર વિસ્તારમાં બિહારના એક યુવકને ગોળી મારી હત્યા કરી. આ દરમિયાન આતંકીઓએ ધમકી આપી કે, હવે અહીં આવીને અમારી રોજગારી ના છીનવતા. ત્રીજો હુમલો બાંદીપોરામાં થયો, જેમાં ટેક્સી યુનિયનના અધ્યક્ષની હત્યા કરાઈ. દોઢ કલાકમાં થયેલા ત્રણ આતંકી હુમલા પછી સુરક્ષાદળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

શ્રીનગરના 68 વર્ષીય કેમિસ્ટ બિંદુ એ ચુનંદા લોકોમાં હતા, જેમણે નેવુંના દસકામાં પણ કાશ્મીર છોડ્યું ન હતું. તેમની હત્યા પછી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે, દોષિતોને ઝડપથી કઠેડામાં ઊભા રખાય. પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આવી હિંસાને કાશ્મીરમાં કોઈ સ્થાન નથી.

ગરીબ પાણીપુરીવાળા અને ટેક્સી યુનિયનના અધ્યક્ષની પણ હત્યા
માખણલાલ બિંદુની હત્યાના એક કલાક પછી અવંતીપોરાના હવલા વિસ્તારમાં આતંકીઓએ બિહારના રહેવાસી વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી. તે પાણીપુરી અને ભેળપુરીની રેંકડી લગાવીને ગુજરાન ચલાવતો. આ ઘટનાની થોડી જ મિનિટોમાં બાંદીપોરાના મોહમ્મદ શફી લોનની ગોળી મારી હત્યા કરાઈ. લોન તેમના ઘરેથી ટેક્સી સ્ટેન્ડ જઈ રહ્યા હતા. તેઓ ટેક્સી યુનિયનના અધ્યક્ષ હતા.

આતંકની પરાકાષ્ઠા વખતે લોકોએ તેમની દુકાન બંધ નહોતી થવા દીધી
હારુન રશીદ, શ્રીનગર | માખનલાલ બિંદ્રૂ શ્રીનગરના અગ્રણી કેમિસ્ટ હતા. તેમનો પરિવાર ત્રણ પેઢીથી શ્રીનગરમાં દવાઓનો વેપાર કરતો આવ્યો છે. 1990ના દાયકાની શરૂઆતમાં આતંકવાદ પરાકાષ્ઠાએ હતો ત્યારે પણ બિંદ્રૂએ ઘર નહોતું છોડ્યું. મુસ્લિમ સમાજ સાથે તેમના એટલા સારા સંબંધ હતા કે તે વર્ષોમાં પણ તેમણે દુકાન બંધ નહોતી રાખવી પડી. શ્રીનગરમાં દાયકાઓથી એક વાત મશહૂર છે કે જે દવા ક્યાંય ન મળે તે બિંદ્રૂની દુકાને મળે. લોકોને તેમના પર એટલા માટે પણ ભરોસો હતો કે તેઓ નકલી દવાઓ વિરુદ્ધ સતત બોલતા હતા. રઘુનાથ મંદિર નજીક હરિ સિંહ હાઇ સ્ટ્રીટ પરની તેમની દુકાને કાયમ ભીડ રહેતી. ઘણીવાર તેમની દુકાને લોકો દવા માટે અડધી કલાક સુધી રાહ જોતા. તેમના વિશે એ વાત પણ મશહૂર હતી કે કાશ્મીરના હોલસેલર્સ જેટલી દવાઓ નહોતા વેચતા એટલી દવાઓ તો બિંદ્રૂ રિટેલમાં વેચી લેતા હતા. તેમને ઓળખતા બશારત અહમદે કહ્યું કે આજે કાશ્મીરે અસલ દીકરો ગુમાવ્યો છે. તેમનો પરિવાર પેઢીઓથી લોકોને દવાઓ આપતો રહ્યો છે. શ્રીનગરના દાનિશે જણાવ્યું કે તેમની માતા હંમેશા કહેતી કે માત્ર બિંદ્રૂની દુકાને ઓરિજિનલ દવાઓ મળે છે.

અન્ય સમાચારો પણ છે...