તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • If The Ratio Of Ethanol Is 20%, Petrol Can Be Cheaper By Rs 8 Per Liter, Even The Engines Of Existing Cars Will Run On This Fuel At A Cost Of Only Rs 4,000.

ભાસ્કર એક્સપ્લેનર:ઇથેનોલનો રેશિયો 20% થયો તો પેટ્રોલ લિટરે 8 રૂપિયા સસ્તું થઇ શકે છે, માત્ર 4 હજારના ખર્ચે હાલની કાર્સનાં એન્જિન પણ આ ઇંધણથી દોડશે

નવી દિલ્હી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • હાલના એન્જિનોમાં વધુ ઇથેનોલવાળા ઇંધણના ઉપયોગથી પાર્ટ્સને કાટ લાગવાની આશંકા
 • માઇલેજ પણ ઘટી જશે... પણ એન્જિનનું રિકેલિબરેશન કરાવી લેશો તો વાંધો નહીં આવે
 • 2021ના ફર્સ્ટ ક્વાર્ટરમાં જ ભારતે 1.8 લાખ કરોડ રૂ.ના ક્રૂડની આયાત કરી, ઇ-20 લાગુ થશે તો વાર્ષિક 30 હજાર કરોડની બચત થશે

કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઇથેનોલનો રેશિયો હાલના 8.5%થી વધારીને 20% કરવાની ડેડલાઇન 2030ના બદલે 2025 કરી દીધી છે. પર્યાવરણ સંરક્ષણની દૃષ્ટિએ આ બહુ સારું પગલું છે પણ અત્યાર સુધી લોકોના મનમાં આ પગલાં અંગે શંકા હતી. જેમ કે ઇથેનોલ ભેળવવાથી પેટ્રોલ સસ્તું થઇ જશે? સૌથી મોટી ચિંતા એ છે કે હાલની કાર્સ આ નવા ઇંધણ ઇ-20 પર ચાલી શકશે કે નહીં? ભાસ્કરે આ મુદ્દે નિષ્ણાતો સાથે વાત કરી. તેમના જણાવ્યાનુસાર ઇથેનોલના હાલના પ્રોસેસિંગ ખર્ચ પ્રમાણે જ ગણતરી કરીએ તો ઇ-20 ઇંધણ પેટ્રોલના હાલના ભાવથી લિટરે 8 રૂ. સુધી સસ્તું થઇ શકે છે.

ઇ-20 ઇંધણ હાલની કાર્સની ક્ષમતા ઘટાડશે પણ ગાડીઓમાં ઇ-20 ઇંધણ માટેનો ફેરફાર બહુ મોંઘો નથી. 2 હજાર રૂ. સુધીના ખર્ચમાં હાલના ટુ-વ્હીલર્સ અને 4 હજાર રૂ. સુધીના ખર્ચમાં હાલના ફોર-વ્હીલર્સના એન્જિન મોડિફાય કરીને ઇ-20ને લાયક બનાવી શકાય છે. ભારત પરિવહન જરૂરિયાતો માટે વાર્ષિક 8 લાખ કરોડ રૂ.નું ક્રૂડ આયાત કરે છે. 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ આપણે 1.8 લાખ કરોડનું ક્રૂડ આયાત કર્યું. ઇ-20થી વાર્ષિક 30 હજાર કરોડ રૂ. સુધીની બચત થશે.

 • સરકારે એક નોટિફિકેશન જારી કર્યું, જે અંતર્ગત ઓટો કંપનીઓએ એવા વાહન ડિઝાઇન કરવા પડશે કે જેમાં 12-15% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ થઇ શકે.
 • દરેક ઇંધણનું એક રીડ વેપર પ્રેશર (આરવીપી) હોય છે. પેટ્રોલમાં ઇથેનોલ ભળશે તો તેની આરવીપી વેલ્યુ બદલાશે. તેનાથી હાલના એન્જિનોના પાર્ટ્સની ક્ષમતાને અસર થશે.
 • એન્જિન પાર્ટ્સને કાટ લાગી શકે છે. તેના કારણે ક્યારેક એન્જિન ઝટકા સાથે બંધ થઇ શકે છે. ખાસ કરીને ટુ-વ્હીલર્સમાં તેવું થવાની આશંકા વધુ છે. વાહનની માઇલેજ થોડી ઘટી શકે છે.
 • વાહન ઉત્પાદકોના સંગઠન સિયામના જણાવ્યા મુજબ આવું ન થાય તે માટે એન્જિનના હાર્ડવૅર તથા ઘણાં પાર્ટ્સ બદલવા પડશે, એન્જિનનું રીકેલિબરેશન કરવું પડશે, જેનો ટુ-વ્હીલર્સ માટે 1-2 હજાર રૂ. અને ફોર-વ્હીલર્સ માટે 3-4 હજાર રૂ. ખર્ચ થશે.

દિલ્હીમાં પેટ્રોલ 102 રૂપિયે લિટર, ઇથેનોલ 20% હોય તો ભાવ ઘટીને 94 રૂ. થઇ શકે
હાલ દિલ્હીમાં પેટ્રોલ 102 રૂપિયે અને ઇથેનોલ 60-62 રૂપિયે લિટર મળે છે. 20% ઇથેનોલ ભેળવાય તો સામાન્ય ગણતરી મુજબ 80 રૂ.નું પેટ્રોલ અને અંદાજે 12.50 રૂ.નું ઇથેનોલ હશે. એટલે કે ઇંધણનો ભાવ 92 રૂપિયે લિટર સુધી થઇ શકે છે. જોકે, ઇથેનોલ બ્લેન્ડિંગ બાદ ઇંધણના ભાવ નક્કી કરવાનું પેટ્રોલિયમ કંપનીઓના હાથમાં જ હશે.

ઇ-20થી કાર્સનું કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જન 50% ઘટી જશે
ઇ-10 (પેટ્રોલમાં 10% ઇથેનોલ)થી કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન 20% સુધી ઘટી જાય છે. ઇ-20 (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ)થી ટુ-વ્હીલર્સનું કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જન 30% અને ફોર-વ્હીલર્સનું 50% સુધી ઘટી જાય છે. હાઇડ્રોકાર્બન ઉત્સર્જન પણ 20% અને નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન 10% ઘટી જાય છે. હાનિકારક ઉત્સર્જન એકંદરે 16% ઘટશે.

ઉત્પાદન-સંગ્રહ વધારવા 41 હજાર કરોડનું રોકાણ જોઇએ
દેશમાં ઇથેનોલની કુલ ઉત્પાદનક્ષમતા વાર્ષિક 684 કરોડ લિટર છે. 2025 સુધીમાં ઇથેનોલની માગ વાર્ષિક 921 કરોડ લિટર થઇ શકે છે. દેશમાં ઇથેનોલની સંગ્રહક્ષમતા પણ 300 કરોડ લિટર છે, જે પણ ત્રણ ગણીથી વધુ વધારવાની જરૂર છે. ઉત્પાદન માટે બાયો-રિફાઇનરી નિર્માણ અને સંગ્રહક્ષમતા વધારવા 41 હજાર કરોડ રૂ.ના રોકાણની જરૂર પડશે.

ભાસ્કર એક્સપર્ટ પેનલ
પ્રો. અંજન રે (ઇન્ડિયન ઇન્સ્ટિ. ઑફ પેટ્રોલિયમના ડાયરેક્ટર), ડૉ. એસ. એસ. વી. રાજકુમાર (ઇન્ડિયન ઓઇલની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિંગના ડાયરેક્ટર), રેજી મેથાઇ (ઓટોમોટિવ રિસર્ચ એસો. ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર), દિનેશ ત્યાગી (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેક્નોલોજીના ડાયરેક્ટર), સી. વી. રમણ (મારુતિ સુઝુકીના ચીફ ટેક્નિકલ ઓફિસર), વિક્રમ કાસ્બેકર (હીરો મોટોકોર્પના ચીફ ટેક્નિકલ ઓફિસર)

અન્ય સમાચારો પણ છે...