‘ડેટા જ મૂડી’ના સિદ્ધાંત પર ચાલતી વિદેશી કંપનીઓ માટે ભારત ‘સોને કી ચિડિયા’ બનેલું છે. મફતમાં મળી રહેલા ડેટાનો આ ખજાનો બંધ થવાના દિવસો નજીક આવતા દેખાતા ગ્લોબલ ડિજિટલ કંપનીઓ કોઇ પણ પ્રકારે ડેટા પ્રોટેક્શન બિલ રોકવા કેન્દ્ર સરકાર પર સતત દબાણ સર્જી રહી છે. બીજી તરફ સરકાર કહી ચૂકી છે કે સંસદના ચોમાસુ સત્રમાં બિલ રજૂ કરાશે, જેથી ગ્લોબલ કંપનીઓ ભારતમાં બિઝનેસ બંધ કરવાની ધમકી આપવા લાગી છે. મૂળે નવા બિલમાં ડેટા ભારતમાં જ સ્ટોર કરવાના કાનૂની બંધનનો ઉલ્લેખ છે, જે બાબત ગ્લોબલ કંપનીઓને માફક નથી આવી.
ભાસ્કરને સાંપડેલા આઇટી મંત્રાલયના એક ઇન્ટરનલ રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ યુઝ થતી 10 વેબસાઇટમાંથી 8 અમેરિકાની છે. તે તમામનો ડેટા ભારત બહાર સ્ટોર થઇ રહ્યો છે. ફેસબુકના તમામ 18 ડેટા સેન્ટર અમેરિકા-યુરોપમાં છે. ત્યાં સ્ટોર થતા ડેટાથી ફેસબુકે એક જ વર્ષમાં 8.89 લાખ કરોડ રૂ.ની કમાણી કરી છે. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના રિસર્ચર રોહિન ગર્ગ જણાવે છે કે ભારતીય બજારમાંથી ડેટા મળવાનું બંધ થયા બાદ ફેસબુક, ટ્વિટર, અમેઝોન, લિન્ક્ડઇન જેવી કંપનીઓને વાર્ષિક અબજો ડોલરનું નુકસાન થવું નક્કી છે, જેથી તે ડરી ગઇ છે.
ડેટા પ્રાઇવસી: ભારતમાં નવો કાયદો આવતો દેખાતા વીપીએન પ્રોવાઇડર્સની દેશ છોડવાની ધમકી
વીપીએન કંપનીઓએ ભારતમાં બિઝનેસ બંધ કરવાની ધમકી આપી છે. કેન્દ્ર સરકારે 28 એપ્રિલે કહ્યું હતું કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) કંપનીઓએ નવા નિયમ પાળવા પડશે અને યુઝર્સનો ડેટા 5 વર્ષ સુધી સ્ટોર કરવો પડશે પણ VPN પ્રોવાઇડર્સ તે માટે તૈયાર નથી. એક્સપ્રેસવીપીએનના વાઇસ પ્રેસિડેન્ટ હેરોલ્ડ લીએ કહ્યું કે જરૂર પડી તો કંપની તેના ઓપરેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મર્જ કરી દેશે. નૉર્ડ સિક્યોરિટીના લૉરા ટાયરીલે કહ્યું કે કોઇ વિકલ્પ નહીં હોય તો અમે ભારતમાંથી અમારા સર્વર હટાવી દઇશું.
આપણી ચિંતા: ભારત ડેટા ઉલ્લંઘનથી ત્રીજો સૌથી પ્રભાવિત દેશ
ભારતમાં ડેટા સ્ટોર કરવાના ફાયદા તો છે જ, સુરક્ષા પણ મજબૂત થશે
ડેટા પ્રોટેક્શન બિલનો ડ્રાફ્ટ તૈયાર કરનારા એક વિશેષજ્ઞે જણાવ્યું કે, આ સમયે ક્લાઉડ ડેટા સ્ટોરેજથી ડિજીટલ કંપનીઓની કમાણી 50 અબજ ડોલર (3.87 લાખ કરોડ) છે જે આગામી 3 વર્ષમાં વધીને 137 અબજ ડોલર (10.60 લાખ કરોડ રૂપિયા) થશે. આ વચ્ચે દેશમાં ઊભા થનારા લોકલ ડેટા સેન્ટર દેશની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપી શકે છે.
પરંતુ, ડેટાના લોકલ સ્ટોરેજને લઇને કેટલીક આશંકા પણ... | ઇન્ટરનેટ પ્રાઇવસીના સમર્થકો વધુ ચિંતિત એ વાતથી છે કે, લોકોનો ડેટા સર્વેલન્સ માટે ઉપયોગ થઇ શકે છે. ખાનગી ડેટાને સરકારી તંત્રથી બચાવીને રાખવા જરૂરી છે. બીજી આશંકા એ વાતને લઇને છે કે, કોઇ કંપની પાસેથી પેમેન્ટ લઇને ડેટાને શેર કરાશે તો સમસ્યાઓ વધશે.
ગ્લોબલ કંપનીઓની 70-80% કમાણી જાહેરાતોથી
ઇન્ટરનેટ દિગ્ગજોની આવકનો 70 થી 80% હિસ્સો જાહેરાતોથી આવે છે. તે રિયલટાઇમ ડેટાના આધાર પર જ મળે છે. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના સંશોધક રોહિન ગર્ગે જણાવ્યું કે, આ ક્રિટિકલ ડેટા અત્યારે ભારતથી બહાર સ્ટોર થાય છે.
ભારતીય કંપનીઓની ડેટા સેન્ટર બનાવવાની તૈયારી શરૂ
અદાણી ગ્રુપ 4600 કરોડ રૂ. ખર્ચીને બે ડેટા સેન્ટર બનાવી રહ્યું છે. એરટેલે ડેટા સેન્ટર પર 5000 કરોડ રૂ.ના રોકાણની જાહેરાત કરી છે. રિલાયન્સ જીયો પણ 7500 કરોડ રૂ.ના રોકાણ સાથે ડેટા સેન્ટર ખોલવાની જાહેરાત કરી ચૂક્યું છે.
સવાલ: જે ડેટા જૂનો થઇ ગયો, તેનું શું થશે?
વિશેષજ્ઞોનું કહેવું છે કે, એક વર્ષ જૂના ડેટાનો ઉપયોગ શક્ય નથી. એવામાં જે ડેટા જૂનો થઇ ગયો છે, તેના સહારે વિદેશી કંપનીઓ કારોબાર નહીં કરી શકે. સરકાર ઇચ્છે તો કાનૂન મારફતે સંવેદનશીલ ડેટાની મિરર કોપી પણ હાંસલ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.