ભાસ્કર ઓરિજિનલ:પરપ્રાંતીયો કાશ્મીર છોડશે તો તેનું અર્થતંત્ર ખોરવાઈ જશે

શ્રીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાશ્મીરમાં 80% શ્રમિક પરપ્રાંતીય, વિકાસનાં કામ પણ અટક્યાં
  • ફળોની વાડીઓ આ શ્રમિકોના ભરોસે, સફરજનની ખેતી પર અસર થઈ શકે

ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં સામાન્ય લોકો પર હુમલાની ઘટનાઓએ લોકોના મન દહેશતથી ભરી દીધાં છે. તેનાથી ફક્ત પરપ્રાંતીયો અને લઘુમતીઓ જ ભયભીત નથી પરંતુ સ્થાનિકોને પણ ડર છે કે આ ટ્રેન્ડથી કાશ્મીરનું અર્થતંત્ર પણ ખોરવાઈ જશે. કાશ્મીરમાં 2 ઓક્ટોબર પછી 11 સામાન્ય નાગરિકની હત્યા થઈ ચૂકી છે, જે બિહાર સહિત પાંચ રાજ્યના હતા. આ ખીણમાં ભયનો માહોલ છે.

અનેક કાશ્મીરી પંડિત અને પરપ્રાંતીય શ્રમિકો કાશ્મીર છોડી ચૂક્યા છે. જોકે, કેટલાક લોકોને સ્થાનિક મુસ્લિમો આશ્વાસન આપી રહ્યા છે કે તેઓ તેમની સુરક્ષા કરશે. જૂના શ્રીનગર શહેરના એક મકાનમાલિક મોહમ્મદ આમિમના ઘરમાં 15 ભાડુઆત રહે છે. તેઓ કહે છે કે, બહારના લોકો કાશ્મીર છોડી દેશે તો અહીંનું અર્થતંત્ર તૂટી જશે. મેં બહારના લોકોને કહ્યું છે કે તમને કોઈ નુકસાન નહીં કરે. કોઈ આતંકી અહીં આવશે, તો પહેલી ગોળી મારી છાતી પર ઝીલીશ. જો બધા બહારના લોકો ખીણ છોડી દેશે તો હું મારી જાતને કાશ્મીરિયત પર ધબ્બો સમજીશ.

શ્રીનગરના હવલમાં ચાર કિ.મી.નો એક રસ્તો ‘છોટા બિહાર’ તરીકે ઓળખાય છે. આફાક અહમદ બિહારી છે અને કાશ્મીરમાં નાઈ તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે, હું 2010માં અહીં આવ્યો હતો. 2016માં અશાંતિ થઈ, પરંતુ મેં ખીણ ના છોડી. હું અહીંથી જવા નથી ઈચ્છતો. કાશ્મીર ભાઈચારાનું પ્રતીક છે અને કાશ્મીરી ભાઈઓમાં મારી સંપૂર્ણ આસ્થા છે.

ગયા વર્ષે મારા પિતાનું અવસાન થયું ત્યારે સ્થાનિકોએ જ ધાર્મિક સન્માન સાથે તેમની દફનવિધિમાં મને મદદ કરી હતી. અમે ડિસેમ્બરમાં ઘરે જઈએ છીએ. આ વર્ષે પણ જવાના હતા. સ્થાનિક મિત્રોએ મને આશ્વાસન આપ્યું છે કે તેઓ અમને મદદ કરતા રહેશે.

બીજી તરફ, હાઉસિંગ બોટ ઓનર્સ એસોસિયેશનના મહાસચિવ અબ્દુલ રશીદ કહે છે કે, બહારના લોકોની હત્યાઓ પછી 20% બુકિંગ રદ થઈ ગયાં છે. આમ, હજારો સ્થાનિકોને અર્થતંત્ર ખોટકાઈ જવાનો ડર સતાવી રહ્યો છે.

સાત લાખ લોકો ફળોની વાડીમાં કાર્યરત: શોપિયાંના ગુલામ મોહમ્મદ કહે છે કે, હાલ સફરજનની કાપણીની સિઝન છે અને મજૂરો નથી મળી રહ્યા. ખીણના હજારો લોકોની આવકનો સ્રોત ફળોની ખેતી છે. આ ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સાત લાખ લોકો જોડાયેલા છે.

ઉ.પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી 5 લાખ શ્રમિક આવે છે

  • રોડ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટના એક અધિકારી કહે છે કે, કાશ્મીરમાં 80% શ્રમિક બહારના છે, જે ઉ.પ્ર., બિહાર, ઝારખંડમાંથી આવે છે. તેમના જવાથી વિકાસકાર્યો અટકી ગયાં છે. ઉ.પ્ર., બિહાર, રાજસ્થાન, ઝારખંડ અને બંગાળના 5 લાખ શ્રમિક દર વર્ષે કાશ્મીર જાય છે.
  • જમ્મુ-કાશ્મીરના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્શનમાં ફળોની વાડીનો હિસ્સો આશરે 7% છે. ખીણમાં 3.38 લાખ હેક્ટર જમીન પર ફળોની ખેતી થાય છે, જેમાં 1.62 લાખ હેક્ટરમાં સફરજન ઉગાડાય છે. સફરજનની ખેતીમાં લાખો શ્રમિકોને રોજગારી મળે છે.
  • આ દરમિયાન સમગ્ર કાશ્મીરની મસ્જિદો પરથી ઈમામો મુસ્લિમોને અપીલ કરી રહ્યા છે કે તેઓ પોતપોતાના વિસ્તારોમાં લઘુમતીઓ અને પરપ્રાંતીય શ્રમિકોને સુરક્ષા આપે.
અન્ય સમાચારો પણ છે...