તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • If Demand Is To Increase In The Economy, Money Has To Be Put In People's Pockets, The Government Prints New Notes For This; Don't Worry About Inflation: Abhijit Banerjee

ભાસ્કર ઇન્ટરવ્યુ:અર્થતંત્રમાં માગ વધારવી હોય તો લોકોનાં ખિસ્સામાં પૈસા નાખવા પડશે, સરકાર આ માટે નવી નોટ છાપે; મોંઘવારીની ચિંતા ના કરેઃ અભિજિત બેનર્જી

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: સ્કન્દ વિવેક ધર
  • કૉપી લિંક
  • નોબેલથી સન્માનિત અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી માને છે કે દરેક વ્યક્તિને આર્થિક સુરક્ષા ગેરન્ટીની જરૂર
  • એજન્સીઓ પોતાની સુવિધા પ્રમાણે રેટિંગ આપે છે, આપણે ચિંતા ના કરવી જોઈએ
  • ડેટા નહીં હોવાને કારણે પણ એ ખબર નથી પડતી કે દેશમાં શું થઈ રહ્યું છે: અભિજિત બેનર્જી

હાલ કેન્દ્ર સરકાર મોંઘવારીથી ખૂબ ડરે છે, પરંતુ હાલનો સમય મોંઘવારીની ચિંતાનો નથી. મોંઘવારી વધવાથી લોકોનાં ખિસ્સાંમાં પૈસા પણ આવે છે. હાલના સમયમાં માગમાં આવેલો ઘટાડો દૂર કરવા સરકારે નવી નોટો છાપીને અર્થતંત્રમાં લિક્વિડિટી વધારવી જોઈએ. અમેરિકા, યુરોપના દેશો પણ આવું જ કરે છે. અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી સન્માનિત અને અમેરિકાની એમઆઈટી યુનિવર્સિટીના પ્રો. અભિજિત બેનર્જીએ દૈનિક ભાસ્કર સાથે ખાસ મુલાકાતમાં આ વાત કરી. રજૂ છે. તેમની સાથેની વાતચીતના અંશ...

પ્રશ્નઃ કોવિડની બીજી લહેરમાંથી ભારત બહાર નીકળી રહ્યું છે. સૌથી મોટો આર્થિક પડકાર કયો માનો છો?
જવાબઃ સૌથી મોટો પડકાર તો મહામારી નિયંત્રણમાં લાવવી એ છે, કારણ કે અર્થતંત્ર માટે આપણે ખાસ કશું કરી નથી શકતા. લોકોના મનમાં લૉકડાઉનની આશંકા રહેશે, તો તેઓ ડરશે અને પછી કેટલાંક ડિફેન્સિવ એક્શન લેશે. મને લાગે છે કે એ વખતે કશું ના થઈ શકે. અત્યારે એવું કરવું જોઈએ કે જે લોકો પાસે ભોજન નથી, જેમની રોજિંદી જરૂરિયાતો પણ પૂરી થતી નથી તેમની દેખભાળ સુનિશ્ચિત કરવામાં આવે. જો દરેકને કંઈક ને કંઈક આપીશું, તો તેઓ ડરશે નહીં. લોકોમાં ભય ઓછો થશે, તો તેઓ પોતાના પૈસા ખર્ચશે. મારું સૂચન છે કે ઓછામાં ઓછું આ વર્ષ માટે મનરેગા ગેરંટી યોજના 100 દિવસ વધારીને 150 દિવસ કરવી જોઈએ. એનાથી ગ્રામીણ વસતિમાં આજીવિકાને લઈને વિશ્વાસ વધશે.

પ્રશ્નઃ શહેરી વસતિ માટે શું કરી શકાય?
જવાબઃ હાલના સંજોગમાં અર્બન મનરેગા અશક્ય છે. આર્થિક સંકટના દોરમાં નવી યોજનાઓ શરૂ ના થઈ શકે. એમાં સમય લાગે છે. મનરેગા એક ખૂબ જટિલ યોજના હતી. એ શરૂ થઈ ત્યારે તેમાં પણ ખૂબ મુશ્કેલીઓ હતી, ભ્રષ્ટાચાર હતો. હવે આ યોજના સારી રીતે ચાલે છે. કોઈ નવી યોજના શરૂ કરવાથી તો સારું છે કે પીડીએસ જેવી યોજનાઓ જે પહેલેથી ચાલે છે એની મદદથી ગરીબો સુધી રાહત પહોંચાડાય. તામિલનાડુમાં પીડીએસ થકી ગરીબોને કેશ ટ્રાન્સફર કરાય છે, એ સારું પગલું છે.

પ્રશ્નઃ ચિદમ્બરમે સરકારને નવી ચલણી નોટો છાપવાની સૂચના આપી છે. શું તમે સંમત છો? જો હા, તો સરકાર એવું કેમ નથી કરતી?
જવાબઃ બિલકુલ. હું પણ સરકારને અનેકવાર એ સલાહ આપી ચૂક્યો છું. માગ વધારવી હોય તો નવી નોટો છાપવી પડશે. ભારત સરકાર દ્વારા આવું નહીં કરવાનાં બે કારણ હોઈ શકે.
- પહેલું તો એ કે સરકાર મોંઘવારીથી ખૂબ ડરે છે. રાજકીય રીતે મોંઘવારી બહુ બિનલોકપ્રિય હોય છે, પરંતુ અર્થતંત્રની દૃષ્ટિએ મોંઘવારી લાભદાયી છે. અમેરિકા અને યુરોપના દેશોમાં પણ સરકારો ખુલ્લેઆમ નવી ચલણી નોટો છાપે છે. ત્યાં હજુ સુધી કોઈ કટોકટી નથી સર્જાઈ.
- બીજું એ કે આપણે બોન્ડ રેટિંગ એજન્સીથી બહુ ડરીએ છીએ, પરંતુ આ વખતે સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે પણ કહ્યું છે કે આપણે વધુ ખર્ચ કરવો જોઈએ.

પ્રશ્નઃ એસ એન્ડ પી, ફિચ, ક્રિસિલ જેવી રેટિંગ એજન્સીઓનાં રેટિંગ પર કેટલું ધ્યાન આપવાની જરૂર છે?
જવાબઃ આ લોકો દર બે-ત્રણ મહિને અનુમાન ઘટાડે-વધારે છે. આ વિશે હું ખાસ કંઈ જાણતો નથી, પરંતુ આ લોકો મને બહુ દુ:સાહસી લાગે છે, કારણ કે તેઓ અનુમાન કંઈક કરે છે અને ગ્રોથ ક્યાંક બીજે જ જતો રહે છે. પછી તેઓ ફરી અનુમાન કરે છે. આ કવાયત મને વ્યર્થ લાગે છે. અનેક એજન્સીઓનો પોતાનો બોન્ડનો બિઝનેસ છે. તેઓ પોતાની સુવિધા પ્રમાણે રેટિંગ આપે છે. મને તેમના પર બિલકુલ વિશ્વાસ નથી. ભારત સરકારે રેટિંગની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી.

પ્રશ્નઃ કયાં રાજ્યો સારું કામ કરી રહ્યાં છે?
જવાબઃ મેં તામિલનાડુની વાત કરી. એ રીતે પશ્ચિમ બંગાળે રસી આપવામાં ફેરિયાઓને પ્રાથમિકતા આપી છે, તેથી તેઓ કામ જલદી શરૂ કરશે અને તેમનાથી સંક્રમણનું જોખમ પણ ઘટશે. મારો અનુભવ છે કે રાજ્યો વધુ સારું કામ કરે છે.

પ્રશ્નઃ ડેટાને લઈને આ સરકાર સામે સવાલ ઊઠે છે, એમાં તમને ક્યાં મુશ્કેલી લાગે છે?
જવાબઃ આવકવેરાના ડેટા જારી થતા હતા, એ બંધ થઈ ગયા. અરવિંદ સુબ્રહ્મણ્યમે એ ફરી શરૂ કર્યા અને તેમના ગયા પછી ફરી બંધ થઈ ગયા. આપણે 2016થી 2019 વચ્ચે 40 વર્ષમાં પહેલીવાર જોયું કે પ્રતિ વ્યક્તિની સરેરાશ આવકનો ડેટા એનએસએસમાં ઓછો થઈ ગયો હતો. સરકારે એને ગરબડ ગણાવીને પાછો લઈ લીધો અને ત્યાર પછી એ ડેટા ક્યારેય સામે આવ્યો જ નહીં. જો એ ગરબડ હતી, તો સાચો ડેટા સામે આવવો જોઈએ. આપણે સીએમઆઈઈ જેવા બીજા પ્રાઈવેટ ડેટાને જોઈએ તો એનએસએસનો ડેટા સિમેન્ટ્રીમાં હતો. અરવિંદ સુબ્રહ્મણ્યમ તો સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર હતા. તેમનો સ્ટડી હતો કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષનો જીડીપી ગ્રોથનો ડેટા 3-4% ઓવર એસ્ટિમેટેડ છે. જે હોય એ, આપણી પાસે ડેટા હોવો જોઈએ. મેં બહુબધા ડેટા સેટ પર વર્ષો સુધી કામ કર્યું છે. દરેક ડેટા સેટમાં થોડી ભૂલ હોય. ઘણી વાર લાગે કે આવું કેવી રીતે હોઈ શકે, પરંતુ એનો અર્થ એ નથી કે તમે બધું ખોટું ગણીને ડેટા સેટ જ બંધ કરી દો. ડેટા નહીં હોવાને કારણે આપણને ખબર જ નથી પડતી કે દેશમાં શું થઈ રહ્યું છે?

પ્રશ્નઃ આરબીઆઈએ ગયા વર્ષે સરકારને રૂ. 1.76 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ગયા મહિને પણ આરબીઆઈએ રૂ. 99 હજાર કરોડ ટ્રાન્સફર કર્યા. એના પર અનેક સવાલ ઊઠ્યા? આ મુદ્દો તમે કેવી રીતે જુઓ છો.
જવાબઃ આપણે શરૂઆતમાં પણ પણ ચર્ચા કરી કે સરકારને અત્યારે પૈસાની જરૂર છે. તો એ ગમે ત્યાંથી મળે, બરાબર છે, એટલે મારી નજરમાં એમાં કશું ખોટું નથી, પરંતુ આવા મુદ્દે પારદર્શકતા હોવી જોઈએ, જેનો અહીં અભાવ છે. સરકારે બજેટમાં જ ખાધ વિશે યોગ્ય આકલન રજૂ કરવું જોઈએ અને તેની ભરપાઈ કેવી રીતે થશે એ પણ કહેવું જોઈએ. યુપીએ સરકારના સમયથી આ મુશ્કેલી છે કે બજેટ ખાધ દર્શાવાય એના કરતાં વધુ હોય છે. આ ડેટા જારી કરવામાં પારદર્શકતા હોવી જોઈએ.

પ્રશ્નઃ મહામારીના દોરમાં અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ વધી છે. શું તમને લાગે છે કે ભારતે પણ વેલ્થ ટેક્સ શરૂ કરવો જોઈએ?
જવાબઃ હું વેલ્થ ટેક્સની તરફેણમાં છું, પરંતુ ભારતમાં વેલ્થ ટેક્સ શરૂ કરવો સરળ નથી. એ માટે પહેલા ફિસ્કલ સિસ્ટમ ક્લીન કરવી પડે. દેશમાં હાલ વેલ્થ સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ નથી. કોની પાસે શું હોલ્ડિંગ છે એ પણ નથી ખબર. અત્યારે ફોર્બ્સ જ વેલ્થનું વિશ્લેષણ જારી કરે છે, પરંતુ વેલ્થ ટેક્સ લાગુ કરવો હોય તો એ કોઈ કામનું નથી.

પ્રશ્નઃ જો તમે દેશના નાણામંત્રી બની જાઓ તો પહેલા ત્રણ મોટા નિર્ણય શું લેશો?
જવાબઃ હું (હસીને) ડરીને છુપાઈ જઈશ. હું પહેલું કામ ડેટા ક્લીન કરવાનું કરીશ. ડેટામાં પારદર્શકતા લાવીશ. યોગ્ય ડેટા વિના તમને કેવી રીતે ખબર પડશે કે દેશની સ્થિતિ શું છે? એના વિના યોગ્ય યોજના નહીં બને. બીજું કામ હું નાણાકીય નીતિને આક્રમક કરીશ, એટલે કે માગ વધારવા માટે ચલણી નોટો છાપવી. ત્રીજું કામ હું ટેક્સ સિસ્ટમ સુધારવા પ્રયાસ કરીશ. છેલ્લાં 20 વર્ષથી ભારતમાં ટેક્સનું માળખું ઘણું સુધર્યું છે, પરંતુ હજુ એમાં ઘણા સુધારા જરૂરી છે.