રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાનપુર દેહાતમાં પૈતૃક ગામ પરોંખ પહોંચેલા વડાપ્રધાન મોદીએ રાજકીય પક્ષોના પરિવારવાદ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે હું દેશ અને લોકતંત્ર માટે સમર્પિત પક્ષોમાં મજબૂત વિપક્ષ ઈચ્છું છું. હું કોઈનો વિરોધી નથી. લોકશાહીને મજબૂત કરવા માટે ભાઈ-ભત્રીજાવાદમાં ગૂંચવાયેલા પક્ષોએ હવે ઉપર ઊઠવાની જરૂર છે.
પરિવારવાદના સકંજામાં ફસાયેલા પક્ષો હવે તેનાથી મુક્ત થાય તો જ લોકતંત્ર મજબૂત થશે. વડાપ્રધાને પરિવારવાદ વિરુદ્ધ ઉદાહરણ આપતા કહ્યું કે મંચ પર રાષ્ટ્રપતિ, યુપીનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. મને પણ દેશવાસીઓએ સેવા માટે મોટી જવાબદારી સોંપી છે. અમે ચારેય નાના ગામ કે કસ્બાથી નીકળી અહીં પહોંચ્યાં છીએ.
આ જ આપણા લોકતંત્રની તાકાત છે. ગામમાં જન્મેલ ગરીબથી ગરીબ વ્યક્તિ પણ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચી શકે છે. અગાઉ રાષ્ટ્રપતિ કોવિંદે તેમના ગામે આવેલા વડાપ્રધાનનું હેલિપેડ પર પહોંચી સ્વાગત કર્યું. વડાપ્રધાને કહ્યું કે પદની મર્યાદાથી બહાર નીકળી રાષ્ટ્રપતિએ મને હેરાન કરી દીધો. તે મને હેલિપેડ પર રિસીવ કરવા આવ્યા.
તેના પછી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું. રાષ્ટ્રપતિએ ત્યારે કહ્યું કે અમારા નાનકડા ગામડામાં વડાપ્રધાનનું આગમન તેમની સહૃદયતા અને ઉદારતા છે. આજે મારું ગામ તમારું આભારી થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.