બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી અમર સિંહ નામના વ્યક્તિએ ફોન પર આપી હતી. તેણે કહ્યું હતું- ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સહિત તેરમાની તૈયારી કરી લો. બમીઠા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે.
SPએ કહ્યું, અમને આશંકા છે કે ધમકી આપનારે કોઈ અન્ય નામની ઓળખ આપી ફોન કર્યો હતો. કેસની તપાસ માટે 25 લોકોની SIT રચવામાં આવી છે. જેમાં પેટાવિભાગીય અધિકારીઓ પણ સામેલ છે. બાગેશ્વરધામની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની સિક્યોરિટીને અલગથી બ્રીફ કરવામાં આવશે કે, કેવી રીતે તેઓએ સતર્ક રહેવું.
ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતરાઈ ભાઈએ નોંધાવી ફરિયાદ
બમીઠા પોલીસે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. લોકેશ ગર્ગને ફોન કરવામાં આવ્યો હતો. જેમાં અમર સિંહ નામના વ્યક્તિએ ફોન પર કહ્યું- પોતાના પરિવારના તેરમાની તૈયારી કરી લો.
ગઢના રહેવાસી લોકેશે ફરિયાદમાં જણાવ્યું છે કે, 22 જાન્યુઆરી રાતે 9.15 વાગે તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો. કોલ રિસીવ કર્યો ત્યારે સામેથી અજાણી વ્યક્તિ બોલી કે, ધીરેન્દ્ર સાથે વાત કરાવો. લોકેશે પૂછ્યું કોણ ધીરેન્દ્ર? ત્યારે તે અજાણી વ્યક્તિએ કહ્યું- બાગેશ્વરવાળા ધીરન્દ્ર શાસ્ત્રી સાથે વાત કરાવો. તેની પર લોકેશે કહ્યું-અમારી પહોંચ તેમના સુધી નથી, કે તમારી વાત કરાવી શકીએ. પછી ફોન કરનારે ધમકી આપી. કહ્યું-પરિવાર સહિત ધીરેન્દ્ર શાસ્ત્રીના તેરમાની તૈયારી કરી લેજો. તેની પર લોકેશે પૂછ્યું- કેમ કરી લેજો? તમે કોણ બોલી રહ્યા છો? કોલરે તેનું નામ અમર સિંહ તરીકે જણાવ્યું હતું. ત્યારબાદ ફોન કટ કરી દીધો હતો.
જણાવી દઈએ કે, આજે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફ્લાઈટમાં રાયપુરથી ખજુરાહો પહોંચશે. અહીં ગઢા ગ્રામ સ્થિત બાગેશ્વરધામ જશે. બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ડિસેમ્બર 2022માં કહ્યું હતું કે, તેમનો જીવ લેવા માટે વિદેશમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
બાગેશ્વરધામની વ્યવસ્થા સંભાળે છે લોકેશ
લોકેશ ગર્ગ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. લોકેશ ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતાના મોટાભાઈના પુત્ર છે. તેઓ બાગેશ્વરઘામની વ્યવસ્થા સંભાળે છે. ધામ પર તેમના રેસ્ટોરેન્ટ પણ છે, જે ભાડે આપેલા છે.
હવે વાંચો FIRની કોપી
મહારાષ્ટ્રથી શરૂ થયો હતો મોટો વિવાદ
નાગપુરમાં 13 જાન્યુઆરી સુધી તેમની કથાનું આયોજન થવાનું હતું. પરંતુ તે 11 જાન્યુઆરીએ જ પરત ફરી ગયા હતા. ત્યાર પછીથી જ તેમને લઈ વિવાદ વધતો ગયો હતો. નાગપુરની અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિના શ્યામ માનવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને બધાની સામે તેમની શક્તિ સાબિત કરવાનો પડકાર આપ્યો હતો. ત્યારે આ મામલે આખા દેશમાં હોબાળો મચી ગયો હતો. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ કહ્યું કે, જ્યારે બાગેશ્વર સરકારને ચમત્કાર સાબિત કરવાનો પડકાર આપવામાં આવ્યો ત્યારે તે કથા છોડીને જતા રહ્યા હતા. 30 લાખ રૂપિયાનો ચેલેન્જ આપવામાં આવ્યો હતો.
પડકાર પર કહ્યું- આવી જાવ તમારૂં પેન્ટ ભીનું થઈ જશે
નાગપુર બાદ છત્તીસગઢના રાયપુરમાં કથા કરી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ શ્યામ માનવનો પડકાર સ્વિકારી લીધો હતો. તેમણે કહ્યું હતું- નાગપુરવાળા આવી જાવ, પડકાર સ્વિકાર છે. સાચું કહી દીધું તો આખી જિંદગી બાગેશ્વરધામમાં પાણી ભરવું પડશે. ત્યારે આ પછીથી જ, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ આખા દેશમાં ચર્ચાઓ થઈ રહી છે.
તેમણે રાયપુરમાં કહ્યું હતું- જેમણે મને પડકાર આપ્યો છે તે આજે ન આવી શક્યા હોય તો કાલે આવી જાય, તમારૂ પેન્ટ ભીનું થઈ જશે. હવે તો હું તમારા માથે નાચીશ... ચિંતા ન કરો. હું ભરેલા દરબારમાં તેમના પડકારનો સ્વિકાર કરું છું. જો મેં તેમના પડકાર મુજબ બધુ સાચું જણાવી દીધું તો તેમને જીવનભર અમારા ગુલામ બની જવું પડશે. જો ન જણાવ્યું તો હું અંધવિશ્વાસી થઈ જઈશ અને જો જણાવ્યું તો જીવનભર તમારે બાગેશ્વરધામમાં પાણી ભરવું પડશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું- હજું તો વધુ આરોપો મારી ઉપર લગાવવામાં આવશે. મહિલાઓ મોકલવામાં આવશે. પૈસા મોકલવામાં આવશે, પરંતુ હું તો સનાતની છું, હું બધાને પાર કરી લઈશ. બધા સંત અને સનાતની ત્યાં સુધી કે મહારાષ્ટ્રના હિન્દુ પણ મારી સાથે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા મનોજ મુંતાશિર
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મનોજ મુંતાશિરનું પણ સમર્થન મળ્યું છે. મુંતાશિરે શાસ્ત્રી પર આરોપ લગાવવા અને તેમની પર સવાલ કરનારને કહ્યું કે, પહેલા તો તેઓ એ જણાવે કે, ધર્માન્તરણનો ક્યારે-કેટલો વિરોધ કર્યો છે. સતના નગર ગૌરવ દિવસના કાર્યક્રમમાં વ્યાખ્યાન આપવા માટે આવેલા ગીતકાર અને સંવાદ લેખક મનોજ મુંતાશિર શુક્લાએ કહ્યું કે, બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ધર્માન્તરણ રોકવાનું મોટું કામ કર્યું છે. કદાચ આ જ કારણ છે કે લોકો તેમની વિરૂદ્ધમાં ઉભા થઈ ગયા છે.
મુંતાશિરે કહ્યું, ભારતનું બંધારણ ધર્માન્તરણની પરવાનગી નથી આપતું, તેમ છતાં લોકો લાલાચ આપી ધર્માન્તરણ કરાવી રહ્યા છે. બાગેશ્વર ધામના મહારાજે ધર્માન્તરણને રોકવાનું મોટું કામ કર્યું છે. જે લોકો તેમના વિરોધમાં ઉભા છે, હું તેમને પૂછવા માગુ છું કે, શું તેઓએ ક્યારે ધર્માન્તરણ અંગે આટલો વિરોધ કર્યો હતો? ચમત્કારની વાત પર તેમણે કહ્યું, ચમત્કાર શબ્દ સબ્જેક્ટિવ છે, તેને લઈ બધાના અલગ અલગ અભિગમ હોય છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય બોલ્યા- હનુમાનજીની 8 શક્તિઓમાંથી એક શક્તિ ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે
રાજગઢના વરિષ્ઠ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુનન્દન શર્માએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કરી એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે- હનુમાનજીને પ્રાપ્ત 8 શક્તિઓમાંથી એક શક્તિ ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે છે. આ શક્તિથી તે લોકોના મનની વાત જાણી તેને કાગળ પર લખી દે છે.
રઘુનન્દન શર્માએ રાજગઢમાં મીડિયા સાથે વાતચીત કરતા હનુમાન ચાલીસાની ચૌપાઈનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, તમે હનુમાન ચાલીસાની એ ચૌપાઈ તો જરૂરથી વાંચી હશે ‘અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, ઉસ બર દીન જાનકી માતા’ એટલે હનુમાનજીને માતા જાનકીએ 8 શક્તિઓ આપી હતી. તે શક્તિઓમાંથી એક શક્તિ જો કોઈ પાસે છે, તો એ ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે છે. અને તે આધ્યાત્મિક શક્તિ છે, જેનાથી તે લોકોના મનની વાતો જાણી કાગળ પર લખી દે છે. આ કોઈ આશ્ચયની વાત નથી. આ પ્રકારની શક્તિઓ હિન્દુ ધર્મમાં ઘણા લોકો પાસે રહી છે. જે લોકોને ભારતવર્ષના ઈતિહાસ અંગે જાણ નથી, ન કોઈની ધાર્મિક પૃષ્ઠભૂમિ છે અને ન તેમનું કોઈ આધ્યાત્મિક જ્ઞાન છે. એ લોકો જરૂરથી આ પ્રકારની વાતો કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.