કાનપુર:આઠ પોલીસકર્મીના હત્યારા વિકાસના ઘર, કાર પર હથોડા ઝીંકાયાઃ બાતમીદાર હોવાની આશંકાએ SHO વિનય તિવારી સસ્પેન્ડ

લખનઉ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન બિકરુ ગામમાં હત્યાકાંડ બાદ ઘટના સ્થળેથી પિસ્તોલ મળી હતી - Divya Bhaskar
કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન બિકરુ ગામમાં હત્યાકાંડ બાદ ઘટના સ્થળેથી પિસ્તોલ મળી હતી
  • પોલીસ કર્મચારીના પાંચ મૃતદેહ એકબીજા ઉપર રાખી થપ્પી લગાવી હતી
  • ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી મદદ માટે દરવાજા ખખડાવી રહ્યા હતા પણ બદમાશોએ તેને ગોળીઓ મારી
  • જેસીબીથી પોલીસનો રસ્તો રોકેલો તેનાથી જ તોડી પડાયું
  • વિકાસને પકડી પાડવા 100 ટીમ, 500 મોબાઇલ ફોન સર્વેલન્સ પર
  • કાનપુરમાં ગુરુવારે રાત્રે અથડામણમાં 8 પોલીસ કર્મચારીના મોત થયા હતા, આરોપી વિકાસ દુબે ફરાર છે

ઉત્તરપ્રદેશના કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યા મામલે વોન્ટેડ અપરાધી વિકાસ દુબેનું બિકરુ ગામમાં આવેલું મકાન તોડી પડાયું છે. શનિવારે સવારે ગામમાં પહોંચેલી વહીવટીતંત્રની ટીમે જે જેસીબીથી વિકાસે પોલીસનો રસ્તો રોક્યો હતો તેનાથી જ તેનું ઘર તોડી પાડ્યું. ત્યાં રહેલા ટ્રેક્ટર અને બે એસયુવી કારનો પણ જેસીબીથી ખુરદો બોલાવી દેવાયો. વિકાસને જબ્બે કરવા પોલીસની 100 ટીમ કામે લાગી છે. તેના પર 50 હજાર રૂ.નું ઇનામ જાહેર કરાયું છે. બીજી તરફ આ સમગ્ર પ્રકરણમાં આરોપીના બાતમીદાર રહ્યાની આશંકાએ ચૌબેપુર પોલીસ મથકના એસએચઓ વિનય તિવારીને સસ્પેન્ડ કરાયા છે. જાણવા મળ્યું છે કે તિવારી છાપો મારવા ગયેલા પોલીસ કાફલામાં સૌથી પાછળ રહ્યા હતા અને તેમનો વાળ પણ વાંકો નથી થયો. આ મામલે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોની અટકાયત કરાઇ છે અને 500થી વધુ મોબાઇલ ફોન સર્વેલન્સ પર રખાયા છે.

વિપક્ષનો પ્રહાર: પ્રિયંકાએ કહ્યું- યુપીમાં જંગલરાજ, પોલીસ પણ સલામત નથી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ યુપી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે અપરાધીઓ, શાસક પક્ષના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠના કારણે યુપીમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઇ ચૂકી છે. રાજ્યમાં આમ આદમી તો દૂરની વાત છે પણ તેમની રક્ષા કરતી પોલીસ પણ સુરક્ષિત નથી રહી.

કિલ્લા જેવા મકાનમાં બંકર પણ બનાવ્યું હતું, 50 સીસીટીવી કેમેરાથી દેખરેખ
વિકાસનું મકાન ચારેય તરફથી 20 ફૂટ ઊંચી જાડી દીવાલોથી ઘેરાયેલું હતું. તેના પર કાંટાળા તારની વાડ પણ હતી. મકાનમાં તેણે બંકર પણ બનાવ્યું હતું. મકાનની અંદર અને બહારની હિલચાલ પર નજર રાખવા 50 સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતા. ઘર તોડી પાડતાં પહેલાં પોલીસે વિકાસના પિતા રામકુમારને અને તેમની નોકરાણીને બાળકો સાથે ઘરની બહાર કાઢી લીધાં હતાં.

બદમાશોએ પોલીસ ટીમને બચવા માટે કોઈ તક આપી ન હતી 
ગુરુવારે રાત્રે ચૌબેપુર પોલીસ સ્ટેશનના બિકરુ ગામમાં CO બિલ્હોર દેવેન્દ્ર મિશ્રાના નૈતૃત્વમાં પોલીસ દળ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ઘરની તપાસ કરવા માટે ગયા હતા. આ પોલીસ ટીમમાં શિવરાજપુર, ચૌબેપુર અને બિઠુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હતો. અહીં વિકાસ પહોંચે તે અગાઉ પોલીસને માર્ગમાં અટકાવવા માટે એક JCB રાખવામાં આવ્યુ હતું. પોલીસ આ યોજનાને સમજે તે અગાઉ વિકાસ દુબેના સાથીઓએ પોલીસ ટીમ પર ઘરની છતો પરથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. વિકાસ દુબેના સાથીઓ પાસે આધુનિક હથિયારો હતા. તેઓ છત પરથી પોલીસને નિશાન લગાવી પોલીસ પર ગોળીબાર કરતા હતા. જ્યારે પોલીસ દિવાલની આડ લઈ ચોક્કસ અંદાજ લગાવી ગોળીબાર કરી રહી હતી.

મૃતદેહો પર પણ ગોળીઓ છોડી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અથડામણ અગાઉ શિવરાજપુર SO મહેશ યાદવ અને મંધના ચોકીના ઈન્ચાર્જ અનૂપ સિંહ ગંભીર રીતે ઈજા પામ્યા હતા. બન્ને મદદ માટે દરવાજા ખખડાવી રહ્યા હતા. તે સમયે પાછળથી આવી બદમાશોએ બન્નેના પીઠમાં ગોળીઓ મારી હતી. બાદમાં બન્નેના મૃતદેહોને એક જગ્યા પર ઘસડીને લઈ ગયા હતા. આ બદમાશોએ ક્રુરતાની તમામ હદ પાર કરી દીધી હતી. પોલીસ કર્મચારીઓના મૃતદેહો પર પણ અનેક ફાયરિંગના અનેક રાઉન્ડ છોડ્યા હતા.

બદમાશોએ પોલીસના હથિયારો પણ લૂટી લીધા
બદમાશોએ પોલીસની AK-47, રાઈફલ તથા બે પિસ્તોલ પણ લૂટી લીધી હતી. પોલીસ પાસેથી લૂટવામાં આવેલા આ હથિયારોથી તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ અહેવાલમાં એવી પણ માહિતી મળી છે કે ચાર પોલીસ કર્મચારીઓના શરીરમાંથી ગોળીઓ આરપાર કરવામાં આવી હતી. મધના ચોકીના ઈન્ચાર્જ અનૂપ સિંહને સાત ગોળી મારવામાં આવી હતી. શિવરાજપુરના SO મહેશ યાદવને પાંચ ગોળી મારવામાં આવી હતી. આ ઉપરાંત જીતેન્દ્ર પાલને 6 ગોળી મારવામાં આવી હતી. જ્યારે બાકી ચાર પોલીસ કર્મચારીને ચાર-ચાર ગોળી મારવામાં આવી હતી.

આ છે સમગ્ર ઘટના
ચૌબેપુર વિસ્તારના રાહુલ તિવારીના સાસરા લલ્લન શુક્લાની જમીન પર વિકાસે બળજબરીપૂર્વક કબ્જો કરી લીધો છે. રાહુલે કોર્ટમાં વિકાસ સામે કેસ દાખલ કર્યો. છેલ્લે 1 જુલાઈના રોજ વિકાસના સાથિઓ સાથે મળી રાહુલને માર્ગ પરથી ઉઠાવી લીધો હતો અને બંધક બનાવી દીધો હતો. તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાહુલે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...