તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • I Got Wet In The Rain, They Brought A Towel For Me, Wiped My Head, Brought Their Own Shirt And Put It On ... Again I Got Wet: Nana Patekar

ભાસ્કર વિશેષ:હું વરસાદમાં ભીંજાઈ ગયો હતો, તેઓ મારા માટે ટોવેલ લાવ્યા, મારું માથું લૂછ્યું, પોતાનો શર્ટ લાવી પહેરાવ્યો... ફરી હું ભીંજાઈ ગયોઃ નાના પાટેકર

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દી ફિલ્મ જગત પર વર્ષો સુધી રાજ કરનારા ટ્રેજેડી કિંગ દિલીપકુમારને નાના પાટેકરની શબ્દાંજલિ

મારા સાહેબ જતા રહ્યા, ઘણા લોકો લખશે, ઘણું બધું લખશે. આ લખવું અપરિહાર્ય છે. શબ્દો વામણાં હશે, અધૂરા હશે. બહુ જ મોટા કલાવંત અને બહુ જ મોટા માણસ. હું તેમની સ્મૃતિને વંદન કરું છું. તેમની અંતિમયાત્રામાં જોડાઇ ન શક્યો એ જીવીશ ત્યાં સુધી ખૂંચશે. પિતા સમાન હતા, મારી પીઠ પંપાળી હતી તેમણે.

મને આજે પણ યાદ છે, એક દિવસ તેમના ઘરે ગયો હતો, તેમણે બોલાવેલો. બહુ વરસાદ હતો, હું પૂરો પલળી ગયો હતો. પહોંચ્યો તો દરવાજે ઊભા હતા. મને પલળેલો જોઇને અંદર ગયા, ટોવેલ લાવ્યા અને મારું માથું લૂછવા લાગ્યા. અંદરથી તેમનો શર્ટ લાવીને પહેરાવ્યો. હું ફરી ભીંજાઇ ગયો. આંખો દગો દઇ રહી હતી પણ તે છતાં હું પોતાને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કેટલા વખાણ કરી રહ્યા હતા ‘ક્રાંતિવીર’ ફિલ્મના. ફિલ્મના એક-એક દૃશ્ય અંગે ટિપ્પણી કરી રહ્યા હતા.

હું બીજે ક્યાંક જ ખોવાઇ ગયો હતો. આટલા મોટા પહાડ જેવા માણસ ઉર્દૂ અને અંગ્રેજીમાં મારા વખાણ કરી રહ્યા હતા. બંને ભાષા મારા માટે અપરિચિત. હું તેમની આંખો વાંચી રહ્યો હતો. તેમણે આંખોથી વર્ણવેલા ઘણાં સંવાદ મેં સાંભળ્યા છે. તેમની મેં જોયેલી પહેલી ફિલ્મ ‘ગંગા-જમુના’ હતી અને મનથી નક્કી કરી લીધું કે હું દિલીપકુમાર બનીશ. કલાવંત હોવું એટલે દિલીપકુમાર હોવું. પછી મેં તેમની બધી જ ફિલ્મો જોઇ. આમ-તેમ, ક્યાંય પણ, કોઇ પણ ખૂણામાં જઇને. મને ક્યારેય એવો ખ્યાલ પણ નહોતો આવ્યો કે હું તેમને ક્યારેય મળી શકીશ.

શિવાજી પાર્કમાં ‘લીડર’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, એટલી ભીડ કે કંઇ દેખાતું નહોતું. હું તે ભીડમાં ક્યાંય પાછળ હતો. સ્ટેજ પરથી તેઓ મોટેથી બોલ્યા કે, ‘મુટ્ઠી ઐસે પકડો ઔર હાથ ઐસે હવા મેં ઘુમા દો ઔર બોલો મારો, મારો.’ બધાએ તેમ કર્યું પણ મેં થોડું વધારે સારું કર્યું. આ ફિલ્મ જોતી વખતે તે ભીડમાં આકાશમાં હાથ વીંઝનારો હું પોતાને શોધી રહ્યો હતો પણ પડદા પર બે લોકો જ દેખાતા હતા. ભીડ અને દિલીપકુમાર.

હું આજે પણ ગર્વભેર કહું છું કે મારી પહેલી ફિલ્મ ‘લીડર’ છે. તેમનો અને મારો એક ફોટો છે, ક્રિકેટર્સ અને કલાકારોની એક ચેરિટી ફૂટબોલ મેચ હતી. તેઓ રેફરી હતા અને મારું ધ્યાન તેમના પર. મેચ દરમિયાન કિરણ મોરેનો ઘૂંટણ મારા પેટમાં વાગ્યો. હું દુખાવાના કારણે પડી ગયો.

મારા સાહેબે મને કારમાં બેસાડીને નાણાવટી હોસ્પિટલ પહોંચાડ્યો. એક નાના એવા ક્લોઝઅપમાં કેટલું બધું કહી દેતા! બહુ બધું યાદ આવે છે, આ અવસ્થા બધાની હશે. મારી પેઢીને તેમનો સ્પર્શ થયો છે. આજની પેઢીની મને નથી ખબર. હું તેમનો કોણ હતો? છતાં ગુમસુમ થઇ ગયો છું. તેમનાં પત્ની સાયરાજી પર હાલ શું વીતતી હશે એ જ વિચાર સતત આવે છે.

તેઓ ક્યારેક માતા, ક્યારેક પિતા, મિત્ર સહિત કેટલી અલગ-અલગ ભૂમિકા કેટલી સરસ રીતે હસતા મોઢે નિભાવતા રહ્યા! ઘરના દરેક ખૂણે સાહેબ છુપાયેલા હશે. સાયરાજીની હાલત એવી હશે કે સામે પણ ન જઇ શકે કે છુપાઇ પણ ન શકે. હું તો કાલે-પરમદિવસે બધું ભૂલી જઇશ, તેમનું શું થશે?

ક્યારેક લાગે છે કે છેલ્લા દિવસોમાં સાહેબ બધું ભૂલી ગયા હતા તે કદાચ તેમનો અભિનય જ હશે. તેમણે કદાચ આસપાસની સામાજિક, રાજકીય સ્થિતિ જોઇને વિચાર્યું હશે કે ભૂલવું જ સારું છે. એકલામાં સાયરાજી સાથે જરૂર વાત કરતા હશે. એકબીજાની દુનિયા બનીને રહ્યા. સાયરાજી, હું તમને ઝૂકીને નમસ્કાર કરી રહ્યો છું, જે મારા ભગવાનને પહોંચશે એ મને ખબર છે.

- નાના પાટેકર

અન્ય સમાચારો પણ છે...