માર્ચ, 1947ના એ દિવસો. હવામાન ઠંડી-ગરમીની વચ્ચે હતું પણ માહોલ લોહી અને પરસેવાથી તરબતર હતો. દેશમાં તોફાનો ભડકી રહ્યાં હતાં. નવા વાઇસરોય આવવાના હતા. મુસ્લિમ લીગ તથા કોંગ્રેસના નેતાઓ અલગ-અલગ બેઠકો કરીને રણનીતિઓ ઘડી રહ્યા હતા. ત્યારે કેવી ઊથલપાથલ મચી હતી તે 1947ના હિન્દુસ્તાનના શબ્દોમાં જણાવી રહ્યા છે- ડૉ. ધનંજય ચોપરા.
^ માર્ચ આવતાં આવતાં રાજા-રજવાડાં - નિઝામો-નવાબોના ચહેરા વિલાવા લાગ્યા હતા પણ તેમની પ્રજાના ચહેરા પર મુક્તિનો ઉલ્લાસ છલકતો હતો. અંગ્રેજ અધિકારીઓ પોતાનું સારું કરશે એવી આશા રાખીને બેઠેલા આમાંથી ઘણાં રજવાડાં અને રિયાસતો ભાગલાની મથામણથી અલગ થઇ ગયાં હતાં. હૈદરાબાદના નિઝામ કોઇ પણ રીતે પોતાનું સિંહાસન જળવાઇ રહે તે માટે મથતા હતા. જોકે, દિલ્હી, પટણા, લખનઉ અને કલકત્તા સહિત ઘણાં શહેરો-ગામડાંમાં અજીબ બેચેની વધી રહી હતી. બંગાળ બાદ માર્ચની શરૂઆતમાં જ બિહાર તોફાનોની આગમાં સળગતું હતું અને ગાંધીજી ત્યાં પહોંચી ગયા. તારીખ હતી- 5 માર્ચ, 1947. બાપુ કોંગ્રેસી નેતાઓના વલણથી નારાજ હતા. તેઓ ઇચ્છતા હતા કે કોંગ્રેસીઓ ઠેર ઠેર થતાં તોફાનોથી પોતાને અલગ કરે.
આ તરફ 1947ની 20 માર્ચે જયપ્રકાશ નારાયણને સાથે રાખીને ગાંધીજી બિહાર પોલીસની હડતાળ ખતમ કરાવી રહ્યા હતા અને બીજી તરફ તે જ સમયે નાર્થોલ્ટ એરપોર્ટથી માઉન્ટબેટન તેમના પરિવાર સાથે ભારત આવવા ઉડાન ભરી રહ્યા હતા. 22 માર્ચની બપોરે દિલ્હીના પાલમ એરપોર્ટ પર માઉન્ટબેટન, તેમની પત્ની એડવિના અને 17 વર્ષની પુત્રી પામેલાનું સ્વાગત જવાહરલાલ નેહરુ અને લિયાકત અલી ખાન કરી રહ્યા હતા. ભાવિ વાઇસરોયે શાહી અંદાજ દેખાડવામાં કોઇ કસર ન છોડી.
24 માર્ચનો એ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું કે જ્યારે દરબાર હૉલમાં દેશના છેલ્લા બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટનને શપથ લેવડાવાઇ રહ્યા હતા. મારી રગોમાં દોડતા લોહીની ઝડપ ત્યારે ચાર ગણી થઇ ગઇ કે જ્યારે માઉન્ટબેટને કહ્યું, બ્રિટિશ સરકાર જૂન, 1948 સુધીમાં સત્તા પરથી હટી જશે અને ભારત આઝાદ થઇ જશે. શપથગ્રહણના પછી વાઇસરોય હાઉસમાં નેહરુ અને માઉન્ટબેટન વચ્ચેની બેઠક 3 કલાક ચાલી. માઉન્ટબેટન વારાફરથી રાષ્ટ્રીય આંદોલનના અન્ય નેતાઓને મળ્યા પરંતુ 31 માર્ચ, 1947ની ગાંધીજી અને માઉન્ટબેટનની મુલાકાત ખાસ રહી. તેમાં ગાંધીજીએ ભાગલા ના પાડવા પર ભાર મૂક્યો. જોકે, ત્રણ દિવસ પછી માઉન્ટબેટને ઝીણા સાથે પણ વાત કરી. ઝીણાએ સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઇ પણ સંજોગોમાં ભાગલા ઇચ્છે છે. કાલે વાંચો: આઝાદીની પટકથા કેવી રીતે લખાઇ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.