તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક મહાનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોવા છતાં હૈદરાબાદે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે અને એનું મુખ્ય કારણ હતું ભાજપનો આક્રમક અભિગમ. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રીઓ સહિતના દિગ્ગજોને પ્રચાર અભિયાનમાં ઉતારીને ભાજપે આ ચૂંટણીને હાઈ પ્રોફાઈલ બનાવી દીધી હતી. ભાજપ માટે અશક્ય ગણાતું મિશન હૈદરાબાદ સત્તા સુધી પહોંચાડી નથી શક્યું, પરંતુ 2016માં મળેલી 4 બેઠકમાં 12 ગણો વધારો કરીને ભાજપે અહીં મજબૂત પડકાર ઊભો કરી દીધો છે, જેને લીધે ચંદ્રશેખર રાવ અને ઓવૈસીને શિયાળામાંય પરસેવો વળી ગયો છે.
અમદાવાદ જેવી જ ભૂગોળ
અમદાવાદમાં જે પ્રકારે જૂનું શહેર અને નદી પારના નવા વિકસેલા આધુનિક વિસ્તારોનું મિશ્રણ છે એ જ પ્રકારે હૈદરાબાદ પણ ચારમિનાર આસપાસ અને એથી દક્ષિણે ઓલ્ડ સિટી તરીકે ઓળખાતા વિસ્તારો અને ઉત્તર, ઉત્તર-પશ્ચિમે નવા આધુનિક વિસ્તારોનું મિશ્રણ ધરાવે છે. જૂના વિસ્તારમાં નિઝામશાહી વખતની ઈમારતો, સરકારી કચેરીઓ અને બજારોની ફરતે મુસ્લિમ વસતિ ગીચોગીચ વસેલી છે. જ્યારે એલ.બી.નગર, કુકટપલ્લી, સેરીલિંગમપલ્લી વગેરે ઝોન આધુનિક બિલ્ડિંગોની ભવ્યતા, પહોળા રસ્તાઓ, લેડ અને નિયોન સાઈનબોર્ડની ઝાકઝમાળ ધરાવે છે. આ વિસ્તારોમાં હિન્દુઓની બહુમતી છે.
6 પૈકી 2 ઝોન ઓવૈસીના ગઢ
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કુલ 6 ઝોનમાં વહેંચાયેલું છે. ચારમિનાર ઝોન, ખૈરાતાબાદ, કુકટપલ્લી, એલ.બી.નગર, સિકંદરાબાદ અને સેરીલિંગમપલ્લી એ 6 ઝોન પૈકી ચારમિનાર અને ખૈરાતાબાદ ઝોનને અસદુદ્દીન ઓવૈસીનો ગઢ માનવામાં છે. અગાઉ કોંગ્રેસનો અહીં દબદબો હતો, પરંતુ છેલ્લા એક દાયકાથી અહીં ઓવૈસીની બોલબાલા છે અને કોંગ્રેસની વોટબેન્ક પૂર્ણતઃ ઝૂંટવાઈ ચૂકી છે. 2010માં 52 બેઠક મેળવીને મોખરે રહેલી કોંગ્રેસ 2016માં 2 બેઠક પર સીમિત થઈ ચૂકી હતી અને 2020માં પણ તે ફક્ત 2 જ બેઠક મળી છે, એટલે કોંગ્રેસ અહીં ક્યાંય ચિત્રમાં રહી નથી.
પડદા પાછળના ગઠબંધને ઓવૈસીનો ગઢ જાળવ્યો
નવેમ્બર મહિનાના આરંભે દુબ્બાક વિધાનસભાની પેટાચૂંટણીમાં અણધાર્યો વિજય મેળવ્યા પછી ભાજપ હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં આક્રમક બનશે જ એવી ધારણાથી શાસક TRS અને ઓવૈસી વચ્ચે અઘોષિત ગઠબંધન થયું હોવાનો ભાજપ સતત આક્ષેપ કરે છે. દેખીતી રીતે તેનો નકાર કરવા છતાં ચૂંટણીમાં કુલ 150 બેઠક પૈકી ફક્ત 51 બેઠક પર જ ઓવૈસીએ ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને મુસ્લિમ બહુમતી સિવાયના વિસ્તારોમાં ચૂંટણીજંગને દ્વિપક્ષી બનવા દીધો હતો. 51 પૈકી 5 બેઠકો પર ઓવૈસીએ હિન્દુ ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
TINA V/s BITA
TRSના ચંદ્રશેખર રાવ રાજ્યભરમાં પોતાને બિનહરીફ નેતા ગણાવે છે. તેમના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી (There is no alternative - TINA)એ તેમના પ્રચાર અભિયાનની સ્ટ્રેટેજી હોય છે. જ્યારે ભાજપે આ ચૂંટણીમાં બહુ જ આક્રમકતાથી BJP is the alternative - BITA ફેક્ટરનો પ્રચાર કર્યો હતો અને TRSના ગઢમાં તગડું ગાબડું પાડવામાં સફળતા મેળવી છે. એ જોતાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે ચંદ્રશેખર રાવને અત્યારથી જ પરસેવો વળતો હશે એ નિશ્ચિત છે.
ભાજપનો ફાયદો, રાવનું નુકસાન
હૈદરાબાદ કોર્પોરેશનની કુલ 99 બેઠક પર ભાજપ અને TRS વચ્ચે સીધો જંગ લડાયો હતો, જ્યારે 51 બેઠકો પર ઓવૈસીના ઉમેદવારો સામે ભાજપના ઉમેદવાર હતા. ઓવૈસીના ગઢમાં ભાજપને ફક્ત 2 વોર્ડમાં જ જીત મળી છે. જ્યારે 99 પૈકી 46 બેઠક પર ભાજપે TRSના ઉમેદવારોને હરાવ્યા છે. એ સિવાય 12 બેઠક એવી છે જ્યાં બે કે ત્રણ આંકડાના મામૂલી તફાવતથી ભાજપના ઉમેદવારો હાર્યા છે. એ દર્શાવે છે કે ભાજપે તેલંગાણામાં TRSના વિકલ્પ તરીકે ચંદ્રશેખર રાવને મજબૂત પડકાર આપી દીધો છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.