‘દુર્ભાગ્યે પતિઓ માટે પત્ની વિરુદ્ધ કાર્યવાહી કરવા ઘરેલુ હિંસા જેવો કાયદો નથી. આ મામલામાં સ્પષ્ટ છે કે, ફક્ત પતિને પરેશાન કરવા માટે પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી છે.’ મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એસ. વૈદ્યનાથને ઘરેલુ હિંસા સાથે સંકળાયેલા એક કેસમાં મંગળવારે આ ટિપ્પણી કરી હતી.
આ કેસની સુનાવણી કરતા જસ્ટિસ વૈદ્યનાથને કહ્યું કે, વર્તમાન પેઢીએ સમજવું પડશે કે લગ્ન એક સંસ્કાર છે. તે કોઈ કરાર નથી. બેશક, ઘરેલુ હિંસા અધિનિયમ-2005 લાગુ થયા પછી સંસ્કારનું અસ્તિત્વ નથી રહ્યું. આ કાયદો લિવ-ઈન સંબંધોને મંજૂરી આપે છે. આમ છતાં, પતિ અને પત્નીએ એ સમજી લેવું જોઈએ કે, ‘અહંકાર’ અને ‘અસહિષ્ણુતા’ જૂતાં જેવાં છે. એટલે તે ઘરની બહાર જ છોડી દેવા જોઈએ. જે ઘરમાં તે પ્રવેશે છે, તેમનું જીવન નર્ક બની જાય છે. છેવટે બાળકોએ પણ એ સ્થિતિનો સામનો કરવો પડે છે.
આ ટિપ્પણીઓ સાથે જ હાઈકોર્ટે પીડિત પતિની તરફેણમાં ચુકાદો આપ્યો. હાઈકોર્ટે અરજદાર પતિને 15 દિવસમાં નોકરી ચાલુ કરવાનો આદેશ આપ્યો તેમજ સરકારને બરતરફીના સમયનો સંપૂર્ણ પગાર આપવાનો પણ નિર્દેશ કર્યો.
હાઈકોર્ટના મતે પીડિત વ્યક્તિની બરતરફીનો આદેશ ખોટો: જસ્ટિસ વૈદ્યનાથને કહ્યું કે કોર્ટને લાગે છે કે ફરિયાદીનાં પત્નીએ પતિને પરેશાન કરવાના હેતુથી ફરિયાદ કરી છે. તેમનો છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં ચાલતો હતો. તેમાં પતિની તરફેણમાં ચુકાદો આવવાની શક્યતા હતી.
ફેમિલી કોર્ટ છૂટાછેડા મંજૂર કરવાની હતી પરંતુ તેના ચાર દિવસ પહેલાં જ પત્નીએ પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ મૂકી દીધો. આ દરમિયાન ફેમિલી કોર્ટે છૂટાછેડાનો આદેશ આપી દીધો. પરંતુ સરકારી વિભાગે પત્નીના આરોપો સાચા માનીને પતિને નોકરીમાંથી બરતરફ કરી દીધો. હકીકતમાં આવું કરવાનું કોઈ કારણ ન હતું. તે નિર્ણય ખોટો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.