ગુસ્સામાં ગામડે જતી રહેલી પત્નીને પાછી બોલાવવા માટે પતિએ બાળકોના મોતની ખોટી વાર્તા બનાવી હતી. આટલું જ નહીં પત્નીને વિશ્વાસ આવે તે માટે તેને પુત્રને કફન પહેરાવ્યું અને દીકરીના ગળામાં ફાંસીનો માંચડે લટકાવી હતી. જે બાદ બંનેના ફોટા લઈને પત્નીને મોકલ્યા હતા. આરોપી બીજી વખત પોતાની દીકરીના ગળામાં ગાળિયો નાખીને લટકાવી રહ્યો હતો ત્યારે તે ડરીને બૂમો પાડવા લાગી. તેનો અવાજ સાંભળીને પાડોશીઓ પહોંચી ગયા અને બાળકોને બચાવ્યા હતા.
પિતા પર હત્યાના પ્રયાસનો કેસ
પાડોસીઓએ આ સમગ્ર ઘટનાની જાણકારી કુરાર પોલીસ સ્ટેશનમાં આપી. જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. 33 વર્ષના આરોપી સુચિત ગૌડ વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી. સીનિયર ઈન્સ્પેક્ટર પ્રકાશ બેલેએ જણાવ્યું કે આરોપીએ પત્નીને બોલાવવા માટે પુત્ર અને પુત્રીના મોતની ખોટી વાર્તા ઘડી કાઢી હતી.
પુત્ર તો તેની વાતમાં આવી ગયો હતો અને કંઈ પણ કહ્યાં વગર કફન પહેરીને સુઈ ગયો હતો, પરંતુ દીકરીના ગળામાં તેને જેવો જ ફાંસીનો ફંદો નાખ્યો કે તેને બૂમાબૂમ કરી હતી. દીકરીની ઉંમર 13 વર્ષ છે જ્યારે પુત્ર 8 વર્ષનો છે.
નશામાં બાળકોને મારતો હતો
પ્રકાશ બેલેના જણાવ્યા મુજબ, સુચિત ગૌડ નશાનો બંધાણી હતો. નશો કર્યા બાદ તે પત્ની અને બાળકોને મારતો હતો. 2 વર્ષ પહેલાં પત્ની બાળકોને લઈને પોતાના ગામડે જતી રહી હતી. થોડાં દિવસ પહેલાં સુચિત ગામડે ગયો અને પુત્ર-પુત્રીને પોતાની સાથે મુંબઈ લઈ આવ્યો.
પાડોસીઓએ પણ જણાવ્યું કે આરોપી નશામાં બાળકોને માર મારતો હતો. ઘટના સમયે તે પુત્રીના ગળામાં ગાળિયો નાખીને તેના પગ નીચે રાખેલી ડોલને પણ હટાવતો હતો. જે બાદ દીકરી બૂમો પાડવા લાગી. આરોપ છે કે ગળામાં ફાંસીનો ફંદો નાખીને સુચિત પંખો ચલાવવા માગતો હતો.
કોર્ટે 3 દિવસની કસ્ટડીમાં મોકલ્યો
પાડોસીઓની સુચના બાદ પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો સુચિત ભાગવાના પ્રયાસમાં હતો. પોલીસે તેની ધરપકડ કરી, ત્યારે પણ તે નશાની હાલતમાં જ હતો. તેને રવિવારે હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે તેને 3 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.