આતંકનો ઓછાયો:આતંકવાદીઓના ભયથી સેંકડો લોકોની કાશ્મીરમાંથી હિજરત

શ્રીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં 4 નાગરિકોની હત્યાના પગલે દહેશત
  • યુપી, બિહારના શ્રમિકો, કાશ્મીરી પંડિતો અને શીખોનો સમાવેશ

કાશ્મીરમાં અત્યાર સુધીમાં પાંચ શ્રમિકોની નિર્મમ હત્યા બાદ અન્ય રાજ્યના લોકો ભયભીત બન્યા છે. મોટી સંખ્યામાં લોકો કાશ્મીર છોડી રહ્યા છે. 5 ઓક્ટોબર બાદ જે પાંચ પરપ્રાંતિય શ્રમિકોની આતંકવાદીઓએ હત્યા કરી હતી એમાંથી 4 બિહારના શ્રમિક, લારીવાળા તથા એક યુપીનો મુસ્લિમ કાર્પેન્ટર હતો. આ મહિને અત્યાર સુધીમાં 12 લોકોની હત્યા થઈ છે. જેમાંથી સાત અન્ય રાજ્યના લોકો હતા.

2 દિવસમાં 4 લોકોની હત્યા બાદ કાશ્મીરમાં કામ કરી રહેલા અન્ય રાજ્યના શ્રમિકોનું મોટાપાયે પલાયન શરૂ થયું છે. સામાન્યપણે શિયાળો શરૂ થયા બાદ તથા દિવાળીના તહેવાર વખતે લોકો વતનમાં પાછા ફરે છે. ખીણ છોડનારામાં માત્ર બિહાર કે યુપીના જ નહીં પણ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યના લોકો પણ સામેલ છે. શીખ સમુદાય તથા કાશ્મીરી પંડિતો પણ ખીણ છોડનારાઓમાં સામેલ છે. મોટી સંખ્યામાં શ્રમિકો, કારીગરો વતન પાછા ફરી રહ્યા હોવાથી ખીણ વિસ્તારમાં બાંધકામ સહિતની કામગીરીની અસર પહોંચી છે. દર વર્ષે અંદાજે 3-4 લાખ શ્રમિકો શ્રીનગર આવતા હોય છે. જેમાંથી મોટાભાગના શિયાળો શરૂ થતા પહેલા વતન પાછા ફરે છે. 90 ટકા શ્રમિકો વિકાસ યોજનાઓના કામગીરીઓમાં સામેલ હોય છે.

ઈરાદાપૂર્વક બિહારીઓને ટાર્ગેટ કરાયા: નીતિશ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કાશ્મીરમાં બિહારીઓની હત્યા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કેટલાક તત્ત્વો ઈરાદાપૂર્વક બહારથી કામ કરવા આવેલા લોકોને નિશાન બનાવી રહ્યા છે. ઘરમાં ઘૂસીને હત્યા કરવી એનો પુરાવો છે. ભારતના લોકો દેશના કોઈપણ ખૂણે જવા માટે સ્વતંત્ર છે.

ગૃહમંત્રી શાહની સુરક્ષા એજન્સીઓના વડા સાથે બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાષ્ટ્રીય સુરક્ષા સંમેલનની વાર્ષિક બેઠકને સંબોધન કર્યું હતું. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તથા દેશના વિવિધ રાજ્યોના પોલીસ વડા, ગુપ્તચર એજન્સીઓના વડા તથા અર્ધસૈનિક દળોના વડા સામેલ હતા. બેઠકમાં કાશ્મીરમાં વકરેલા આતંકવાદ મુદ્દે ચર્ચા થઈ હતી.

આંસુભીની આંખે વતન વાપસી
આતંકવાદીઓના ભયને કારણે મોટાપાયે હિજરત શરૂ થતા શ્રીનગરથી જમ્મુ જતી ટેક્સીઓ, બસોમાં ટ્રાફિક વધ્યો છે. સામાન્યપણે શ્રીનગરથી જમ્મુ રોજની સરેરાશ 12થી 15 ટેક્સી જતી હતી જ્યારે હાલ આ સંખ્યા 36થી 40 સુધી થઈ ગઈ છે. જમ્મુ જતી બસોમાં અન્ય રાજ્યોના શ્રમિકોનું પ્રમાણ વધ્યું છે. સોમાવારે શ્રીનગરના રસ્તાઓ પર માઇગ્રેટેડ લેબર્સની પાંખી સંખ્યા જોવા મળી હતી. રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ તથા ચાર રસ્તે મજૂરો ગ્રૂપ બનાવીને પાછા ફરી રહેલા જોવા મળ્યા હતા. નૌગામ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરો બનિહાલની ટ્રેન પકડવા માટે કતારમાં ઉભા હતા.

મસ્જિદોમાંથી અપીલ, અમે તમારી સાથે છીએ
ખીણ વિસ્તારના મુસ્લિમો મોટી સંખ્યામાં અન્ય રાજ્યના લોકોના સમર્થનમાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ગ્રાન્ડ મુફ્તી નાસિર ઉલ ઇસ્લામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારાના પરિવારોને મળીને મુસ્લિમોને અપીલ કરી હતી કે, તમારે હિંદુઓની સુરક્ષા કરવી જોઈએ.

શ્રીનગરમાં હાઇએલર્ટ, 11 જિલ્લામાં નેટ ઠપ
આતંકી હુમલા વધતા શ્રીનગરમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. શ્રીનગર, પુલવામા તથા કુલગામ સહિત 11 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ કરાયું છે. આતંકી સંગઠન ‘હરકત 313’ મોટો હુમલો કરી શકે છે એવી બાતમીના પગલે સુરક્ષા વધારવામાં આવી છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...