પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવાઈ રહેલી કોવિશીલ્ડ વેક્સિનના એક વોલેન્ટિયર અને ચેન્નઈના 40 વર્ષીય બિઝનેસ કન્સલ્ટન્ટને ટેસ્ટ માટેનો ડોઝ અપાયા પછી ન્યૂરોલોજિકલ સમસ્યા થઈ હોવાની ફરિયાદ કરીને 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. બીજી બાજુ, સીરમે આ આરોપને ફગાવી દઈ આ વ્યક્તિ સામે 100 કરોડનો દાવો કરવાની તૈયારી કરી છે. આ આરોપ ખોટા છે અને એનાથી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે.
આ વ્યક્તિએ કંપનીને નોટિસ મોકલી
ભારતમાં કોરોનાની વેક્સિન કોવિશીલ્ડની ગંભીર આડઅસરનો પ્રથમ કેસ નોંધાયો છે. ‘કોવિશીલ્ડ’ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનારી વ્યક્તિને ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ છે. આ વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલી છે. આ વ્યક્તિએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની યાદશક્તિમાં, નવી વસ્તુ શીખવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, નિર્ણય લેવામાં અને રોજિંદા કામમાં તકલીફ પડી રહી છે.
હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી
ડોઝ લેનારી વ્યક્તિએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, બ્રિટનની એસ્ટ્રાજેનેકા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા,ઓક્સફોર્ડ વેક્સિન ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટિગેટર એન્ડ્ર પોલાર્ડ, યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ધ જેનર ઈન્સ્ટિટ્યુટ ઓફ લેબોરેટરીઝ અને રામચંદ્ર હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના વાઈસ ચાન્સલરને નોટિસ મોકલી છે. ડોઝ લેનારી વ્યક્તિના વકીલ એનજીઆર પ્રસાદે જણાવ્યું હતું કે તમામને 21 નવેમ્બરના રોજ નોટિસ મોકલાઈ છે અને હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.
ગઈકાલે જ PM મોદીએ આ વિક્સિનની તૈયારી અંગે નિરીક્ષણ કર્યું હતું
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન ટૂર કરીને અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં બની રહેલી કોરોના વેક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. કોવીશીલ્ડ પુણેમાં બની રહી છે, જેનું નિરીક્ષણ પણ મોદીએ કહ્યું હતું. મોદીના નિરીક્ષણ બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે આગામી બે સપ્તાહમાં કોવિશીલ્ડના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી માટે અમે અરજી કરીશું.
કોવિશીલ્ડ વિશે
ફોર્મ્યુલાઃ જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિ. અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકા
નિર્માતાઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણે
નિર્માણ સ્થળઃ હડપસર, પુણે (મહારાષ્ટ્ર)
સ્ટેટસઃ અંતિમ મંજૂરીના તબક્કામાં
વિશ્વભરની સૌથી મોટા સીરમ, વેક્સિનેશન ઉત્પાદક સંસ્થા તરીકેની નામના ધરાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં બની રહેલી વેક્સિનને કોવીશીલ્ડ નામ અપાયું છે. આ વેક્સિનની ફોર્મ્યુલા ઓક્સફર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકો અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ સાથે મળીને વિકસિત કરી છે. એ ફોર્મ્યુલાના આધારે પુણે સ્થિત SIIના પ્લાન્ટમાં એનું ઉત્પાદન થઈ રહ્યું છે. 10 કરોડ ડોઝ બનાવવાની SIIની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે.
કંપની 40 કરોડ ડોઝ બનાવશે
પૂનાવાલાએ ગઈકાલે કહ્યું હતું કે હજુ નક્કી નથી કે સરકાર કેટલા ડોઝ ખરીદશે, પરંતુ લાગી રહ્યું છે કે હેલ્થ મિનિસ્ટ્રી જુલાઈ સુધીમાં 30થી 40 કરોડ ડોઝ પર વિચાર કરી રહી છે. કોવિશીલ્ડથી મોન્ટેલિટી ઘટાડવામાં પણ ફાયદો થશે. તેનાથી હોસ્પિટલાઈઝેશન 0% થવાની આશા છે. વાઈરસની અસર 60 % સુધી ઓછી થઈ જશે. કોવીશીલ્ડની ગ્લોબલ ટ્રાયલમાં હોસ્પિટલાઈઝેશન 0% રહ્યું છે.
વેક્સિનનું ટ્રાયલ બે રીતે કરાયું
કોવિશીલ્ડના અંતિમ તબક્કાનું ટ્રાયલ બે રીતે કરાયું છે. પ્રથમમાં તેની 62% અસર જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધારે. સરેરાશ જોઈએ તો તે 70% આસપાસ છે. SII ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનો દાવો હતો કે વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે.
જાન્યુઆરીથી દર મહીને 5-6 કરોડ વેક્સિન બનવા લાગશે. જાન્યુઆરી સુધીમાં 8થી 10 કરોડ ડોઝનો સ્ટોક તૈયાર થશે. સરકારની પરવાગી મળતાની સાથે જ સપ્લાઈ શરૂ કરાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.