ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર રોપ-વે અકસ્માતનો વીડિયો ત્રણ દિવસ બાદ સામે આવ્યો છે. આ વીડિયો એક પ્રવાસીએ ટ્રોલીની અંદરથી શૂટ કર્યો છે. એક પછી એક ટ્રોલીઓ આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અચાનક એક મોટો અવાજ આવે છે અને ચીસો સંભળાય છે. ટ્રોલીની અંદર પ્રવાસીનો મોબાઈલ પડી જાય છે અને અંદરથી રાડારાડનો અવાજ આવવાનો શરુ થઈ જાય છે.
આ અકસ્માત રવિવારે સાંજે 4 વાગ્યે થયો હતો. એવું માનવામાં આવે છે કે ટ્રોલીઓ અથડાવાનું કારણ રોલર ફેલ્યોર હતું. જેના કારણે કેટલીક ટ્રોલીઓ પડી ગઈ હતી. જ્યારે બીજા ભાગની ટ્રોલી હવામાં ફસાઈ ગઈ હતી. 13 ટ્રોલીઓમાં 48 પ્રવાસીઓ ફસાઈ ગયા હતી. આ પછી ત્રણ દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું. જેમાં ITBP, આર્મી, NDRF અને સ્થાનિક બચાવ કર્મચારીઓએ ભાગ લીધો હતો. કેટલાક લોકોને દોરડાની મદદથી બચાવી પણ લેવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વિગતવાર જાણવા અહીં ક્લિક કરો.
રેસ્ક્યૂ દરમિયાન પડવાથી 2 ટૂરિસ્ટના મોત
બાદમાં એરફોર્સના બે MI-17 હેલિકોપ્ટરની મદદથી 2500 ફૂટની ઊંચાઈએ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેટલાક લોકો 45 કલાક સુધી હવામાં ટ્રોલી પર ફસાયેલા રહ્યા. રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર અને ટ્રોલીમાંથી પડી જવાથી બે લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
રોલરમાં ક્ષતી હોવાના કારણે દુર્ઘટના ઘટી
ઝારખંડ પોલીસ હેડક્વાર્ટરનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ત્રિકુટ રોપ-વે અકસ્માત પાછળનું કારણ રોલરમાં ખામી હોવાનું જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, એક રોલર ક્ષતિગ્રસ્ત થઈ ગયું, જેના કારણે એક ટ્રોલી બીજી સાથે અથડાઈ, જેના કારણે આટલો મોટો અકસ્માત થયો.
દોરડું મજબૂત હતું. તેના સુધારાનું પ્રમાણપત્ર માર્ચમાં જ મળ્યું હતું. જો કે આ અકસ્માત શા માટે અને કેવી રીતે થયો તેની સંપૂર્ણ વિગતો યોગ્ય ઉચ્ચસ્તરીય તપાસ થાય ત્યારે જ સામે આવશે. સરકારના આદેશ પર ટૂંક સમયમાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ થવા જઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.