લોકસભામાં સોમવાર કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી વીરેન્દ્રકુમારે ઓબીસી (અન્ય પછાત વર્ગ) સંબંધિત સંશોધન બિલ રજૂ કર્યું હતું. બંધારણમાં 127મા સુધારા માટે રજૂ થયેલા આ બિલમાં રાજ્યોને પોતાની રીતે ઓબીસી યાદી નક્કી કરવાની સત્તા પરત આપવાની જોગવાઈ છે. બિલને કોંગ્રેસ સહિત 15 વિપક્ષે ટેકો આપ્યો હતો. હવે જયારે રાજ્યોના હાથમાં સત્તા આવી છે ત્યારે કંઈ કંઈ પ્રકારનાં સમીકરણો સર્જાશે? કયા પ્રશ્નો ઊભા થશે? આ તમામ બાબતોની છણાવટ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભાસ્કરભાઈ તન્નાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન કરી હતી. ભાસ્કરભાઈની છણાવટ જાણીએ એ પહેલાં અનામતની ભૂમિકા જાણી લઈએ.
ગુજરાતમાં શું છે સ્થિતિ?
ગુજરાતમાં હાલ સામાજિક અને શૈક્ષણિક પછાત એટલે કે એસઇબીસી અથવા ઓબીસી કક્ષામાં કુલ 146 જ્ઞાતિ અને પેટાજ્ઞાતિઓ સમાવિષ્ટ છે, આ તમામ જ્ઞાતિઓ માટે કુલ બેઠકો કે જગ્યાઓ પૈકી 27 ટકા અનામત પ્રાપ્ય છે. અનુસૂચિત જાતિની 36 જ્ઞાતિ અને પેટાજ્ઞાતિઓને 7.5 ટકા જેટલી અનામત મળવાપાત્ર છે, જ્યારે 32 અનુસૂચિત જનજાતિની જ્ઞાતિઓને 15 ટકા જેટલી અનામત મળવાપાત્ર છે. કુલ મળીને આ અનામતનો આંકડો 50 ટકા ઉપરાંત ન હોવો જોઇએ. જ્યારે બાકીની 50 ટકા પૈકી 10 ટકા જેટલી બેઠકો સરકારે જાહેર કરેલી બિનઅનામત જ્ઞાતિઓ પૈકી આર્થિક પછાત લોકો માટે અનામત રહે છે. રાજ્યમાં 2015થી કુલ વસતિના 12થી 14 ટકા પ્રમાણ ધરાવતા પાટીદારો અનામત માટે આંદોલન કરી રહ્યા છે. મે 2016માં ગુજરાત સરકારે આર્થિક પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. પાટીદારોએ આ જાહેરાતને લોલીપોપ ગણાવી હતી. બાદમાં હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો.
ભાસ્કરભાઈ તન્નાની છણાવટ
આપણે ત્યાં કન્ફ્યુઝન છે એ સજવાની જરૂર છે. અધર બેકવર્ડ ક્લાસ અલગ છે અને ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ અલગ છે. પહેલી વાત એ કે થોડા મહિનાઓ પહેલાં સુપ્રીમકોર્ટે મરાઠા અનામત મુદ્દે ચુકાદો આપતાં કહ્યું હતું કે રાજ્યો પાસે બંધારણમાં 102મા સુધારા બાદ ઓબીસી નક્કી કરવાની અને યાદી બનાવવાની સત્તા રહેતી નથી. આ સત્તા હવે માત્ર રાષ્ટ્રપતિની પાસે છે. બંધારણમાં સુધારા વગરનો ફેરફાર થતાં દરેકે માની લીધું હતું કે હવે વાંધો નથી, પણ મહારાષ્ટ્રમાં ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસનો ઇસ્યુ નહોતો. તે લોકો એમ કહેતા હતા કે અમારો સમાવેશ OBCમાં કરો.
1991માં SC, ST અને OBCને લગતું પ્રખ્યાત જજમેન્ટ સુપ્રીમ કોર્ટની નવ જજની બેન્ચે ઇન્દિરા સાહનીની અરજીના આધારે આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે 50 ટકાથી વધારે અનામત ના હોવી જોઈએ, પણ આ મામલે મહારાષ્ટ્ર સરકારે સર્વાનુમતે ઠરાવ કરીને નક્કી કર્યું કે મરાઠાઓને અમુક લાભ આપવા અને ટકાવારી વધારવી. આમાં બે હર્ડલ્સ હતા. એક, 50 ટકાથી વધુ અનામત કેવી રીતે આપવી? અને બીજું, કેન્દ્ર સરકારની સત્તાનો ઉપયોગ અહીં કેવી રીતે કરવો?
શું પ્રશ્નો ઉદ્ભવી શકે?
વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભાસ્કરભાઈ તન્ના કહે છે, હવે જે થઇ રહ્યું છે એમાં OBCમાં સમાવેશના પાવર્સ કોની પાસે છે એ પ્રશ્ન નથી. પ્રશ્નો ભવિષ્યમાં ઊભા થશે અને જો પ્રશ્નો ઊભા થશે તો ઇન્દિરા સાહની વખતે 9 જજને બેસાડાયા હતા, એને બદલે 11 જજને બેસાડવા પડશે. જો સુપ્રીમ કોર્ટ લિમિટેડ ગ્રાઉન્ડ કાઢી નાખે તો અનામતની ટકાવારી રાજ્યોએ નક્કી કરવાની આવે. સૌથી મોટો પ્રશ્ન એ જ ઉદ્ભવે કે અનામતની ટકાવારી 50 ટકાથી કેવી રીતે વધારી શકાય ?
રાજ્યોએ બક્ષીપંચ જેવી તૈયારી કરવી પડે
SC, ST સિવાયના અધર બેકવર્ડ ક્લાસનો અનામતમાં કેવી રીતે સમાવેશ થઇ શકે, એનો અભ્યાસ બક્ષીપંચે ચાર વર્ષ સુધી કર્યો હતો. OBC શબ્દ મિસલિડિંગ છે. આપણે ત્યાં શબ્દ હતો - SEBC. આ શબ્દ બક્ષીપંચના એ.આર.બક્ષીએ આપ્યો હતો. SEBC એટલે સોશિયલી અને ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. બક્ષીપંચની ટીમ ગામડે ગામડે ગઈ હતી. લોકોનો ડેટા એકત્ર કર્યો. આ ડેટાના આધારે બક્ષીપંચે ભલામણ કરી હતી કે આ લોકોને 7થી 14 ટકા અનામતના લાભ આપવા જોઈએ. કેવી રીતે આપવા, એ સરકારે નક્કી કરવાનું. આ ભલામણ પછી આપણે ત્યાં એવું નક્કી થયું હતું કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું હોય તો પાંચ ટકા ઓછા હોવા જોઈએ પણ સરકારી નોકરીમાં એવું ના રાખ્યું. આ નિર્ણય થયો તેની એપ્રૂવલ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ત્યારે પણ મોકલવી પડતી હતી. જોકે આ ત્રણ દાયકા પહેલાંની વાત છે પણ એ પછી અનામત મામલે અત્યારે છે, એવા ઈસ્યુ થયા નહોતા.
વોટબેન્ક ઊભી કરવા રાજ્યોને સત્તા
ભાસ્કરભાઈ તન્નાના જણાવ્યા મુજબ, OBC કેટેગરી નક્કી કરવા રાજ્ય સરકારોને સત્તા આપવામાં આવી છે, એ વોટબેન્ક ઊભી કરવા જ આપવામાં આવી છે. વર્તમાનની વાત કરીએ તો ત્રણ બાબતો સામે આવી છે. પહેલી એ કે માનો કે રાજ્ય સરકારે પાટીદારોને OBCમાં લાવવા છે તો એના ડેટા સરકાર પાસે હોવા જોઈએ. બીજું, પ્રશ્ન એ ઊભો થશે કે અનામત 50 ટકાથી વધારે આપવી કે નહીં? એની વાત ચાલશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ (ઈબીસી)ની વાત કરેલી. તો જેની આવક ઓછી છે તેનો સમાવેશ કેવી રીતે થઇ શકે એ પ્રશ્ન ઉદ્ભવશે.
50 ટકાથી વધુનો લાભ આપી શકાય?
ભાસ્કરભાઈ દાખલો આપતાં સમજાવે છે કે માનો કે કોઈ રાજ્ય એમ કહે કે મરાઠાને અનામતનો લાભ આપો, પણ મરાઠા એમ કહે કે અમારે OBCમાં જવું છે. હવે એમાં દસ ટકા વધારે લાભ આપો તો 50ના બદલે 60 ટકા થાય. એમાં 10 ટકા એજ્યુકેશનલી બેકવર્ડના આપો તો 70 ટકા થાય. ટેક્નિકલી આ રીતે થઇ શકે, પણ સમસ્યા એ થાય કે બીજી જ્ઞાતિઓ આગળ આવશે અને અનામતની માગણી કરશે. આગળ જતાં નવા નવા પ્રશ્નો ઊભા થશે. 50 ટકાથી વધારે અનામત થાય કે નહીં એ પ્રશ્ન તો ઊભો જ છે. આ સિવાયના અનેક પ્રશ્નો સામે આવશે, પણ મુખ્ય સવાલ એ જ રહેશે કે કેટલા ટકા સુધી અનામત લઇ જઈ શકો? સુપ્રીમ કોર્ટની નવ જજોની બેન્ચ કહેતી હોય કે 50 ટકાથી વધાય નહીં તો એનું પાલન કરવું પડે, પણ મહારાષ્ટ્રના સત્તાધીશો મરાઠાઓની સહાનુભૂતિ મેળવવા મસીહા બનવાનો પ્રયત્ન કરે જ છે. પછી તે ઉદ્ધવ ઠાકરે હોય કે દેવેન્દ્ર ફડણવીસ. વન લાઈન કહું તો પહેલાં સોશિયલી અને એજયુકેશનલી પુઅરની વ્યાખ્યા અપાતી, હવે ઈકોનોમિકલી પુઅરની વ્યાખ્યા અપાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.