કર્ણાટકમાં સરળ વાસ્તુના એક્સપર્ટની હત્યા:હુબલીની હોટેલમાં બે વ્યક્તિએ પહેલા ચરણસ્પર્શ કર્યાં, ત્યારબાદ ચાકૂના ઘા ઝીંકી દીધા

હુબલીએક મહિનો પહેલા
  • હોટેલમાં યુવકો ચાકૂ મારતા રહ્યા પણ કોઈ બચાવવા માટે આગળ ન આવ્યું

સરળ વાસ્તુના એક્સપર્ટ ચંદ્રશેખર અંગડીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખવામાં આવી છે. તેઓ હુબલીના ધ પ્રેસિડેન્ટ હોટેલમાં રોકાયા હતા. અહીં આવેલા બે અપરિચીત વ્યક્તિએ તેમની ઉપર ચાકૂના અનેક ઘા મારી તેમની હત્યા કરી નાંખી હતી. પોલીસનું કહેવું છે કે આ ઘટનાના CCTV ફુટેજ મળ્યા છે.

ઘટનાની જાણ થતા પહોંચેલી પોલીસે અંગડીને KIMS હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે બાગલકોટના રહેવાસી ચંદ્રશેખરે કોન્ટ્રેક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે મુંબઈમાં એક નોકરી મળી હતી અને તેમણે ત્યાં જ વસવાટ કરી લીધો. બાદમાં તેમણે ત્યાં પોતાનો વાસ્તુને લગતા વ્યવસાયની શરૂઆત કરી.

પોલીસે એવી પણ માહિતી આપી કે 3 દિવસ અગાઉ પરિવારમાં એક બાળકનું હુબલીમાં મોત થયું હતું, તેને લીધે તેઓ હુબલી ગયા હતા. ઘટનાની જાણ થતા હુબલી પોલીસ વડા લાભૂ રામ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પોતાની ટીમને તપાસ હાથ ધરવા કહ્યું છે.

CM એ કહ્યું- મે વીડિયો જોયો છે
આ ઘટના અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું છે કે આ એક જઘન્ય હત્યા છે. મે વીડિયો જોયો છે. હુબલી પોલીસ કમિશ્નર સાથે વાતચીત થઈ છે. આ અંગે તપાસ ચાલી રહી છે. આરોપી ટૂંક સમયમાં જ પકડાઈ જશે અને હત્યા પાછળના કારણની ભાળ મળી જશે. હું આ ઘટનાની ટીકા કરું છું.

CCTVમાં કેદ થયો હત્યાકાંડ
હોટેલના CCTV વીડિયોમાં જોવા મળે છે કે ચંદ્રશેખર અંગડી હોટેલના રિસેપ્શનમાં આવ્યા અને એક ખુરશીમાં બેસી ગયા. તે સમયે ત્યાં અગાઉથી જ ઉપસ્થિત બે યુવક તેમની પાસે આવ્યા. એક તેમની બાજુમાં ઉભો રહ્યો અને બીજો સામે આવી ચરણ સ્પર્શ કરવા લાગ્યો. ચંદ્રશેખર જેવા ખુરશીમાં ઉભા થવા ગયા, બાજુમાં રહેલા યુવકે તેમની ઉપર ચાકુ વડે ઘા ઝીકવાનું શરૂ કર્યું. તેઓ પોતાની જાતને સંભાળે તે અગાઉ જ ચરણસ્પર્શ કરનાર યુવકે પણ ચાકુના ઘા મારવાનું શરૂ કરી દીધું.
ચંદ્રશેખરે પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કર્યો અને તેઓ પડી ગયા તો બન્ને યુવકોએ તેમની ઉપર ચડીને ચાકુ મારવા લાગ્યા. તેમની હત્યા કર્યાં બાદ બન્ને યુવક આરામથી ત્યાંથી હોટેલમાંથી બહાર નિકળી ગયા. આ ઘટના બની ત્યારે હોટેલમાં રહેલા અન્ય લોકો અને સ્ટાફ આ ઘટના જોઈ રહ્યા હતા અને કોઈ વ્યક્તિ તેમને બચાવવા આગળ ન આવ્યું.

અન્ય સમાચારો પણ છે...