કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની કોલકાતા મુલાકાતના થોડા જ કલાકો પહેલાં, ભાજપના કાર્યકરનો મૃતદેહ તેના ઘરની નજીક એક નિર્જન બિલ્ડીંગમાં લટકતો મળી આવ્યો હતો. મૃતક અર્જુન ચૌરસિયા ઉત્તર કોલકાતામાં રહેતા હતા અને ભારતીય જનતા યુવા મોરચાના મંડળ ઉપાધ્યક્ષ હતા. અમિત શાહના સ્વાગત માટે તેમને બાઇક રેલીની આગેવાની કરવાની હતી.
અમિત શાહ આજે બપોરે અર્જુન ચોરસિયાના ઘરે પહોંચ્યા હતા અને તેના પરિવારની સાથે મુલાકાત કરી હતી. શાહે કહ્યું હતુ કે, આ રાજકીય હત્યા છે. બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યા થઈ રહી છે. આરોપીઓને કડક સજા આપવામાં આવશે. TMC સરકારે પોતાના કાર્યકાળના એક વર્ષ પુરા કરી લીધી છે. આજથી રાજ્યમાં રાજકીય હત્યાઓ શરુ થઈ ગઈ છે. તેના દાદીની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ભાજપે આ ઘટનાની CBI તપાસની માંગ કરી છે.
ભાજપના બંગાળ યુનિટે કહ્યું- ગયા વર્ષે ભાજપના 57 કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. માનવતાવું ગળું દબાવવામાં આવ્યું છે. આ બધા પાછળ તૃણમૂલ કોંગ્રેસનો જ હાથ છે.
બંગાળના ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિંહાએ આરોપ લગાવ્યો હતોકે, અર્જુન ચૌરસિયાની તૃણમૂલ સ્ટાઈલમાં હત્યા કરીને ફાંસી આપવામાં આવી છે. તેઓ નિમ્ન સ્તરનાં TMCના નેતાઓ છે જે આ ઘટના સાથે સંકળાયેલા છે, પરંતુ ટોચના નેતૃત્વમાં પણ સામેલ છે. જ્યારે, તૃણમૂલ સાંસદ શાંતનુ સેને કહ્યું- અમારી સામેના આરોપો પાયાવિહોણા છે. પોલીસને કેસની તપાસ કરવા દો.
પોલીસે દેખાવકારોનો ધકેલ્યા હતા
અર્જુન ચૌરસિયાના મૃતદેહને લેવા કાશીપુર પહોંચેલી પોલીસને દેખાવકારોએ ઘેરી લીધા હતા. તેઓ મૃતદેહને લઈ જવા દેતા ન હતા. પોલીસે પહેલા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે તેઓ માન્યા નહીં, ત્યારે તેમને ધકેલ્યા હતા.
શાહ BSF જવાનોને મળવા કૂચ બિહાર પહોંચ્યા હતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કૂચ બિહાર જિલ્લામાં BSF જવાનોને મળ્યા. ત્યાં તેમણે તીન બીઘા કોરિડોરમાં એક છોડ રોપ્યો હતો અને BSF અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
બાંગ્લાદેશ સરહદનું નિરીક્ષણ કર્યું
અમિત શાહે બંગાળને અડીને આવેલી બાંગ્લાદેશની સરહદનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શાહ UNESCO ના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે આ સિવાય ગૃહમંત્રી કોલકાતામાં ધારાસભ્યો અને પાર્ટીના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ ફીડબેક લેશે.
આ પહેલા બંગાળ પ્રવાસના પહેલા દિવસે અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સિલિગુડીમાં એક બેઠક દરમિયાન શાહે કહ્યું કે ચૂંટણી બાદ બંગાળમાં થયેલી હિંસા પછી માનવ અધિકાર પંચે પણ સ્વીકાર્યું કે બંગાળમાં કાયદાનું શાસન નથી, પરંતુ અહીં સત્તામાં રહેલા લોકોની ઈચ્છાનું શાસન છે.
CAA લાગુ થશે, પણ કોરોના પછી
અમિત શાહે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે બંગાળમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે બંગાળમાં TMCનાં લોકો CAAને લઈને લોકોને સતત ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેનો અમલ કોરોના બાદ કરવામાં આવશે. બંગાળમાંથી ઘૂસણખોરી સમાપ્ત કરીશું.
શાહની સામે ઉત્તર બંગાળને અલગ કરવાની માંગ ઉઠી
ગૃહમંત્રી અમિત શાહની બંગાળ રેલીમાં ઉત્તર બંગાળને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ ઉઠી હતી. ભાજપના બે ધારાસભ્યોએ દાવો કર્યો હતો કે રાજ્યનો ઉત્તરીય ભાગ વિકાસથી વંચિત છે. માટીગાડા-નકસલવાડીના ધારાસભ્ય આનંદમય બર્મન અને ડબગ્રામ-ફુલબારીના ધારાસભ્ય શિખા ચેટર્જીએ કેન્દ્રશાસિત પ્રદેશની તરફેણમાં વાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.