પાકિસ્તાનમાં ફરી હિન્દુ મંદિર પર હુમલો:કરાંચીમાં બાઇકચાલકોએ પૂજારીને માર્યો, મૂર્તિઓ પણ તોડી નાખી

કરાંચી20 દિવસ પહેલા

પાકિસ્તાનના કરાંચીમાં એક વખત ફરી લધુમતી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. અહીં કેટલાક લોકોએ હિન્દુ મંદિરના પૂજારી પર હુમલો કર્યો હતો, સાથે જ ભગવાનની મૂર્તિઓ અને પૂજારીના ઘરમાં તોડફોડ કરી હતી.

રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, કોરાંચીમાં શ્રી મારી માતા મંદિર પર બુધવારે મોડી રાતે હુમલો થયો હતો. પાકિસ્તાન પોલીસે આ મામલામાં અત્યારસુધીમાં એક પણ વ્યક્તિની ધરપકડ કરી છે.

અજ્ઞાત બાઈકચાલકોએ કર્યો હુમલો
કોરંગી SHO ફારુક સંજરાનીએ કહ્યું- પાંચથી છ અજ્ઞાત લોકો મંદિરમાં ઘૂસી ગયા અને તોડફોડ કરીને ફરાર થઈ ગયા. ઘટનાની માહિતી મળતાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમે પુરાવા એકત્રિત કરી રહ્યા છે. એની સાથે જ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. હિન્દુ સમુદાયના લોકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કેટલાક બાઈકસવાર આવ્યા અને તેમણે મંદિર પર હુમલો કર્યો હતો. તેઓ કોણ હતા અને તેમણે શા માટે આવું કર્યું એની માહિતી મળી શકી નથી.

વર્ષ 2021માં જન્માષ્ટમી પર જ્યારે સિંધના એક કૃષ્ણ મંદિરમાં હિન્દુ આરાધના કરી રહ્યા હતા ત્યારે જ કેટલાક લોકોએ મંદિર પર હુમલો કર્યો હતો અને કૃષ્ણની મૂર્તિને તોડી નાખી હતી.
વર્ષ 2021માં જન્માષ્ટમી પર જ્યારે સિંધના એક કૃષ્ણ મંદિરમાં હિન્દુ આરાધના કરી રહ્યા હતા ત્યારે જ કેટલાક લોકોએ મંદિર પર હુમલો કર્યો હતો અને કૃષ્ણની મૂર્તિને તોડી નાખી હતી.

મંદિરમાં તોડફોડ કરનારા 22 ઓરોપીઓને 5 વર્ષની જેલ
આ પહેલાં મે 2022માં સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાનની એક કોર્ટે ગત વર્ષે પંજાબ પ્રાંતમાં હિન્દુ મંદિર પર હુમલો કરવાના મામલામાં 22 લોકોને 5 વર્ષની જેલની સજા કરી હતી. લાહોરથી લગભગ 590 કિલોમીટર દૂર રહીમ ખાન જિલ્લામાં ભોંગ શહેર સ્થિત ગણેશ મંદિર પર જુલાઈ 2021માં ઘણા લોકોએ હુમલો કર્યો હતો.

1947માં પાકિસ્તાનમાં 428 મોટાં મંદિર હતાં
ઓલ પાકિસ્તાન હિન્દુ રાઈટ્સ મૂવમેન્ટના એક સર્વે મુજબ, ભાગલા પડ્યા એ સમયે પાડોશી દેશમાં કુલ 428 મંદિર હતાં. ધીરે-ધીરે એની સંખ્યા ઓછી થતી ગઈ. મંદિરોની જમીન પર કબજો કરી લેવામાં આવ્યો અને ત્યાં દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ, ઓફિસ, સરકારી સ્કૂલ કે પછી મદરેસા શરૂ કરવામાં આવી. આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે અહીં માત્ર 20 મોટાં મંદિરો જ બચ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...