દેશના પાટનગર દિલ્હીમાં રોજ એક નવો વિવાદ સામે આવી રહ્યો છે. અતિક્રમણ હટાઓ અભિયાન દરમિયાન જ હવે કુતુબ મિનારના નામનો વિવાદ શરૂ થઈ ગયો છે. એ વિશે હિન્દુ સંગઠન મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મિનાર પાસે વિરોધપ્રદર્શન કર્યું છે. હિન્દુ સંગઠનોએ અહીં હનુમાન ચાલીસાના પાઠ કરીને તેનું નામ વિષ્ણુ સ્તંભ રાખવાની માગણી કરી છે. યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટનો દાવો છે કે જૈન અને હિન્દુ મંદિરોને તોડીને અહીં કુતુબ મિનાર બનાવવામાં આવ્યો છે. પોલીસે સંગઠનના અમુક લોકોની અટકાયત પણ કરી છે.
યુનાઈડેટ હિન્દુ ફ્રન્ટે કહ્યું- મિનારમાં પૂજા કરવાની મંજૂરી મળવી જોઈએ
યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જયભગવાન ગોયલે દાવો કર્યો છે કે કુતુબ મિનારને 27 જૈન અને હિન્દુ મંદિરોને તોડીને બનાવવામાં આવ્યો હતો. પરિસરમાં આવેલી હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓનો પણ જીર્ણોદ્ધાર થવો જોઈએ અને હિન્દુઓને પરિસરમાં પૂજા કરવાની મંજૂરી મળવી જોઈએ.
વિશ્વ હિન્દુ પરિષદે કુતુબ મિનારને ગણાવ્યો વિષ્ણુ સ્તંભ
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બસંલે ગયા મહિને કહ્યું હતું હતું કે કુતુબ મિનાર હકીકતમાં વિષ્ણુ સ્તંભ છે. કુતુબ મિનારને 27 જૈન અને હિન્દુ મંદિરો તોડીને બનાવવામાં આવ્યું છે. હિન્દુઓને પરેશાન કરવા આવું કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જે મંદિરો તોડવામાં આવ્યાં હતાં એનું પુન:નિર્માણ કરવું જોઈએ. એ ઉપરાંત હિન્દુઓને કુતુબ મિનારમાં પૂજા કરવાની મંજૂરી મળવી જોઈએ.
પૂર્વ બીજેપી સાંસદ તરુણ વિજયે પણ સવાલ ઊભા કર્યા હતા
બીજેપીના પૂર્વ સાંસદ તરુણ વિજયે પણ કુતુબ મિનાર વિશે ઘણા સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કુતુબ મિનાર પરિસરમાં ગણેશની ઊંધી પ્રતિમા છે અને એક જગ્યાએ તેમની પ્રતિમાને પીંજરામાં બંધ કરવામાં આવી છે. એને કારણે હિન્દુઓની લાગણી દુભાઈ છે. આ ગણેશ મૂર્તિઓને હટાવવી જોઈએ અથવા એને સન્માનપૂર્વક સ્થાપિત કરવી જોઈએ.
કુતુબ મિનાર પરિસરની સુરક્ષા વધારાઈ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કુતુબ મિનાર પરિસરની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. એ સાથે જ કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાના પાઠ ના કરવા દેવા દિલ્હી પોલીસે યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રવાદી શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જયભગવાન ગોયલને હાઉસ અરેસ્ટ કર્યા છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે ભારત એક સનાતન ભૂમિ છે અને તેથી કુતુબ મિનારની સાથે જ મુઘલકાળની ઈમારતો અને રસ્તાઓનાં નામ પણ બદલવાં જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.