• Gujarati News
  • National
  • Gujarat And Himachal Will Have To Face Defeat In The Elections; The Party Saved The Existence Of The Gandhi Family In The Chintan Shibir

પ્રશાંત કિશોરની કોંગ્રેસ અંગે આગાહી:ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડશે; પાર્ટીએ ચિંતન શિબિરમાં ગાંધી પરિવારનું અસ્તિત્વ બચાવ્યું

એક મહિનો પહેલા
  • PKએ કહ્યું- મને વારંવાર ઉદયપુર ચિંતન શિબિર અંગે ટિપ્પણી કરવા કહેવામાં આવ્યું હતુ

પ્રશાંત કિશોર એટલે કે PKએ કોંગ્રેસના ચિંતન શિબિરને નિષ્ફળ ગણાવી છે. કોંગ્રેસ ઉપર નિશાન સાધતા તેમણે કહ્યું કે પાર્ટીને ઉદયપુર ચિંતન શિબિરથી કંઈ જ મળ્યું નથી. આ કેમ્પથી કોંગ્રેસ નેતૃત્વ એટલે કે ગાંધી પરિવારને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે વધુ સમય મળ્યો છે. આ સાથે પ્રશાંત કિશોરે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હારની આગાહી પણ કરી દીધી છે.

PKએ કહ્યું- મને વારંવાર ઉદયપુર ચિંતન શિબિર અંગે ટિપ્પણી કરવા કહેવામાં આવ્યું, પરંતુ મારા મત મુજબ ઉદયપુર ચિંતન શિબિર સંપૂર્ણ નિષ્ફળ છે. આ ટિપ્પણી મજબૂરીમાં કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે PKએ એપ્રિલમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે 600 પાનાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.

PKએ પોતાની ફોર્મ્યુલામાં શું કહ્યું

  • પ્રેસિડેન્ટ અને વર્કિંગ કમિટિ સહિત દરેક હોદ્દા માટેનો કાર્યકાળ નિશ્ચિત હોવો જોઈએ. ગ્રાઉન્ડ લેવલ પરના 15 હજાર કાર્યકર્તાઓ સાથે 1 કરોડ કાર્યકરોએ સખત પરિશ્રમથી કામ કરવું જોઈએ.
  • દેશના જુદા જુદા ભાગોમાં આશરે 200 પ્રભાવશાળી લોકો, કાર્યકરો અને નાગરિક સમાજના લોકોનું એક જૂથ બનાવવું જોઈએ.
  • કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ નબળું છે. તેને મજબૂત કરવાની જરૂર છે. કોંગ્રેસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની જિલ્લા કક્ષાથી રાષ્ટ્રીય સ્તર સુધી નવેસરથી રચના કરવી જોઈએ.
  • સોનિયા કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. કાર્યકારી પ્રમુખ અથવા ઉપપ્રમુખ પદ પરથી ગાંધી પરિવારની એક વ્યક્તિએ બહાર થવું જોઈએ. રાહુલ ગાંધીને સંસદીય બોર્ડના વડા બનાવવા જોઈએ.
  • એક પોસ્ટ એક વ્યક્તિ (વન પોસ્ટ-વન પર્સન)ની ફોર્મ્યૂલા પર કડકપણે અમલ થવો જોઈએ. જો આમ થશે તો ગાંધી પરિવારે પણ કોંગ્રેસમાં મહત્વના હોદ્દા છોડવા પડશે.

ત્રણ દિવસ માટે ચિંતન શિબિર યોજાઈ હતી
કોંગ્રેસે ઉદયપુરમાં 3 દિવસ સુધી ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં 400થી વધારે નેતાએ ભાગ લીધો હતો.
શિબિરમાં કોંગ્રેસે એક પરિવાર-એક ટિકિટ, સંગઠનમાં યુવાનોને અનામત, દેશભરમાં પદયાત્રા કાઢવા જેવા અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. તે સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે ફરીથી જનતાની વચ્ચે જઈશું, તેમની સાથે સંબંધો મજબૂત કરીશું અને આ કામ શોર્ટકટથી નહીં થાય. આ કામ સખત મહેનતથી કરવામાં આવશે.

ગુજરાતમાં 27 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે.કોંગ્રેસ રાજ્યમાં 27 વર્ષથી સત્તાથી દૂર છે. તાજેતરમાં કોંગ્રેસના આદિવાસી નેતા અશ્વિન કોટવાલ અને યુવા નેતા હાર્દિક પટેલ જેવા ઘણા મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે, ત્યારબાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાતમાં ચૂંટણીની લડાઈ ચહેરા પર લડાય છે પરંતુ કોંગ્રેસ પાસે કોઈ ચહેરો નથી.

હિમાચલમાં પણ કોંગ્રેસ સામે મોટા પડકાર

હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે માત્ર 21 છે. રાજ્યમાં 1985 પછી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષ પોતાની સરકારનું પુનરાવર્તન કરી શક્યો નથી. એક વખત કોંગ્રેસ અને એકવાર ભાજપ ચૂંટણી જીતતા આવ્યા છે. કોંગ્રેસ 2012 પછી હિમાચલમાં સત્તાથી દૂર છે. રાજ્યમાં કોંગ્રેસે છ વખતના CM સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહના પત્ની સાંસદ પ્રતિભાને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરીને નવું કાર્ડ રમી છે, પરંતુ પંજાબ-હરિયાણાની જેમ અહીં પણ જૂથવાદ છે.