દેશમાં કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે આવી શકે છે. આ વાતની જાણ હોવા છત્તા હજી પણ પર્યટન સ્થળો પર પ્રવાસીઓ ઊમટી રહ્યા છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાંતો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી રહ્યાં છે. કોરોનાના નિયમોમાં થોડી છૂટછાટ મળ્યા પછી જુલાઈ સુધી હિમાચલમાં આશરે 5 લાખ પ્રવાસીઓ દેશભરમાંથી પહોંચ્યા છે. હિમાચલમાં માર્ચ-જૂનમાં પ્રવાસીઓ વધુ આવતા હોય છે. હોટલ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો પ્રમાણે જુલાઈમાં દર વર્ષે બુકિંગ 25થી 30% થતુ હોય છે. પરંતુ આ વર્ષે 70થી 100% બુકિંગ થઈ ચૂક્યું છે.
દેશભરમાંથી હિમાચલ પહોંચેલા પ્રવાસીના લીધે હવે હિમાચલમાં કોરોનાના કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. હિમાચલમાં છેલ્લા 13 દિવસમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને બે ગણી થઈ ગઈ છે. 28 જુલાઈએ અહિયા 953 એક્ટિવ કેસ હતા, જે 9 ઓગસ્ટ સુધી વધીને 2,086 થઈ ગયા. અહીં સંક્રમણના 2 લાખથી વધુ કેસો આવી ગયા છે અને 3,500થી વધુ લોકોના કોરોનાના લીધે મોત થયા છે.
CM જયરામ ઠાકુરે ચિંતા વ્યક્ત કરી
રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ 13 દિવસમાં એક્ટિવ કેસો બમણા થવાનાં કારણે ચિંતિત બન્યા છે. તેમણે સોમવારે કહ્યું હતું કે હિમાચલમાં સંક્રમણના કેસોમાં રેકોર્ડ વધારો થયો છે. કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અમને ખબર નથી કે આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી હશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું- ત્રીજી લહેર તેની જાતે જ નહી આવે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જુલાઈએ ઉત્તર પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. જેમાં આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન મોદીએ ત્રીજી લહેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે માસ્ક અને પ્રોટોકોલની અવગણના કર્યા વિના હિલ સ્ટેશન, બજારમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે તે યોગ્ય નથી. તે આપણા માટે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો છાતી તાનીને કહે છે કે તેઓ ત્રીજી લહેર આવે તે પહેલાં આનંદ માણવા માંગે છે. લોકોએ સમજવું પડશે કે ત્રીજી લહેર જાતે નહીં આવે.
દેશમાં કોરોના મહામારી આંકડામાં
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ: 27,421
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 41,457
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 376
અત્યાર સુધીમાં કુલ કેસ: 3.19 કરોડ
અત્યાર સુધી સાજા થયા: 3.11 કરોડ
અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 4.28 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 3.82 લાખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.