ભાસ્કર એક્સક્લુઝિવ:હાઈકોર્ટે પૂછ્યું - તમે વૃક્ષારોપણ કરતા હતા, ટીચિંગનો અનુભવ ક્યાંથી મળ્યો?

તિરુવનંતપુરમ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેરળમાં નેતાઓની પત્નીઓની નિમણૂકને કોર્ટમાં પડકાર
  • પૂર્વ સાંસદના પત્નીએ કહ્યું હતું - 6 વર્ષ NSSમાં રહ્યાં, તેને અનુભવમાં ઉમેરો

કેરળમાં શિક્ષણ વિભાગમાં નેતાઓના નજીકનાઓને નિમણૂક આપવા મામલે વિવાદ વકરતો જઈ રહ્યો છે. બુધવારે કેરળ હાઈકોર્ટે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નજીકના અને પૂર્વ રાજ્યસભા સભ્ય કે.કે.રાગેશનાં પત્ની પ્રિયાને લઈને ટિપ્પણી કરી હતી.

કોર્ટે કહ્યું કે તમે તો વૃક્ષારોપણ કરી રહ્યા હતા તો ટીચિંગનો અનુભવ ક્યાંથી મળી ગયો? ખરેખર પ્રિયા કન્નૂર યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર છે. આ પદ માટે તેનાથી વધુ અનુભવ એક અન્ય ઉમેદવાર હતો પણ તેમને પ્રાથમિકતા અપાઈ. તેમના વકીલે તર્ક આપ્યો કે પ્રિયાએ નેશનલ સર્વિસ સ્કીમ(એનએસએસ) હેઠળ યુનિવર્સિટીના સ્તરે સંયોજક તરીકે 6 વર્ષ કામ કર્યું છે.

આ અનુભવને ટીચિંગ અનુભવમાં ઉમેરવો જોઇએ. તેના પર કોર્ટે કહ્યું કે એનએસએસ પરિસરમાં વૃક્ષો રોપવા ખાડા ખોદવાનું કામ કરે છે. આ ટીચિંગ અનુભવ નથી. પ્રિયાને આ પોસ્ટ સરકારની મદદથી મળી છે. ખરેખર અનેક નેતાઓએ રાજકીય શાખની મદદથી તેમની પત્નીઓને યુનિવર્સિટીઓમાં નિમણૂક અપાવી હતી. પૂર્વ સાંસદ પી.કે.બીજુના પત્નીને કેરળ યુનિવર્સિટીમાં શિક્ષકનું પદ મળ્યું. રાજ્યના ઉદ્યોગમંત્રી પી.રાજીવના પત્ની કોચીન યુનિવર્સિટીમાં ભણાવે છે.

એક્સાઈઝ મંત્રી રાજેશના પત્ની કલાડીની શ્રી શંકર યુનિવર્સિટીમાં ભણાવે છે. કેરળ હાઈકોર્ટે તાજેતરમાં વિધાનસભા અધ્યક્ષ એ.એન.શમશીરના પત્ની પી.એમ.શહલાની કન્નૂર યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકેની નિમણૂક પર રોક લગાવી હતી. નજીકનાઓને નિમણૂક આપવાનો પહેલો કેસ 2016માં જાહેરમાં આવ્યો હતો. તત્કાલીન ઉદ્યોગમંત્રી ઈ.પી.જયરાજન પર પત્નીની બહેન અને સીપીઆઈ(એમ)ના નેતા પી.કે.શ્રીમતીના દીકરા સુધીર નામ્બિયારને નિયમો વિરુદ્ધ નિમણૂક આપવાનો આરોપ લાગ્યો હતો.

જિલ્લા સચિવથી સ્વાસ્થ્ય વિભાગના 249 પદ માટે મેયરે નોમિનેશન માગ્યા
કેરળની રાજધાની તિરુવનંતપુરમ શહેરના સીપીઆઈ(એમ)ના મેયર આર્ય રાજેન્દ્રને પાર્ટીના જિલ્લા સચિવ પાસે ડૉક્ટરો, નર્સ અને સ્વાસ્થ્ય કાર્યકરોના 249 પદ ભરવા એક પત્ર દ્વારા નોમિનેશન માગ્યા હતા. તેના પછી આ પત્ર જાહેર થઈ ગયો. ચાલુ સપ્તાહે સીપીઆઈ(એમ)ના બે અન્ય નેતાઓના પત્ર પણ સામે આવ્યા. કોંગ્રેસ-ભાજપ નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. તેમનો આરોપ છે કે સત્તાધારી પક્ષના નેતા નિયમોનું ઉલ્લંઘન કરી કેડરના લોકોને નિમણૂક આપી રહ્યા છે.

ડાબેરીઓ રાજ્યપાલને ઘેરી રહ્યા છે, શિક્ષણ વિભાગમાં દખલનો આરોપ
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સતત કહેતા આવ્યા છે કે સરકાર તેના નજીકનાઓને શિક્ષણ વિભાગમાં નિમણૂક આપી રહી છે. તાજેતરમાં તેમણે રાજ્યની યુનિવર્સિટીના અમુક વાઈસ ચાન્સેલરને નોટિસ ફટકારતા કહ્યું હતું કે તેમની નિમણૂક રાજકીય દબાણ હેઠળ કરાઈ છે. જોકે સીપીઆઈ(એમ)નો આરોપ છે કે રાજ્યપાલ ઉચ્ચ શિક્ષણ વિભાગમાં દખલ કરી રહ્યા છે. તેના પર રાજ્યપાલે કહ્યું હતું કે હું સરકારી કામકાજમાં ત્યાં સુધી દખલ નહીં કરું જ્યાં સુધી બંધારણીય મશીનરી સંપૂર્ણપણે ધ્વસ્ત ન થઇ જાય.

અન્ય સમાચારો પણ છે...