મહત્ત્વના નિયમો:ચાર વર્ષ સુધીનાં બાળકો માટે હેલ્મેટ-સેફ્ટી બેલ્ટ ફરજિયાત

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટરસાઇકલ ચાલકો માટે નવા નિયમ
  • નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયાના એક વર્ષ પછી આ જોગવાઈ લાગુ

ટુ-વ્હીલર પર મુસાફરી કરતાં નાના બાળકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વના નિયમો જારી કર્યાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જારી નવા નિયમો મુજબ ટુ-વ્હીલર પર 4 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ (સેફ્ટી હારનેસ) ફરજિયાત કરવામાં આવ્યાં છે. સાથે જ બાળક હોય ત્યારે ટુ-વ્હીલરને 40 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે હંકારી શકાશે નહીં. આ નિયમ સેન્ટ્રલ મોટર વ્હીકલ (સેકન્ડ અમેન્ડમેન્ટ) રુલ્સ (સીએમવીઆર), 2022 લાગુ થયાના એક વર્ષ પછી અમલી બનશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે 15 ફેબ્રુઆરી, 2022ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સીએમવીઆરની કલમ 138માં સુધારો કરવામાં આવ્યો છે જેમાં મોટરસાઇકલ પર ચાર વર્ષથી ઓછી વયનાં બાળકોની સુરક્ષા માટે નવી જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે.

સેફ્ટી હાર્નેસ એક એવો બેલ્ટ છે જે ચાલકને બાળક સાથે જોડી રાખે છે. તેનાથી ચાલુ વાહને બાળક પડી જવાનું જોખમ ટાળી શકાય છે. ખાસ કરીને મોટરસાઇકલ પર નાનું બાળક ઊંઘી જાય ત્યારે આ ખતરો સર્જાય છે. આ બેલ્ટ બાળક અને ચાલક સાથે બંધાયેલો હોય છે.

ભયજનક સામગ્રીની હેરફેર કરતા વાહનો પર ટ્રેકર લાગશે
કેન્દ્રે કોઈ પણ પ્રકારની ભયજનક સામગ્રીની હેરફેર કરતાં ગુડ્સ વ્હીકલ્સની સાથે ટ્રેકિંગ ડિવાઇસ ફીટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે એવું જણાયું છે કે નેશનલ પરમિટ નહીં ધરાવતાં વાહનો દ્વારા આર્ગોન, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે ગેસ તથા ભયજનક સામગ્રીની હેરફેર કરવામાં આવે છે. આ પ્રસ્તાવને લઈને કેન્દ્ર સરકારે લાગતાવળગતા પક્ષકારો પાસેથી 30 દિવસમાં સૂચનો મગાવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...