પંજાબમાં PM મોદીના પ્રવાસને લઈને નવો રાજનીતિક વિવાદ શરુ થયો છે. આ વખતે વિવાદ CM ચરણજીત ચન્નીના હેલિકોપ્ટરને લઈને છે. ચન્નીના હેલિકોપ્ટરને પહેલા ચંડીગઢ અને પછી સુજાનપુરમાં રોકી દેવામાં આવ્યું. CM ચન્ની જાલંધર જવા ઈચ્છતા હતા, જ્યાં PM નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ હતી. બે વાર હેલિકોપ્ટર રોકી દેવામાં આવતા CM ચન્ની રોષે ભરાયા. તેમણે કહ્યું રાજકારણના કેટલાક મુદ્દાઓના કારણે મને પ્રચાર કરતા અટકાવામાં આવી રહ્યો છે. હું રાજ્યનો મુખ્યમંત્રી છું, કોઈ આતંકવાદી નથી.
બીજી બાજુ, PM નરેન્દ્ર મોદીએ પણ જલંધરની રેલીમાં આ વિવાદનો ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું હતું કે જ્યારે તેઓ ગુજરાતના CM હતા અને તેમને ભાજપના PM ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા ત્યારે પઠાણકોટથી હિમાચલમાં પ્રચાર માટે આવતાં તેમનું હેલિકોપ્ટર રોકી દેવામાં આવ્યું હતું. તેમણેકહ્યું ત્યારે કોંગ્રેસના યુવરાજ (રાહુલ ગાંધી) અમૃતસરમાં આવી રહ્યા હતા. આ કારણે મારે હિમાચલ પ્રદેશમાં બે રેલી રદ કરવી પડી હતી. તેમને સત્તાનું અભિમાન હતું.
ભાજપ નેતાએ કહ્યું- PMની સુરક્ષા પર રાજકારણ ન કરો
આ મામલે ભાજપના નેતાઓનું કહેવું છે કે આ PMની સુરક્ષાનો મામલો છે. CMને આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. CM ચન્નીને હેલિકોપ્ટરમાં જવાની પરવાનગી ન મળતા તેઓને સડકમાર્ગે આગળ વધવુ પડ્યું.
સવારે ચંડીગઢમાં હેલિકોપ્ટર રોકવામાં આવ્યું હતું
સોમવારે સવારે ચન્નીને હેલિકોપ્ટરથી હોશિયારપુર જવાનું હતું, જ્યા તેમને રાહુલ ગાંધીની રેલીમાં સામેલ થવાનું હતું. તે કારણે ચંડીગઢથી ઉડાન ભરવાની હતી. જોકે PMના પ્રવાસને લઈને પંજાબમાં નો ફ્લાઈ ઝોન બનાવામાં આવ્યું હતું, જેને કારણે ચન્નીના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની પરવાનગી ન મળી. આશરે એક કલાક સુધી હેલિકોપ્ટરમાં બેસી રહ્યા બાદ તેમને ઘરે પરત ફરવું પડ્યું હતું. CM ચન્નીએ કહ્યું કે તેમને 11 વાગ્યે પરવાનગી મળી હતી, પરંતુ અંતિમ સમયે અટકાવી દેવામાં આવ્યા હતા. જોકે ઓફિસરો સાથે વાતચીત બાદ તેમને હેલિકોપ્ટરથી જવાની પરવાનગી આપવામાં આવી હતી.
પહેલા પ્રવાસમાં સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઊઠ્યો હતો
આ અગાઉ 5 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને સુરક્ષા ચૂકનો મુદ્દો બન્યો હતો. ફિરોઝપુરમાં તેમનો કાફલો આશરે 20 મિનિટ સુધી ફ્લાઈઓવર પર ઉભો રહ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમકોર્ટ તેની તપાસ કરાવી રહી છે. હવે PMના પંજાબ પ્રવાસને લઈને નવી કન્ટ્રોવર્સી ઊભી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.