સુપ્રીમ કોર્ટે મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની વાણીસ્વાતંત્ર્ય પર વધુ પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરી દીધો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની બેન્ચે કહ્યું હતું કે આ માટે બંધારણની કલમ 19 (2)માં જરૂરી જોગવાઈઓ પહેલાંથી જ અસ્તિત્વમાં છે. કોર્ટે કહ્યું હતું કે કોઈપણ વાંધાજનક નિવેદન માટે માત્ર એ નિવેદન કરનાર મંત્રીને જ જવાબદાર ગણવા જોઈએ, આ માટે સરકાર જવાબદાર ન હોવી જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જાહેર હોદ્દા પર રહેલા લોકો માટે વાણીસ્વાતંત્ર્ય અંગે ગાઈડલાઈન્સ બનાવવાની માગ કરવામાં આવી હતી. ખરેખર નેતાઓ માટે નિવેદનબાજીની મર્યાદા નક્કી કરવાનો મામલો 2016માં બુલંદશહર ગેંગ રેપ કેસમાં ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી આઝમ ખાનના નિવેદનથી શરૂ થયો હતો. આઝમ ખાન દ્વારા જુલાઈ 2016ના બુલંદશહર ગેંગ રેપને રાજકીય કાવતરું કહેવામાં આવ્યું હતું. આ પછી જ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
કોર્ટે કહ્યું- પોતાના નિવેદન માટે મંત્રી જ જવાબદાર
પાંચ જજની બંધારણીય બેંચની આગેવાની જસ્ટિસ એસએ નઝીરે કરી હતી. જ્યારે એમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી રામાસુબ્રહ્મણ્યમ અને જસ્ટિસ બીવી નાગરત્ના પણ સામેલ રહ્યાં. પાંચ જજની બેન્ચે કહ્યું હતું કે મંત્રીના નિવેદન બાબતે સરકારને જવાબદાર ન ઠેરવી શકાય. આ માટે મંત્રી પોતે જ જવાબદાર છે. જોકેજસ્ટિસ નાગરત્નાનો અભિપ્રાય બંધારણીય બેંચથી અલગ હતો.
જસ્ટિસ નાગરત્નાનો અભિપ્રાય ચાર જજથી અલગ
જસ્ટિસ નાગરત્ને કહ્યું- કલમ 19(2) સિવાય અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વધારે પ્રતિબંધ લાદી શકાય નહીં. જોકે કોઈ મંત્રી તેમની સત્તાવાર ક્ષમતામાં અપમાનજનક નિવેદનો કરે છે, તો આવાં નિવેદનો માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય છે, પરંતુ જો મંત્રીઓનાં નિવેદન સામાન્ય હોય, જે સરકારના સ્ટેન્ડને અનુરૂપ ન હોય, તો તેને વ્યક્તિગત ટિપ્પણી તરીકે ગણવું જોઈએ.
જસ્ટિસ નાગરત્નાએ વધુમાં કહ્યું હતું કે બંધારણીય પદો પર બેઠેલા લોકોએ પોતે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે તેઓ જનતાને શું સંદેશ આપી રહ્યા છે. એ પાર્ટી પર આધાર રાખે છે કે પોતાના મંત્રીઓ દ્વારા આપવામાં આવતાં ભાષણો પર નિયંત્રણ રાખે, જે આચારસંહિતા બનાવીને કરી શકાય છે. કોઈપણ નાગરિક, જેઓ આવાં ભાષણો દ્વારા અથવા જાહેર પદો પર બેસેલી વ્યક્તિઓ દ્વારા અભદ્ર ભાષાના ઉપયોગથી અપમાન થાય છે, તો એના માટે કોર્ટમાં જઈ શકાય છે.
સુપ્રીમ કોર્ટે 15 નવેમ્બરે ફેંસલો અનામત રાખ્યો હતો
સુપ્રીમ કોર્ટે 15 નવેમ્બરે આ મામલે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સાર્વજનિક પદો પર બેઠેલા લોકોએ આવી વાતો ના કરવી જોઈએ, જે દેશવાસીઓ માટે અપમાનજનક હોય.
આ કેસની શરૂઆત બુલંદશહર ગેંગરેપ કેસથી થઈ હતી
29 જુલાઈ 2016ના રોજ બુલંદશહરમાં ગેંગ રેપનો મામલો સામે આવ્યો હતો. ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા આઝમ ખાને આ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. એ બાદ જાહેર હોદ્દા પર રહેલા લોકો માટે વાણીસ્વાતંત્ર્ય પર ગાઈડલાઈન્સ બનાવવાની માગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.