દિલ્હી દારૂ પોલિસી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. સિસોદિયાને તિહાર જેલમાં રાખવામાં આવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સ્પેશિયલ CBI જજ એમકે નાગપાલે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
દિલ્હી દારૂ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા સિસોદિયાને CBI આજે એટલે કે 6 માર્ચે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. 4 માર્ચે કોર્ટે સિસોદિયાના સીબીઆઈ રિમાન્ડ બે દિવસ (6 માર્ચ) માટે વધાર્યા હતા, જે આજે પૂરા થયા હતા.
કોર્ટે આપ્યો આ નિર્દેશ...
સિસોદિયાની જામીન અરજી બાબતે કોર્ટ 10 માર્ચે ચુકાદો સંભળાવશે. CBIએ તેમની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. 27 ફેબ્રુઆરીએ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, અહીંથી સિસોદિયાને 5 દિવસના CBI રિમાન્ડ પર મોકલાયા હતા.
4 માર્ચે સુનાવણી દરમિયાન કોર્ટમાં આ દલીલો થઈ હતી...
CBI- સિસોદિયાના રિમાન્ડ ત્રણ દિવસ વધારવા જોઈએ.
કોર્ટ - કેમ? હવે શું બાકી છે?
CBI- મનીષ સિસોદિયાની દરરોજ રાત્રે 8 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ તપાસમાં સહયોગ નથી આપતા. હજી તેમની પાસેથી ઘણા સવાલોના જવાબ મેળવવાના છે, આ સિવાય તેમને કેસના કેટલાક સાક્ષીઓ સાથે સામ-સામી પૂછપરછ કરવાની છે.
સિસોદિયાના વકીલ દયાન કૃષ્ણન - રિમાન્ડ ન આપવા જોઈએ. અમે તપાસમાં સહકાર નથી આપી રહ્યા એ આધારે CBI રિમાન્ડની માગ ના કરી શકે. પ્રથમ વખત આ આધારે રિમાન્ડ આપવા પૂરતા હતા, હવે જો અપાશે તો વધુપડતું થશે.
કોર્ટ- જો તમને લાગે કે રિમાન્ડ આપવાનું ખોટું હતું તો એ આદેશને હાઈકોર્ટમાં પડકારવો જોઈતો હતો.
સિસોદિયાના બીજા વકીલ મોહિત માથુર - ત્રણ દિવસના રિમાન્ડ બાદ રિમાન્ડ અરજીમાં કેટલીક નવી હકીકતો આવવી જોઈતી હતી, પરંતુ આજે પણ તપાસ એજન્સી એ જ દલીલ આપી રહી છે, જે પહેલા દિવસે આપવામાં આવી હતી.
કોર્ટ- તમને કસ્ટડીમાં કોઈ સમસ્યા છે?
સિસોદિયા- મને શારીરિક રીતે કોઈ સમસ્યા નથી. ભોજન પણ સમયસર મળે છે, પરંતુ અધિકારીઓ મને એક જ પ્રશ્ન વારંવાર પૂછે છે. આ કારણે હું માનસિક ત્રાસ અનુભવું છું. હું કોર્ટને અપીલ કરું છું કે મને આ ત્રાસમાંથી બચાવો.
કોર્ટ - CBIએ મનીષ સિસોદિયાની સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ.
સિસોદિયાની દલીલ- પૂછપરછમાં સંપૂર્ણ સહકાર આપ્યો
3 માર્ચે સિસોદિયાએ નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે લખ્યું છે કે તેમણે CBI તપાસમાં સહકાર આપ્યો છે. જ્યારે પણ તેમને બોલાવવામાં આવ્યા છે ત્યારે તેઓ આવ્યા છે. તેમણે દલીલ કરી હતી કે હવે તેમને કસ્ટડીમાં રાખવા માટે કોઈ યોગ્ય કારણ નથી, કારણ કે બધી રિકવરી CBIએ કરી લીધી છે.
કેજરીવાલે કહ્યું- બીજેપી નેતાના પુત્ર પાસેથી 8 કરોડ રૂપિયા મળ્યા, પણ સિસોદિયા પકડાયા
દિલ્હીના CM કેજરીવાલે કર્ણાટકના દાવણગેરેમાં સિસોદિયાની કસ્ટડી વધારવા પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે ભાજપના એક નેતાનો પુત્ર 8 કરોડ રૂપિયા સાથે પકડાયો હતો, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. કદાચ આવતા વર્ષે ભાજપ તેમને પદ્મભૂષણ આપશે. તેના ઘરેથી 8 કરોડ રૂપિયા મળ્યાં અને મનીષ સિસોદિયાની ધરપકડ કરી. મનીષ સિસોદિયાના ઘરે દરોડા દરમિયાન કંઈ મળ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.