જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન થયું છે. શરદ યાદવની પુત્રી શુભાશિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. શુભાશિનીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'પાપા નહીં રહે'. તેમણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા . શરદ યાદવની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી. ગુરુવારે મોડી સાંજે તેમની તબિયત બગડતાં તેમને દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે 9 વાગ્યે તેમનું નિધન થયું.
અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને દિલ્હીના છતરપુર સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે હોશંગાબાદના બાબાઈ તહસીલના આંખમાઉ ગામમાં કરવામાં આવશે.
શરદ યાદવ એવા નેતાઓમાં સામેલ છે જેઓ લાલુ પ્રસાદ અને નીતિશ કુમાર બંને સાથે રહ્યા હતા, પરંતુ નીતિશ કુમાર સાથેના રાજકીય સંબંધો બગડ્યા બાદ શરદ યાદવ અલગ પડી ગયા હતા. ગંભીર રીતે બીમાર હોવાને કારણે તેમની રાજકીય ગતિવિધિઓ ઘણી ઓછી થઈ ગઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલુ યાદવ, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, વિપક્ષના નેતા વિજય સિંહા સહિત ઘણા નેતાઓએ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે નેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, "મંડલ મસીહા, આરજેડીના વરિષ્ઠ નેતા, મહાન સમાજવાદી નેતા, મારા સંરક્ષક આદરણીય શરદ યાદવ જીના અકાળ નિધનના સમાચારથી હું દુખી છું. કંઈપણ કહેવામાં અસમર્થ છું. માતા અને ભાઈ શાંતનુ સાથે વાતચીત કરી. દુઃખની આ ઘડીમાં સમગ્ર સમાજવાદી પરિવાર સ્વજનોની સાથે છે.
શ્રદ્ધાંજલિ આપ્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં શરદા યાદવજી પાસેથી રાજનીતિ વિશે ઘણું શીખ્યું છે. તેઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા તેનું દુઃખ છે. તેમણે ક્યારેય પોતાનું સ્વમાન નથી ગુમાવ્યું, કારણકે રાજનીતિમાં સ્વમાન ગુમાવવું સરળ હોય છે.
વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા
શરદ યાદવે 1999થી 2004 વચ્ચે અટલ બિહારી વાજપેયી સરકારમાં વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. 2003માં શરદ યાદવ જનતા દળ યુનાઈટેડ જેડી(યુ)ના અધ્યક્ષ બન્યા. તેઓ એનડીએના કન્વીનર પણ હતા. વર્ષ 2018માં જેડીયુથી અલગ થયા બાદ ડેમોક્રેટિક જનતા દળ (એલજેડી)ની રચના કરવામાં આવી હતી. ગત વર્ષે તેમણે પોતાની પાર્ટીની આરજેડીમાં વિલયની જાહેરાત કરી હતી.
શરદ યાદવનું રાજકીય કરિયર
તેમનું રાજકીય કરિયર વિદ્યાર્થી રાજનીતિથી શરૂ થયું હતું, પરંતુ સક્રિય રાજનીતિમાં તેમણે 1974માં પહેલી વખત જબલપુર લોકસભા સીટથી ચૂંટણી લડી હતી. આ સીટ હિંદી સેવી સેઠ ગોવિંદદાસના અવસાનથી ખાલી થઈ હતી.
તે સમયે જેપી આંદોલન હતું. જેપીએ તેમને હલદર ખેડૂતના રૂપમાં જબલપુરથી ઉમેદવાર બનાવ્યા. શરદ આ સીટ પર જીતવા સફળ રહ્યા હતા. ત્યાર પછી 1977માં પણ એ જ સીટથી તેઓ સાંસદ તરીકે ચૂંટાયા.
તેમને યુવા જનતાદળના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓ 1986માં રાજ્યસભા માટે ચૂંટાયા.
શરદ ત્રણ દાયકા સુધી બિહારની રાજનીતિના આધારસ્તંભ હતા
સમાજવાદી નેતા JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાનમાં રાજદ સભ્ય શરદ યાદવનું 75 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. બિહારના મધેપુરથી 4 વખત, મધ્ય પ્રદેશના જબલપુરથી 2 વખત અને ઉત્તર પ્રદેશના બદાયુંથી 1 વખત સાંસદ તરીકે ચૂંટાયા
દેશમાં પહેલી વખત અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપના નેતૃત્વની સરકાર બની, ત્યારે NDA ગઠબંધનના સંયોજક પણ હતા. હાલ તેમના પુત્ર રાજદ સભ્ય છે અને તેમની પુત્રી સુભાષિણી યાદવે પણ છેલ્લી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી ચૂંટણી લડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.