સરકારી નોકરી માટે દીકરીની હત્યા કરી:બેથી વધારે બાળક હોવાને કારણે નોકરી જવાનો ડર હતો, મા-બાપે જ મારી નાખી

5 દિવસ પહેલા
લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢીને પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

રાજસ્થાનના બિકાનેરમાં પાંચ મહિનાની બાળકીને કેનાલમાં ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે. માસૂમને કોઈએ નહીં, પણ તેનાં માતા-પિતાએ ફેંકી દીધી હતી. વધુ આઘાતજનક બાબત એ છે કે આ હત્યા તેના પિતાએ પોતાની સરકારી નોકરી બચાવવા માટે કરી હતી. કોન્ટ્રેક્ટ પર મળેલી સરકારી નોકરીમાં મુશ્કેલી ન પડે એ માટે પિતા ઝંવરલાલે પુત્રી અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરી હતી. પોલીસે આરોપી પિતા અને માતા બંનેની ધરપકડ કરી છે.

ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. પોલીસ અધીક્ષક યોગેશ યાદવે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઝંવરલાલે તેની પત્નીને પણ સામેલ કરી હતી. તે બે દિવસ પહેલાં છત્તરગઢ સ્થિત તેના સાળાના ઘરે ગયો હતો. રવિવારે સાંજે ચાર સીએચડી સ્થિત સાળાના ઘરેથી દિયાતરા જતા સમયે રસ્તામાં બાળકીને કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ અહીંથી દિયાતરા પોતાના ઘરે જવા રવાના થયાં હતાં.

ઝંવરલાલ તેની પત્ની અને બે બાળક સાથે બાઇક પર હતો. રવિવારે સાંજે 5 વાગ્યે દંપતીએ 5 મહિનાની બાળકીને ઈન્દિરા ગાંધી કેનાલ પ્રોજેક્ટ (IGNP)માં ફેંકી દીધી હતી. માસૂમને ફેંકી દેવામાં આવતાં જોઈ કેટલાક લોકોએ બૂમાબૂમ કરતાં બાઇક સવાર માતા-પિતા ભાગી ગયાં હતાં. લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.

લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢીને પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢીને પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

ટ્રેઈની એસ.આઇ.ની કોઠાસૂઝથી પકડાયો
ઘટનાની માહિતી મળતાં જ છત્તરગઢ અને ખજુવાલા વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી. જ્યાં ખાજુવાલાના ટ્રેઇની સબ-ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે કપલની બાઇક રોકી હતી. પૂછપરછ કરતાં ઝંવરલાલે સાળાના ઘરે ગયો હોવાનું જણાવ્યું. શંકા જતાં મુકેશ કુમારે તેનો ફોટો લીધો હતો. બાઇકનો ફોટો પણ લીધો. ઝંવરલાલનો આધારકાર્ડનો ફોટો પણ મોબાઈલમાંથી લેવામાં આવ્યો હતો. એ પછી તેને જવા દીધો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં દિયાતરાના લોકો પાસેથી ઝંવરલાલની માહિતી લેવામાં આવી હતી. આ પછી દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે માતા-પિતા બંનેની ધરપકડ કરી છે.
પોલીસે માતા-પિતા બંનેની ધરપકડ કરી છે.

નોકરીનો સવાલ હતો એટલે ફેંકી દીધી
ઝંવરલાલને આશા હતી કે તે જલદી કાયમી બની જશે. નોકરીમાં એક શરત છે કે બેથી વધુ બાળકો ન હોવાં જોઈએ. એક બાળકીને કેનાલમાં ફેંકી દીધા બાદ પણ તેને ત્રણ બાળક છે. એમાંથી તેણે એક પુત્રીને તેના મોટા ભાઈને દત્તક આપી છે. તેમનું કહેવું છે કે બાળકી આકસ્મિક રીતે કેનાલમાં પડી ગઈ હતી.

ઝંવરલાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાનાં બે બાળકો હોવાનું એફિડેવિટ આપ્યું હતું. તેને ડર હતો કે બે કરતાં વધુ બાળકો હોવાને કારણે તે કાયમી નહીં થાય. આવી સ્થિતિમાં તેણે એક બાળકીને કેનાલમાં ફેંકીને તેની હત્યા કરી હતી.

(અંશુ હવે આ દુનિયામાં નથી, પણ આ ઘટના અનેક સવાલો ઉત્પન્ન કરે છે, જો એ બાળકી બોલી કે વિચારી શકતી હોત તો શું કહેત, વાંચો...)

હું અંશુ...

હમણાં પાંચ મહિનાની હતી. હજી તો દુનિયા જોવા આંખ ખોલવાનું શરૂ જ કર્યું હતું. મમ્મી-પપ્પાને ઓળખવાનું શીખી રહી હતી.
પવનની એક લહેરખી આવી, મારી આંખ ખૂલી તો ધૂંધળું આકાશ દેખાયું. માતાએ મને છાતી સરસી ચાંપી હતી, પણ તેના હૃદયના ધબકારા મારા માથા પર હથોડાની જેમ વાગતા હતા. હું દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાએ હતી, માતાના ખોળામાં... અચાનક બાઇક રોકાઈ. કેનાલમાં પાણી વહેવાનો અવાજ મેં પહેલીવાર સાંભળ્યો હતો.
આ જ નહેરના કિનારે બાઇક પરથી પહેલાં મમ્મી ઊતરી. પછી પપ્પા ઊતર્યા. મને માતાની ગરમ શાલમાંથી બહાર કાઢીને પપ્પાએ તેડી લીધી. ઠંડા પવનોને કારણે હું કાંપી રહી હતી, પણ મને થયું હું તો મારા સુપરહીરો પાસે છું, મને શું થવાનું..
...અને પછી જે થયું, એના વિશે વિચાર પણ ન આવે. મને પગથી ઊંધી પકડીને પપ્પાએ હીંચકાની જેમ ઝુલાવી. જાણે હું હવામાં ઊડી રહી હતી. વૃક્ષો ઊંધાં દેખાતાં હતાં... પંખીઓ ઊડતાં દેખાયાં... પછી હવામાં હું ફંગોળાઈ ને છપાક.. અવાજ આવ્યો. ચારેય બાજુ ઠંડું પાણી હતું, પાણીની અંદરથી ધૂંધળું આકાશ એક સેકન્ડ માટે દેખાયું, કેનાલ પાસે પપ્પાએ બાઈક સ્ટાર્ટ કર્યું, એનો બોદો અવાજ આવ્યો. એ મમ્મી અને ભાઈને લઈને ચાલ્યાં ગયાં.
હું કેનાલના પાણીમાં ઊતરતી જતી હતી. મોઢામાં અને કાનમાં ઠંડું પાણી જતું હતું. નાક પાસે નાનકડા પરપોટા થયા... બસ આટલી જ જિંદગી હતી મારી. આંખ પાસેની ધૂંધળાશ પણ ચાલી ગઈ ને છવાઈ ગયો અંધકાર.
પછી ખબર નહીં, પણ પાણીમાં કોઈ કૂદ્યું. મને પાણીના વહેણમાંથી બહાર કાઢી પથ્થર પર ઊંધી સુવાડી શ્વાસ ચાલુ રાખવાની મહેનત કરી. કોઈ બોલ્યું- ફૂલ જેવી દીકરી છે, તેની માતાને શોધો.

મા,
મને સમજાયું નહીં મા, તારા ખોળામાં બે બાળક હતાં, તો કેનાલમાં ફેંકવા માટે તેં મને જ કેમ પસંદ કરી? મેં તને એવું તે શું દુ:ખ આપ્યું હતું. મેં બહુ ખર્ચા કરાવ્યા હતા? થોડુંક દૂધ જ પીધું હતું. મેં કાંઈ ખાધું પણ નહોતું. મારા દાંત જ ક્યાં ઊગ્યા હતા?
તમે ભાઈને સાથે લઈ ગયા અને મને કેનાલમાં ફેંકી દીધી. પપ્પાના હાથમાં મને આપી તો તારા હાથ કેમ કાંપ્યા નહીં? જેટલો સમય તારા પેટમાં રહી, એટલો સમય પણ મને દુનિયામાં ન રહેવા દીધી. કદાચ મોટી થઈને તારો વધારે ખ્યાલ રાખત.
ઘરઆંગણે રમતી, કૂદતી તારા કામમાં મદદ પણ કરત. ભણી-ગણીને સારી કમાણી કરત. મને ચાહતી જ નહોતી તો મને જન્મ કેમ આપ્યો?

પપ્પા,
ખૂબ અફસોસ થાય છે. જ્યારે ઠંડી હવા કાન અને ચહેરા પર અથડાઈ ત્યારે એમ થયું કે તમારા હાથમાં છું, એટલે હમણાં હૂંફ મળશે. તમે તો મારા સુપરહીરો હતા. પપ્પા તો દીકરીને ઊની આંચ પણ ન આવવા દે. મને બચાવવાની હોય, એના બદલે તમે તો મને મારી નાખી. ફક્ત એટલા માટે કે તમારી નોકરી બચી જાય?
નોકરી જ પસંદ હતી તો મને આ દુનિયામાં લાવ્યા શા માટે?

અન્ય સમાચારો પણ છે...