યુપીના બારાબંકીમાં એક ઘટના બની છે. અહીં એક એકાઉન્ટન્ટે જાતે જ સળગીને આત્મવિલોપન કરવાના પ્રયાસ કર્યા છે. શનિવારે એકાઉન્ટન્ટ સુજિત ઉર્ફે લાલ ડીંગા સિંહે પોતાના પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી હતી. એકાએક આ ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આસપાસના લોકોએ ભારે જહેમતથી સળગતા મુનશીને શાલ ઓઢાડીને આગને બુઝાવી હતી.
બાદમાં એકાઉન્ટન્ટને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર જણાતાં તેને લખનઉ રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટના મામલતદાર અને કલેક્ટરની હાજરીમાં જ બની હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એકાઉન્ટન્ટે મામલતદાર પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના હૈદરગઢ વિસ્તારની છે.
લોનીકટરા પોલીસ મથકના ફિરોઝાબાદ ગામનો રહેવાસી સુજિત ચૌબાસી વિસ્તારના ધારાશાસ્ત્રીઓ સાથે એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. સુજિત તેમની સાથે રહીને એકાઉન્ટન્ટનું કામ સંભાળી રહ્યો છે. શનિવારે બપોરે એક વાગ્યે સીડીઓ એકતા સિંહની હાજરીમાં હૈદરગઢમાં સમાધાન દિવસ ચાલી રહ્યો હતો. કલેક્ટર, મામલતદાર સહિત તમામ વિભાગોના અધિકારીઓ જનતાની સમસ્યા સાંભળી રહ્યા હતા.
આ દરમિયાન એકાએક સુજિત ઉર્ફે ડીંગા સિંહ ત્યાં આવી ચઢ્યો હતો. તેણે મામલતદાર ઓફિસની બહાર પોતાના પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી હતી. જ્યાં સુધી આસપાસના લોકો કંઈ સમજે ત્યાં સુધીમાં તો તેણે પોતાના પર દીવાસળી ચાંપી દીધી હતી. આગમાં સળગતાં સુજિતને જોઈને ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. અધિકારીઓ પણ ગભરાઈ ગયા હતા. લોકો સમજી જ ન શક્યા કે શું થયું?
ત્યાં હાજર કર્મચારીઓએ અફરાતફરીમાં શાલ ઓઢાડીને આગ બુઝાવવા માટે પ્રયાસ કર્યા હતા, પણ ત્યાં સુધીમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યો હતો. તે લગભગ 60-70% જેટલો દાઝી ગયો હતો. આ તરફ ઘટનાથી ગભરાયેલા અધિકારીઓ પણ સમાધાન દિવસમાંથી જતા રહ્યા હતા. પીડિત મુનશીની પત્ની ઈન્દુ સિંહે આ મામલે કોતવાલી હૈદરગઢના ઈન્ચાર્જને લેખિતમાં ફરકિયાદ કરી છે.
પત્નીએ કહ્યું- તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા
પીડિત એકાઉન્ટન્ટની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે 4 દિવસ પહેલાં એક ફાઈલમાં રિપોર્ટ બાબતે મુનશીએ બ્લોક પ્રમુખ પ્રતિનિધિ રામદેવ સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી, જેથી તેઓ નારાજ થતાં ફોન પર જ ધમકી આપવા લાગ્યા હતા, સાથે જ અપશબ્દો સંભળાવતાં હૈદરગઢના મામલતદાર શશિ કુમાર ત્રિપાઠીને પણ ફરિયાદ કરી હતી.
એકાઉન્ટન્ટની પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે ત્યાર બાદ મામલતદારે તેમને કેબિનમાં બોલાવીને ચોર કહ્યા હતા. તેમને ધમકી પણ આપી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવીને જેલમાં ધકેલવાની પણ તેમને ધમકી આપી હતી. પીડિતની પત્નીનું કહેવું છે કે આ હેરાનગતિથી તેઓ ખૂબ પરેશાન હતા. માટે તેમણે આત્મવિલોપન કરવાના પ્રયાસ કર્યા. પોલીસે આ મામલે મામલતદારે અને બ્લોક પ્રમુખ પ્રતિનિધિની સામે કેસ નોંધ્યો છે. જો કે આ ઘટના બાબતે જિલ્લાના કોઈ જ અધિકારી કશું જ બોલતા નથી.
એડીએમે કહ્યું- તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશકુમાર સિંહે જણાવ્યું હતુ કે સુજિતસિંહે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને લખનઉ રિફર કરવામાં આવ્યા છે, સાથે જ મામલતદાર અને અધિકારીઓની સામેના આરોપો બાબતે તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.