રાજસ્થાનના કરૌલી, જોધપુર અને ભીલવાડામાં સાંપ્રદાયિક હિંસાની ઘટના વચ્ચે નાગૌરનું ઈનાણા ગામ સાંપ્રદાયિક અને ધાર્મિક સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગામના લોકો પોતાના નામની આગળ જાતિ લખાવતા નથી, પણ ગામના નામ પરથી ફક્ત સરનેમ એટલે કે અટક 'ઈનાણિયા' જ લખાવે છે.
PHEDમાંથી નિવૃત્ત થયેલા પુખરામ ઈનાણિયા કહે છે કે, અમારા ગામનું નામ ઈનાણા છે અને અહીંના લોકો તેમના નામની આગળ ઈનાણિયા લગાવે છે, જેથી હંમેશને માટે સંવાદિતા જળવાઈ રહે. આ ગામમાં ન તો તમને કોઈ દુકાનમાં ગુટકા મળશે અને ન તો અહીં શરાબનો કોન્ટ્રેક્ટ છે. જો કે બહુ ઓછા ઘરો મુસ્લિમ સમાજના છે, પરંતુ તેઓ બધા એક જ સમાજના હોય તેમ સાથે રહે છે. જ્યારે ભાસ્કરની ટીમ આ ગામમાં પહોંચી તો જનવરુદ્દીન તેલી ગામના શાલિગ્રામ જી મંદિરના દરવાજે બેઠેલા જોવા મળ્યા.
વર્ષ 1358માં 12 ખેડને ભેળવી આ ગામ બનાવેલું
પુખરામ કહે છે કે વર્ષ 1358માં શોભરાજના દીકરા ઇન્દર સિંહે ગામની સ્થાપના કરી હતી. 12 ખેડની 12 જ્ઞાતિ હતી. સૌએ સાથે મળી ઈનાણા ગામ બનાવ્યું હતું. તેનું નામ ઈન્દર સિંહના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ત્યારથી લોકો તેમની જાતિને બદલે અટક ઈનાણિયા લખે છે. ઈન્દર સિંહના અન્ય બે ભાઈઓ હતા, જેઓ ગાયોનું રક્ષણ કરતા હતા.
આ પૈકી એક હરુહરપાલ ગાયોનું રક્ષણ કરતા શહીદ થયા હતા, જેમણે આખું ગામ કુળદેવતા તરીકે પૂજે છે. નાયક, મેઘવાલ, ખાટી, જાટ, કુંભાર, બ્રાહ્મણ, તેલી, લુહાર, ગોસ્વામી અને મહાજન વગેરે ગામની જાતિઓ છે, જે પૈકી મોટા ભાગના લોકો તેમના નામ સાથે ઈનાણિયા અટકનો ઉપયોગ કરે છે. 4400 મતદાતા છે અને વસ્તી 10 હજાર જેટલી છે.
આધાર કાર્ડમાં જાતિને બદલે ઈનાણિયા
નાગૌરના SDM સુનીલ પંવારના જણાવ્યા પ્રમાણે જાતિના પ્રમાણપત્રથી સરકારી સેવાનો લાભ મળે છે. જો આધાર કાર્ડમાં ઈનાણિયા લખેલું હોય તો પણ કોઈ સમસ્યા નથી.
SHOએ કહ્યું કે શરાબનો કોઈ કેસ નથી, ગામના લોકો પણ પોતાના વિવાદો સાથે મળીને ઉકેલે છે.
મુંડવાના SHO રિછપાલસિંહ ચૌધરી કહે છે - ઈનાણામાં કોઈ વિવાદ નથી. જોઈ વિવાદ સર્જાય છે તો ગામના લોકો સાથે બેસીને તેનો ઉકેલ મેળવે છે. અત્યાર સુધીમાં શરાબનો એકપણ કેસ પોલીસ મથકે પહોંચ્યો નથી. જો કોઈ જાહેર સ્થળે નશામાં હોય તો તેને રૂપિયા 11,000નો દંડ ફટકારવામાં આવે છે. આ પૈસા ગૌશાળામાં જાય છે. જે પણ નિર્ણયો લેવામાં આવે છે તેને સમગ્ર ગામ દ્વારા સ્વીકારવામાં આવે છે.
ઇનાણાની આ વિશેષતા છેઃ ગુટકા કે શરાબનું વેચાણ થતું નથી. DJ ઉપર પણ 15 વર્ષથી પ્રતિબંધ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.