ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે હાઈકમાનને લઈને ફરી એકવખત પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિકે કહ્યું મારું દિલ્હીમાં કોઈ નથી, તેથી મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પટેલે કહ્યું કે મને આશા છે કે ચિંતન શિબિર પછી કોંગ્રેસ હાઈકમાન ગુજરાતને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
NDTV સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યું કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી. આ કારણે જ કોંગ્રેસમાં મારી વાત કોઈ સાંભળતું નથી. રાજ્યમાં કોંગ્રેસના નેતા ભાજપ સરકાર સામે લડવામાં કોઈ રુચિ દાખવતા નથી. છેલ્લાં એક વર્ષમાં પાર્ટીના નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી.
રાહુલ ગાંધી વ્યસ્ત છે, 15 દિવસથી કોઈ જવાબ નથી આપ્યો
હાર્દિકે કહ્યું કે 15 દિવસ પહેલાં રાહુલ ગાંધીનો એક મેસેજ આવ્યો હતો. તેમને મને પૂછ્યું હતું કે શું બાબત છે? મેં રિપ્લાઈમાં આખી વાત જણાવી હતી, પરંતુ 15 દિવસ પછી પણ હાઈકમાન તરફથી કોઈ જવાબ આવ્યો નથી. હાલમાં રાહુલ ગુજરાત પણ આવ્યા હતા, પરંતુ તેમને કોઈ મીટિંગ જ ન કરી.
ચિંતન શિબિર પછી બધું ઠીક થઈ જશે તેવી આશા
હાર્દિકે કહ્યું કે ચિંતન શિબિર પછી બધું ઠીક થઈ જશે તેવી આશા છે. તેમને કહ્યું કે ત્યાં નવા આઈડિયાઝ આવશે અને કોંગ્રેસ નવી રીતે સંગઠનાત્મક કાર્ય કરશે. હાર્દિકે વધુમાં કહ્યું કે કાર્યકારી અધ્યક્ષ તમામ રાજ્યોમાં છે, પરંતુ જવાબદારી નક્કી નથી કરાઈ. તેમાં પણ સુધારો લાવવાની વાત કરવામાં આવશે.
ટ્વિટર, વ્હોટસએપ અને ટેલીગ્રામના બાયોમાંથી કોંગ્રેસ હટાવ્યું
કોંગ્રેસ હાઈકમાનથી નારાજ હાર્દિક પટેલે થોડાં દિવસ પહેલાં પોતાના ટ્વિટર, વ્હોટ્સએપ અને ટેલીગ્રામના બાયોમાંથી કોંગ્રેસનો સિમ્બોલ હટાવી દીધી છે. જો કે તેમની નારાજગીના સમાચાર સામે આવ્યા બાદ હાઈકમાને તેમનો સંપર્ક કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.