ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે.
12 ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું
અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ ઉઠી હતી. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સરકાર અસિત વોરાને છાવરી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.
અસિત વોરાના કાર્યકાળમાં 2 પેપર ફૂટ્યા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના કાર્યકાળમાં બે વખત પેપર ફૂટવાની ઘટના બની ચૂકી હતી. જેમાં તાજેતરમાં જ 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ પહેલા 2019માં પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ બંને વખતે અસિત વોરા જ GSSSBના ચેરમેન હતા.
20 માર્ચે યોજાશે હેડ ક્લાર્કની પરીક્ષા
હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થયા બાદ હેડ ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષા હવે 20 માર્ચના રોજ યોજાશે. આગાઉ 2019માં તથા 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા પેપરલીક થવાના કારણે રદ કરવામાં આવી હતી.
આપ અને કોંગ્રેસ દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગણી કરાઈ હતી
ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં આમ આદમી પાર્ટી અને વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ અસિત વોરા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે સંદર્ભમાં અગાઉ મુખ્યમંત્રીની અસિત વોરા સાથે બેઠક પણ યોજાઈ હતી. પોલીસ તપાસ બાદ મંડળના અધ્યક્ષ અને સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસના માલિક પણ શંકાના ઘેરામાં આવી જતા સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી. 2021ના અંતમાં ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી પરીક્ષાનું પેપર લીક કાંડમાં 33 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી. સાથે જ રૂ. 78,96,500ની રોકડ જપ્ત કરાઈ હતી.
વર્ષમાં 9 વર્ષમાં દસ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.