તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રામનો પ્રયોગ છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં સફળ રહ્યો છે. ગુજરાત 30 વર્ષ પહેલાં કોંગ્રેસમુક્ત બની ગયું છે. 1992માં અયોધ્યામાં બાબરીનો ઢાંચો પડ્યો એ પછીથી ગુજરાતમાં ભાજપનો રાજકીય ઉદય થયો છે. 1989માં અડવાણીએ સોમનાથથી શરૂ કરેલી રથયાત્રાને લીધે આજે ભાજપની વિકાસયાત્રા બુલેટ ઝડપે આગળ વધી રહી છે. એ વખતના અડવાણીના રથના સારથી નરેન્દ્ર મોદી જ આજે સુકાની છે. ભાજપે ગાડી નહિ ગિયર બદલ્યું છે. ગુજરાત જે આજે વિચારે છે એ દેશ આવતીકાલે વિચારે છે એ ભાજપે અવિરત વિજય પરથી સાબિત કરી દીધું છે.
આવો સમજીએ ભાજપના ઉદય, વિકાસ અને અજેય થવાની સફર વિશેના 3 ટર્નિંગ પોઇન્ટ વિશે...
1992ના બાબરી ધ્વંસ પછી હિન્દુત્વનો રથ ચાલ્યો
1992માં અયોધ્યામાં બાબરી ઢાંચો ધ્વસ્ત થયા પછી 1995માં ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે પહેલીવાર કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યા હતા. સુરતમાં તો 99માંથી એક પણ બેઠક મેળવી શકી ન હતી. એ પછી ક્યારેય ભાજપે પાછું વાળીને જોયું નથી.
એકાદ અપવાદને બાદ કરતાં કોંગ્રેસને ક્યાંય સત્તા મળી નથી. એવું જ 1995 પછીની વિધાનસભાની ચૂંટણીમાં થયું છે. 1995 પછી ભાજપે સતત પકડ જમાવીને કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે. ભાજપમાં શંકરસિંહે બળવો કર્યો પણ પ્રજા હંમેશા ભાજપની પડખે જ રહી. ગુજરાતમાં કોંગ્રેસની એક આખી પેઢી સત્તા માટે વલખાં મારતી રહી અને આજ સુધી સત્તા મેળવી શકી નથી.
હિન્દુત્વની લેબોરેટરી ગુજરાત
સત્તા મેળવવા માટેની હિન્દુત્વની ફોર્મ્યુલા ભાજપે સાડા ત્રણ દાયકા પહેલાં ઘડી હતી. વાજપેયી અને અડવાણીની જોડીએ આનો પ્રયોગ ગુજરાતની લેબોરેટરીમાં કર્યો હતો અને જે સફળ થયો. એ વખતે સંઘ અને વિહિપની ભૂમિકા સમાંતર રહેતી. ફોર્મ્યુલા એક જ હતી. સંઘના વડા, વિહિપના વડા અને ભાજપના નેતાઓના ચહેરા અલગ હતા. કોંગ્રેસથી અલગ છાપ ઊભી કરવા પાર્ટી વિથ ડિફરન્સનું સ્લોગન પણ લાવ્યા. કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટીકરણના મુદ્દાને અને કોંગ્રેસ હિન્દુઓને સેકન્ડ ક્લાસ સિટિઝન ગણતી હોવાની છાપ આ દાયકામાં ઉપસી. હિન્દુ હિત કી બાત કરેગા વો હી દેશ પર રાજ કરેગા એ વાત ધીમે ધીમે દેશના મતદારોમાં ઘૂંટી દેવાઇ.
કોંગ્રેસ પાસે આનો છેદ ઉડાવવાનો પૂરતો સમય હતો પણ એક વિશાળ વૃક્ષનાં પાંદડાં ખરે તો વૃક્ષને કંઇ નથી થવાનું એવું માનતી કોંગ્રેસ ધીમે ધીમે મૂળિયાં સુદ્ધાં ગુમાવવા માંડી હતી. પરિવારવાદ અને ભારત જેવા દેશમાં રાજ કરવા માટે પોતાનાથી શ્રેષ્ઠ કોઇ પાર્ટી નથી એવું કોંગ્રેસનું અભિમાન તેને ધીમે ધીમે ખતમ કરી રહ્યું હતું. રાજ્યોમાં ધીમે ધીમે કોંગ્રેસે સત્તા ગુમાવવા માંડી હતી પણ કેન્દ્રમાં કયારેય પોતે સત્તા નહિ ગુમાવે એવું ભાન થતાં બહુ વાર લાગી. પ્રજાની નાડ પારખવાની આવડત હવે કોંગ્રેસ પાસે નથી રહી. એ કળા ભાજપે હસ્તગત કરી લીધી છે.
2002નો ગોધરાકાંડ : હિન્દુત્વ અને વિકાસનો એક જ ચહેરો મોદી
27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની આગમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા 57 કારસેવકો જીવતા સળગી ગયા. અહીં પણ રામમંદિરનો મુદ્દો ભાજપ અને નવાસવા મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીની મદદે આવ્યો. દેશભરના હિન્દુઓમાં આક્રોશ હતો. દેશે સંયમ રાખ્યો પણ ગુજરાતમાં કોમી તોફાનોની ઝાળ ફેલાઇ. હિન્દુના મતો અને વિકાસનું નવું મોડલ મોદીએ બનાવ્યું. જે ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા અને દેશમાં ભાજપની સત્તા મેળવવા માટેનો ટર્નિંગ પોઇન્ટ બન્યું. વિકાસ અને હિન્દુત્વના મોહરા તરીકે અને સંઘ, વિહિપ, ભાજપ એવી ભગિની સંસ્થાઓના એક ચહેરા તરીકે મોદી ઊભરી આવ્યા.
દેશમાં હિન્દુહૃદય સમ્રાટની ઉપમા મેળવી ચૂકેલા મોદીએ પશ્ચિમના દેશોમાં કટ્ટરવાદી નેતાની છાપ ઊભી કરી. મોદી બરાબર સમજી ગયા કે માત્ર હિન્દુત્વથી કામ નહિ ચાલે. મોદીએ તેમાં ઉમેર્યો વિકાસ. પછી બન્યું ઘાતક કોમ્બિનેશન. બૌદ્ધિકો અને ખાસ કરીને પશ્ચિમી દુનિયાને તેમણે વિકાસનો નમૂનો બતાવ્યો. ગુજરાત હિન્દુત્વની લેબોરેટરી તો હતું જે તેમાં તેમણે વિકાસનું મોડલ ઉમેર્યું. એક દાયકામાં ઇમેજ મેકઓવર કરીને મોદીએ સૌને આંજી દીધા અને 2014ની લોકસભાની ચૂંટણીમાં પોતાની અને ભાજપની જીતનું મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી દીધું.
2020 રામમંદિરનો શીલાન્યાસ : વચનપૂર્તિના વોટ
જે કહ્યું કે કર્યું. અમે સત્તા પર આવીશું તો અયોધ્યામાં બાબરીની એ જ જગ્યાએ રામમંદિર બાંધીશું એવું દાયકાઓ પહેલાંથી ભાજપે આપેલું રાજકીય વચન મોદીએ પૂરું કર્યું. સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી મોદીએ રેકોર્ડ ઝડપે અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે કામગીરી શરૂ કરી દીધી. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં મંદિર બની જશે. હિન્દુત્વ+વિકાસની "જડીબુટ્ટી" ભાજપને મોદીએ આપી દીધી. આ "જડીબુટ્ટી" ભાજપને આવનારા કેટલા સમય સુધી તારશે એ તો સમય કહેશે. ભાજપની આ "જડીબુટ્ટી" સામે લડવા માટે કોંગ્રેસ પાસે અત્યારે કોઇ વેક્સિન નથી અને ભાજપ અત્યારે તો ભારતીય રાજકારણને કોંગ્રેસ મુક્ત કરી રહ્યો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.