સુપ્રીમ આક્રોશ:કોરોના વળતર મુદ્દે સુપ્રીમમાં ગુજરાત સરકારની ઝાટકણી

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે સ્ક્રુટીની કમિટીની રચના કરતા સુપ્રીમકોર્ટ ખફા
  • કહ્યું- રાજ્ય સરકારે સહાય માટે લોકોને ભટકવા મજબૂર કર્યા

કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયની ચુકવણીના મુદ્દે ગુરુવારે સુપ્રીમકોર્ટે ગુજરાત સરકાર પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે સહાય માટેની અરજીઓની ચકાસણી માટે સ્ક્રૂટિની કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

આ અંગે સરકારે 29 ઓક્ટોબરના રોજ નોટિફિકેશન ઇસ્યૂ કર્યું હતું. કમિટી રચવાના આ નિર્ણય સામે સુપ્રીમકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારે કોવિડ પીડિતોના પરિવારજનોને વળતર માટે ઠેર ઠેર ભટકવા મજબૂર કર્યા છે.

આ મુદ્દે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને હાજર થવાની ચેતવણી આપતા બેન્ચે કહ્યું હતું કે જે લોકો પહેલેથી જ (કોરોનાથી સ્વજનના મોતના કારણે) પીડિત છે તેમની સાથે આવું થવું જોઈએ નહીં. સરકારે વિરોધ કરવાને બદલે મદદ માટે હાથ લંબાવવો જોઈએ. તમારા અધિકારીઓ આ બાબતને અયોગ્ય રીતે લઈ રહ્યા છે. લોકો હજુપણ પીડિત છે એ સચ્ચાઈ છે.

રાજ્ય સરકારે રચેલી સ્ક્રુટીની કમિટી મુદ્દે સુપ્રીમકોર્ટની બેન્ચે કહ્યું હતું કે આ તપાસ સમિતિ રચવાનો સવાલ પેદા થતો નથી. અમને જાણવા મળ્યું છે કે લાંબી કતારો છે અને વળતર માટેના ફોર્મ પણ જટિલ છે. આ ગરીબ લોકો છે. આક્રોશ વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી.

તમે થોડા વધુ સંવેદનશીલ કેમ થઈ નથી શકતા? ઉલ્લેખનીય છે કે ગત 4 ઓક્ટોબરના રોજ આપેલા ચુકાદામાં સુપ્રીમકોર્ટે નેશનલ ડિઝસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીની ભલામણ અનુસાર કોરોના મૃતકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.

અરજદાર ગૌરવ બંસલે કોર્ટને જણાવ્યું હતું કે કોવિડ મૃત્યુ પ્રમાણપત્રના માપદંડોને લઈને સુપ્રીમકોર્ટની અગાઉની જાહેરાતના બદલે ગુજરાત સરકારે પ્રમાણપત્રો અંગે નવું મોડ્યુલ બનાવ્યું છે. રાજ્ય સરકારે કોરોના મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવા માટે એક સમિતિની રચના કરી છે. મૃત્યુના કારણોને પ્રમાણિત કરતા દસ્તાવેજો મેળ‌વવા માટે સમિતિ સમક્ષ પ્રતિનિધિત્વ કરાશે.

સ્ક્રુટીની કમિટીની રચના સુપ્રીમના નિર્દેશનો અંત લાવવાનો પ્રયાસ: બેન્ચ
બેન્ચે કહ્યું હતું કે સ્ક્રુટીની કમિટી રચવાનો ગુજરાત સરકારનો નિર્ણય સુપ્રીમકોર્ટના નિર્દેશોનો અંત લાવવાનો પ્રયાસ છે. અમે પહેલેથી જ કહ્યું હતું કે લોકોની ફરિયાદોના નિવારણ માટે સમિતિ બનાવાવની જરૂર છે. તપાસ માટે નહીં. સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા ગુજરાત સરકારને કોરોના વળતર ચુકવવા મુદ્દે શું કામગીરી કરી એને લઈને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.

વળતર માટે આરટીપીસીઆર ટેસ્ટ અને ડેથ સર્ટિફિકેટ પૂરતા છે: જસ્ટિસ શાહ
જસ્ટિસ એમઆર શાહે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે કોર્ટે વળતરની માગણી કરી રહેલા લોકોની ફરિયાદો સાંભળવા માટે જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો. અરજીઓની ચકાસણી માટે સ્ક્રુટીની કમિટી રચવાની કોઈ જ જરૂરિયાત નથી. અમે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનો કોરોના પોઝિટિવી થયાનું દર્શાવતો આરટીપીસીઆર રિપોર્ટ અને ટેસ્ટ થયાના 30 દિવસમાં મૃત્યું થયું હોવાનું દર્શાવતું ડેથ સર્ટિફિકેટ રજૂ કરે તેઓ વળતર માટે લાયક છે. સ્ક્રુટીની કમિટીની જરૂર જ નથી.

સરકારનો દાવો: વળતરની ચુકવણી માટે ભંડોળ તૈયાર છે
સુનાવણીમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વતી ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કોરોના મૃતકોને વળતર ચૂકવવા માટે ભંડોળની ફાળવણી કરી દેવામાં આવી છે. આ પહેલા જસ્ટિસ નાગરથનાએ કહ્યું હતું કે કોરોનાની સારવાર પાછળ લોકોને 6-7 લાખ રૂપિયા ખર્ચ થયો છે. તમારે માત્ર 50 હજાર રૂપિયા વળતર ચૂકવવાનું છે. આ વળતરની ચુકવણીમાં વિલંબ સહન કરી શકાય એમ નથી.

અન્ય સમાચારો પણ છે...