• Gujarati News
  • National
  • Inclusion Of Petrol diesel In GST To Be Considered, 5% Tax On Food Delivery Apps Also Proposed

પેટ્રોલ-ડીઝલ સસ્તાં નહીં થાય:કાઉન્સિલની મીટિંગમાં 6 રાજ્યે ડીઝલ-પેટ્રોલના ભાવને GST અંતર્ગત લાવવાનો વિરોધ કર્યો, બાયો ડીઝલ પર GST ઘટીને 5% કરાયો

લખનઉએક મહિનો પહેલા

લખનઉમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 45મી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં પેટ્રોલ-ડીઝલને GSTમાં સામેલ કરવાને લઈને ચર્ચા થઈ. છ રાજ્યે પેટ્રોલ-ડીઝલને GST અંતર્ગત લાવવાનો વિરોધ કર્યો.

સીતારમણે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતાં કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને GSTમાં સામેલ કરવાના મુદ્દે ચર્ચા થઈ. અનેક રાજ્યોએ કહ્યું હતું કે તેઓ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GSTમાં લાવવા નથી માગતાં. સીતારમણે કહ્યું હતું કે આ મુદ્દો કેરળ હાઈકોર્ટના ઓર્ડર પર બેઠકના એજન્ડામાં લાવવામાં આવ્યો. કાઉન્સિલે માન્યું કે આ પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTમાં લાવવાનો સમય નથી, જેની જાણકારી કેરળ હાઈકોર્ટને પણ આપવામાં આવશે. કેરળ હાઈકોર્ટે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST અંતર્ગત લાવવા અંગે વિચારવું જોઈએ.

કેન્સર મેડિસિન પર GST 12%થી ઘટાડીને 5% કરાયો
બેઠક પછી મોડી સાંજે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે GST કાઉન્સિલની મીટિંગમાં શુક્રવારે અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. કેન્સર મેડિસિન પર GST 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. રેમડેસિવિર અને હેપરિન પર 5% GST લાગશે. કોરોનાની દવાઓ પર ટેક્સ છૂટ 31 ડિસેમ્બર સુધી વધારાઈ છે.

16 કરોડ જીવનરક્ષક દવાઓ થઈ ટેક્સ ફ્રી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કેટલીક જીવનરક્ષક દવાઓ, જે ઘણી મોંઘી છે, જે બાળકો માટે વધુ ઉપયોગમાં લેવામાં આવે છે, જે કોરોના સંબંધિત નથી, એવી દવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. એના પર GST નહીં લાગે. ઝોલગેન્સ્મા અને વિલ્ટેપ્સો આવી જ 2 મહત્ત્વપૂર્ણ દવાઓ છે.

GST કાઉન્સિલે લીધા અન્ય કેટલાક મહત્ત્વના નિર્ણયો

  • કોરોના મહામારીની દવાઓ એમ્ફોટેરેસિન-બી અને ટોસિલિઝુમેબ પર GST નહીં લાગે. આ દવાઓ પર GST છૂટ 31 ડિસેમ્બર 2021 સુધી વધારવામાં આવી છે. મેડિકલ ઈક્વિપમેન્ટ્સ પર આ છૂટ લાગુ નહીં થાય. રેમડેસિવિર અને હેપરિન પર 5% GST લાગશે.
  • મસ્ક્યુલર એટ્રોફીના ઈલાજમાં કામ આવતી દવાઓ ઝોલગેન્સ્મા અને વિલ્ટેપ્સોને પણ GSTથી બહાર રાખવાનો નિર્ણય કરાયો છે. આ ડ્રગ્સની કિંમત 16 કરોડ રૂપિયા છે. આ છૂટ પર્સનલ યુઝ માટે આયાત થતી દવાઓ પર મળશે. અત્યારસુધી આ ડ્રગ્સ પર 12% GST લેવાતો હતો.
  • કેન્સરસંબંધી ડ્રગ્સ જેવી કે ટ્રુડા પર GSTના દર 12%થી ઘટાડીને 5% કરાયા છે. દિવ્યાંગોનાં વાહનો પર પણ GSTમાં ઘટાડો કરાયો છે.
  • લીઝ પર લેવા માટે વિમાનોની આયાત પર IGST નહીં લાગે. રેલવે પોર્ટ અને લોકોમોટિવ્સ પર GSTના દર 12%થી વધારીને 18% કરવામાં આવ્યા છે.
  • બાયોડીઝલ પર GSTના દર 12%થી ઘટાડીને 5% કરાયા છે.
  • માલગાડી પરમિટ પર પણ GST નહીં લાગે. તમામ પ્રકારની કલમ અને તેમના હિસ્સા પર 18% GST લાગશે.

GST અંતર્ગત આવ્યાં હોત તો પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તાં થયાં હોત
જો પેટ્રોલ અને ડીઝલ GSTના કાર્યક્ષેત્ર હેઠળ આવ્યાં હોત તો પેટ્રોલ લિટરદીઠ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સુધી સસ્તા થયાં હોત. વર્તમાન સમયમાં દેશનાં અનેક રાજ્યોમાં પેટ્રોલ લિટરદીઠ રૂપિયા 110 અને ડીઝલ લિટરદીઠ રૂપિયા 100 કિંમત પર પહોંચી ગઈ છે.

એક દેશ-એક ભાવ અંગે ચાલી રહ્યું છે મંથન
સરકારે એક દેશ-એક ભાવ અંતર્ગત પેટ્રોલ-ડીઝલ, નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલને GSTની સીમામાં લાવવા પર વિચાર કર્યો હતો.. આ મુદ્દે GST કાઉન્સિલની બેઠકમાં એની પર ચર્ચા થઈ. પણ એવી માહિતી મળી છે કે અનેક રાજ્યોએ ઈંધણને GST હેઠળ લાવવાનો વિરોધ કર્યો છે.

ફૂડ ડિલવરી એપ્સ પર 5% GST લગાવવાનો પ્રસ્તાવ
GST કાઉન્સિલની બેઠકમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સને રેસ્ટોરન્ટની જેમ માનવા અને તેમના દ્વારા કરવામાં આવેલી ડિલિવરી પર 5% GST લગાવવાનો નિર્ણય લેવામાં આવે એવી ચર્ચા હતી. આ સંજોગોમાં રેસ્ટોરન્ટની જગ્યાએ ડિલિવરી એપ્સે GST સરકારની પાસે જમા કરાવવાનો રહેશે. એનાથી ગ્રાહકો પર કોઈ અસર પડશે નહિ.

અન્ય સમાચારો પણ છે...