પઠાણકોટમાં આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો:શંકાસ્પદ બાઇક સવારે કેમ્પના ગેટ પર કર્યો ગ્રેનેડ હુમલો, CCTV દ્વારા ઓળખ કરવાની કવાયત ચાલુ; સમગ્ર પંજાબમાં એલર્ટ જાહેર

6 દિવસ પહેલા
  • અમૃતસર, જલંધર, ભટિંડા, ગુરદાસપુર અને અન્ય શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી

પંજાબના પઠાણકોટ જિલ્લામાં આર્મી કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. કેમ્પના ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ પઠાણકોટમાં હાઈ એલર્ટ છે. દરેક જગ્યાએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સાથે સમગ્ર પંજાબમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમૃતસર, જલંધર, ભટિંડા, ગુરદાસપુર અને અન્ય તમામ શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ શહેરોમાં પ્રવેશદ્વાર પર પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આર્મી કેમ્પના ગેટથી એક જાન નીકળી રહી હતી. તે જ સમયે એક મોટરસાઇકલ સવાર યુવક ત્યાંથી પસાર થયો. આ બાઇક સવાર પર ગ્રેનેડ ફેંકવાની શંકા છે. પઠાણકોટના એસએસપી સુરેન્દ્ર લાંબાએ કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે, સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પઠાણકોટની તમામ ચેકપોસ્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વિસ્ફોટ પછી ગ્રેનેડનો એક ભાગ જપ્ત કરવામાં આવ્યો છે.

બ્લાસ્ટ પછી ગ્રેનેડના ટુકડા થઈ ગયા હતા.
બ્લાસ્ટ પછી ગ્રેનેડના ટુકડા થઈ ગયા હતા.

પઠાણકોટમાં ધીરા પુલ પાસે આવેલા આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પાસે સોમવાર રાત્રે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થયા પછી એસએસપી ખુદ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બ્લાસ્ટ પછી પઠાણકોટ અને પંજાબની તમામ પોલીસને હાઈ અલર્ટ પર રખાઈ છે. આ ઉપરાંત પઠાણકોટ એરફોર્સ સ્ટેશન અને આર્મી કેમ્પ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઈ છે.

પઠાણકોટના એસએસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પઠાણકોટના એસએસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા.

એસએસપી સુરિંદર લાંબાએ જણાવ્યું હતું કે રાત્રે કેમ્પ સામેથી એક બાઈક પસાર થઈ હતી. એના પર સવાર લોકોએ ગેટ તરફ ગ્રેનેડ ફેંકી બ્લાસ્ટ કર્યો હતો. અધિકારીઓને સૂચના મળતાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો.

5 વર્ષ પહેલાં પઠાણકોટ એરબેઝ પર હુમલો થયો હતો
પઠાણકોટ વાયુ સેનાના એરબેઝ પર 2 જાન્યુઆરી 2016માં આતંકી હુમલો થયો હતો. ભારતીય સેનાના યુનિફોર્મમાં આવેલા બે આતંકવાદીએ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં 7 જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓ ભારત-પાકિસ્તાન બોર્ડર પર રાવી નદીના રસ્તેથી આવ્યા હતા. ભારતીય વિસ્તારમાં આવીને આતંકવાદીઓ ગાડીઓને હાઈજેક કરીને પઠાણકોટ એરબેઝ પર પહોંચ્યા હતા.

ફિરોઝપુરમાં ટિફિન-બોમ્બ મળ્યો હતો
બે દિવસ પહેલાં ફિરોઝપુરમાં સેખા ગામમાં ટિફિન-બોમ્બ મળ્યો હતો. બોમ્બને ટિફિનમાં બંધ કરીને જમીનમાં દાટી દેવાયો હતો. આ પહેલાં પંજાબમાં અડધો ડઝન ટિફિન-બોમ્બ અને ગ્રેનેડ મળી ચૂક્યા છે. પોલીસે આ પહેલાં ત્રણ એવી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં પૈસા માટે આંતકી પ્રવૃત્તિમાં લોકો સામે થયા હોય એવું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...