• Gujarati News
  • National
  • Grenade Attack On Bihar Laborers In Pulwama's Gadoora; 1 Killed, 2 Injured In The Attack

કાશ્મીરમાં બે મહિના બાદ ફરી ટાર્ગેટ કિલિંગ:પુલવામાના ગદૂરામાં બિહારના મજૂરો પર ગ્રેનેડ-અટેક; હુમલામાં 1નું મોત, 2 ઘાયલ

11 દિવસ પહેલા
  • કલમ 370ને લઈને હુમલો થયો હોય એવી આશંકા

પુલવામાના ગદૂરા ગામના એક વિસ્તારમાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડથી એટેક કર્યો હતો. આ ઘટનામાં બિહારના રહેવાસી એક મજૂરનું મૃત્યુ થયું છે, જ્યારે બે મજૂરો ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ વિસ્તારમાં નાકાબંધી કરી છે. મરનારની ઓળખાણ બિહારના પરસાના મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે. બિહારના રામપુરના પિતા-પુત્ર મોહમ્મદ આરિફ અને મોહમ્મદ મઝબૂલ ઘાયલ થયા છે. હાલ બન્નેની હાલત સ્થિર છે.

ટેંટ હાઉસમાં કામ કરતા હતા મજૂરો
આતંકવાદીઓએ જે મજૂરો પર હુમલો કર્યો હતો તેઓ ગદૂરા ગામના ટેંટ હાઉસમાં કામ કરતા હતા. હુમલો થયો એ વખતે તેઓ ખાટલો બનાવતા હતા. છેલ્લા બે મહિનાથી ઘાટીમાં આતંકીઓનું એન્કાઉન્ટર થઈ રહ્યું છે, જેના લીધે પાછલા બે મહિનાથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બંધ થઈ હતી. ગુરુવારે રાત્રે આ હુમલો થતાં એકવાર આતંકવાદીઓ ફરી સક્રિય થયા છે.

આ અગાઉ બુધવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના અલોચીબાગ બાંધ એર્યામાં આતંકવાદીઓએ પોલીસની ગાડીઓ પર ગોળીઓ વરસાવી હતી. સદનસીબે આ હુમલામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.

એપ્રિલમાં પણ મજૂરો પર થયો હતો હુમલો
આ પહેલાં એપ્રિલમાં આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના લાઝુરોમાં બિહારના બે લોકો પર ગોળીઓ વરસાવી હતી, જેમાં બન્ને મજૂર ઘાયલ થયા હતા. બન્ને મજૂરની ઓળખાણ ચૌતરવા જિલ્લાના સિકટૌર ગામના 46 વર્ષના જોખુ ચૌધરી અને તેમના 23 વર્ષીય પુત્ર પત્લેશ્વર ચૌધરી તરીકે થઈ હતી.

કલમ 370ને લઈને હુમલો થયો હોય એવી આશંકા
5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી, જેને 3 વર્ષ પૂર્ણ થયાં છે. તેવામાં નોન-કાશ્મીરીઓ પર હુમલો થયો હોય એવી અત્યારે આશંકા કરવામાં આવી રહી છે. ત્યારે ગુરુવારે IBએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે જૌશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ- તૈયબા જેવાં આતંકી સંગઠનો કોઈપણ પ્રકારના હુમલાને અંજામ આપી શકે છે.

IBએ 15 ઑગસ્ટને ધ્યાને લઈને એલર્ટ બહાર પાડ્યું છે, સાથે જ દિલ્હી પોલીસને 10 પાનાંનો રિપોર્ટ પણ સોંપ્યો છે, જેમાં સ્વતંત્રતા દિવસે આતંકી હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે.