ભાસ્કર એક્સક્લુઝિવ:લીલુડી ધરતી, સારા વરસાદથી ભૂજળ સ્તર વધ્યું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીલુડી ધરતી, સારા વરસાદથી ભૂજળ સ્તર વધ્યું
  • જોકે, રાજસ્થાન, પંજાબ સહિત છ રાજ્યમાં ભૂજળ સ્તર હજુ ઓછું

આ વખતે વરસાદથી દેશભરમાં ભૂગર્ભ જળ સ્તર વધ્યું છે. આ વખતના ચોમાસામાં ભૂગર્ભ જળમાં પાછલા વર્ષોની સરખામણીમાં ઘણો વધારો થયો છે. દેશભરમાં 437.6 અબજ ઘન મીટર ભૂજળ રિચાર્જ થયું છે. તેમાં 239.16 અબજ ઘન મીટર એટલે કે 61% પાણી જમીનથી સિંચાઈ, પીવાનું પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે નીકાળવામાં આવશે.

આ વાત ડાયનેમિક ગ્રાઉન્ડ વૉટર રિસોર્સ એસેસમેન્ટ ઓફ ઈન્ડિયા 2022ના રિપોર્ટમાં જાણવા મળી છે. ભૂજળ 2004, 2009, 2011, 2013, 2017 અને 2020માં પણ વધ્યું હતું, પરંતુ જો 2013ને છોડી દઈએ તો આ વર્ષે સૌથી વધુ ભૂજળ રિચાર્જ થયું છે. જોકે, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખાસ કોઈ સુધારો નથી થયો. આ રાજ્યો હજુ ક્રિટિકલ એટલે કે ઓછા ભૂજળની શ્રેણીમાં જ છે.

પાણી જમા થયું તેનાથી વધુ નીકાળ્યું, એટલે સ્થિતિ બગડીઃ હરિયાણા, પંજાબ, રાજસ્થાન એ રાજ્યોમાં સામેલ છે, જ્યાં વર્ષે જેટલું ભૂજળ જમા થાય છે, તેનાથી અનેકગણું બહાર કઢાય છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ચંડીગઢ પણ 60થી 100% ભૂજળનું દોહન કરે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ, ઉત્તરાખંડ, ઓડિશા, પ. બંગાળ, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યો રિચાર્જ ભૂજળની તુલનામાં 60% ઓછું પાણી કાઢે છે. આ સ્થિતિ આદર્શ પણ મનાય છે કારણ કે, તેનાથી 40% પાણી પેટાળમાં જમા રહે છે.

ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં જળસ્તર ચાર મીટર ઊંડું ગયું
ગુજરાત-રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં જળસ્તર ચાર મીટર ઊંડું થઈ ગયું છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભૂજળ સ્તર દેશના અન્ય વિસ્તારોથી નીચે છે. આ ઊંડાણ પાંચથી વીસ મીટર છે. જેમ કે, રાજસ્થાનના જોધપુર જિલ્લાના ખારામાં ભૂજળ સ્તર 130.77 મીટર સુધી નીચે ગયું છે. નોંધનીય છે કે, દેશમાં કુવા થકી સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ ભૂજળની સ્થિતિની દેખરેખ રાખે છે. આ માટે તેઓ વર્ષે ચાર વાર આંકડા ભેગા કરે છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, મ. પ્ર. સહિત 12 રાજ્યમાં 10 મીટરે જ પાણી
સારા વરસાદને પગલે 12 રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં 5થી 10 મીટરે જ પાણી મળે છે. તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટક છે. તટીય રાજ્યો અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં તો બે મીટરની ઊંડાઈએ પાણી મળે છે.

અન્ય સમાચારો પણ છે...