• Gujarati News
  • National
  • Governor Dhankhar Says Such Incidents Are A Disgrace To Democracy, Mamata Banerjee Should Abide By The Constitution

બંગાળમાં વિવાદ:કેન્દ્રએ પશ્ચિમ બંગાળના DGP, CSને બોલાવ્યા; રાજ્યની ‘ના’; ભાજપ પ્રમુખ નડ્ડાના કાફલા પર હુમલાના કેસમાં 7ની ધરપકડ

નવી દિલ્હી, કોલકાતાએક વર્ષ પહેલા

પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાના કાફલા પર હુમલાના એક દિવસ પછી શુક્રવારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કેન્દ્ર સરકારે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા છે. આ બંને અધિકારીઓએ 14 ડિસેમ્બરે ગૃહમંત્રાલય સમક્ષ હાજર થવાનું છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે આ બંને અધિકારીઓને દિલ્હી નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાને પત્ર લખીને જણાવ્યું છે કે તેમને દિલ્હી નહીં જવાનો આદેશ મળ્યો છે.

હુમલા મામલે 7ની ધરપકડ
નડ્ડાના કાફલા પર હુમલા અંગે રાજ્ય સરકારે કરેલી કાર્યવાહીની વિગત આપતા બંદોપાધ્યાયે કહ્યું છે કે રાજ્ય સરકાર આ અંગે ગંભીરતાથી કાર્યવાહી કરી રહી છે. પોલીસે 24 પરગણા જિલ્લાના બે સ્થળેથી 7 વ્યક્તિની ધરપકડ કરી છે. દરમિયાનમાં ટીએમસીના સાંસદ સૌગત રોય અને કલ્યાણ બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે નડ્ડાની રેલીમાં હથિયાર લઈને ગુડ્ડા અને ગુનેગારો સામેલ હતા. જાણી જોઈને હિંસા ફેલાવાય છે.

મુખ્યમંત્રીએ આગ સાથે ન રમવું જોઈએઃ રાજ્યપાલ
આ અગાઉ રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહમંત્રાલયને એક રિપોર્ટ મોકલ્યો હતો. નડ્ડાના પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂકને કારણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો પરંતુ રાજ્ય સરકારે હજુ સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી. રાજ્યપાલ ધનખડે પત્રકાર પરિષદ યોજીને રાજ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ આગ સાથે રમવું જોઈએ નહીં.

એક્સપર્ટ વ્યૂહઃ ભારતના પૂર્વ ગૃહસચિવ જી.કે. પિલ્લાઈ
ડીજીપી, સીએસએ ક્યાં જવું તે રાજ્ય સરકારની મરજી પર નિર્ભર
કેન્દ્ર રાજ્યના ડીજીપીએ સીએસને બોલાવી શકે છે પરંતુ આ હુકમનું પાલન કરવાનું રાજ્ય સરકારના વિવેક પર નિર્ભર કરે છે. રાજ્ય સરકારના નિર્ણય વિના તેઓ રાજ્ય બહાર જઈ શકતા નથી. કેન્દ્ર આ અંગે શું પગલાં ભરી શકે છે તે સવાલ બહુ કઠિન છે. આવું પહેલીવાર નથી થયું. કેન્દ્રના આદેશનું પાલન કરવાના ઇનકારનો નિર્ણય આ અધિકારીઓનો પોતાનો નથી એટલે તેમની સામે શું પગલાં ભરવા તે પ્રશ્ન છે. આ વહીવટી મામલો છે.

રાજ્યપાલે કહ્યું- મમતાએ માફી માગવી જોઈએ
ધનખરે વધુમાં કહ્યું હતું, મને આશા છે કે મમતા બેનર્જી મારી વાત પર ધ્યાન આપશે. તેઓ ભટકશે તો મારી જવાબદારી શરૂ થઈ જશે. મુખ્યમંત્રી મમતાએ ગઈકાલની ઘટનાને લઈને માફી માગવી જોઈએ. લોકો ગઈકાલે બેફામ રીતે રસ્તા પર ઊતરી આવ્યા હતા. બંગાળ પોલીસ પણ સરકારની કઠપૂતળી બની ગઈ છે. મેં તમામ ઉચ્ચ અધિકારીઓ, DGP અને મુખ્ય સચિવ પાસેથી માહિતી લીધી છે. કોણ અંદર છે, કોણ બહાર છે, મમતાએ આ બાબતથી દૂર રહેવું જોઈએ. અમે બંગાળમાં શાંતિ ઈચ્છીએ છીએ.

ગૃહ મંત્રાલયે DGP, મુખ્ય સચિવની બદલી કરી છે
ગૃહ મંત્રાલયે આ મામલે રિપોર્ટ માગ્યો હતો. ન્યૂઝ એજન્સીનાં સૂત્રો મુજબ, પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાને લઈને રાજ્યપાલ જગદીપ ધનખરનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને મળ્યો છે. ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના DGP અને મુખ્ય સચિવને 14 ડિસેમ્બરથી બદલી કરી છે.

મમતાએ ટીકા કરતાં કહ્યું- ક્યારેક ચડ્ડા, ક્યારેક નડ્ડા ખેલ કરાવે છે
ગુરુવારની ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીકા કરતાં કહ્યું હતું કે અહીં ક્યારેક ગૃહમંત્રી આવે છે, તો ક્યારેક ચડ્ડા, નડ્ડા, ફડ્ડા અને ભડ્ડા. જ્યારે તેમને ઓડિયન્સ મળતું નથી ત્યારે તેઓ પોતાના કાર્યકારો પાસે ખેલ કરાવે છે.

નડ્ડાએ કહ્યું- મમતાના નિવેદનથી તેમના સંસ્કાર કેવા છે એ ખબર પડે છે
મમતાના નિવેદન સામે વળતો પ્રહાર કરતાં નડ્ડાએ કહ્યું, 'મને જાણવા મળ્યું છે કે તેમણે મારા માટે ઘણી સંજ્ઞાઓ આપી છે. એનાથી તેમના સંસ્કાર બાબતની ખબર પડે છે. આ બંગાળની સંસ્કૃતિ નથી. અમારા વડાપ્રધાન કહે છે કે બંગાળની ભાષા સુંદર છે, બંગાળની સંસ્કૃતિ સૌથી સુંદર છે. મમતાજી જે પરિભાષા વાપરે છે એ સૂચવે છે કે તેમણે બંગાળને સમજ્યું જ નથી. બંગાળ આપના સૌનું છે.

ડાયમંડ હાર્બર શહેર જઈ રહ્યા હતા નડ્ડા
પથ્થરમારો ત્યારે થયો હતો, જ્યારે નડ્ડા કોલકાતાથી 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર શહેર તરફ જઈ રહ્યા હતા. ડાયમંડ હાર્બર મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીનો સંસદીય મતવિસ્તાર છે. પ્રદર્શનકારોએ રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય પણ ઘાયલ થયા હતા. સુરક્ષામાં બેદરકારી અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલયે મમતા બેનર્જી સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે.

વિજયવર્ગીયએ કહ્યું - હુમલા વિશેની માહિતી અમને રાત્રે જ મળી ગઈ હતી
હુમલા બાદ દૈનિક ભાસ્કરે કૈલાસ વિજયવર્ગીય સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બંગાળની સંસ્કૃતિમાં કોઈ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત આ રીતે નથી થતું. ભાજપને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં પણ અમારી ગાડી પર હુમલો થયો હતો. હુમલા વિશેની માહિતી અમને રાત્રે જ મળી ગઈ હતી.

વિજયવર્ગીયે વધુમાં કહ્યું હતું કે અમે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ટ્વીટ અને ઈ-મેલ પણ કર્યાં છે. ગૃહ સચિવ સાથે વાત કરી. તેમણે આ મુદ્દે બંગાળના ડીજી સાથે પણ ચર્ચા કરી હતી. તેમને ભરોસો આપ્યો હતો કે આવી ઘટના પરી નહીં બને. આ બધું હોવા છતાં આવું થવું નિંદાકારક છે.

નડ્ડાએ TMC સરકારને જોખમી ગણાવી હતી
પત્રકાર પરિષદ દરમિયાન નડ્ડાએ મમતા સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અરાજકતા, અસહિષ્ણુતા અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજકીય ચર્ચા માટે કોઈ સ્થાન નથી. બંગાળ તેના વિચારોના આદાન-પ્રદાન માટે જાણીતું છે, જેણે દેશ અને વિશ્વને દૃષ્ટિ આપી છે. જ્યાં વિવેકાનંદ અને રવીન્દ્રનાથ ટાગોરે તેમના વિચારોથી દુનિયા જીતી લીધી છે, પરંતુ મમતા બેનર્જી જે રીતે સરકાર ચલાવી રહ્યાં છે એ જોખમી છે.

બંગાળમાં વહીવટ નામની કોઈ ચીજ નથી: નડ્ડા
તેમણે વધુમાં કહ્યું, આજે અમારાં 8 બાળક ઘાયલ છે, ભાજપ આખી જિંદગી તેમની સાથે ઊભું રહેશે. મારા બુલેટપ્રૂફ વાહન પર જે અસરો આવી છે એ તમે જોઈ શકો છો. કૈલાસજીનો ડાબો હાથ ફ્રેકચર થયો છે. ત્યાં મુકુલ રોય હતા, તે પણ બચ્યા નથી. અહીં વહીવટ જેવું કંઈ છે જ નહીં. રાજકીય દ્વેષથી કામ ચાલી રહ્યું છે. શું આપણે આવા બંગાળની કલ્પના કરીએ છીએ? શું આ રવીન્દ્રનાથનું બંગાળ છે?

શું આ શ્યામાપ્રસાદ મુખર્જીનું બંગાળ છે? જેમણે બંગાળને વિભાજિત થવાથી બચાવ્યું છે. શું આ જ પ્રકારની કલ્પના મમતાજીની સરકાર દ્વારા કરવામાં આવી રહી છે કે અહીં કોઈ ચર્ચા થશે નહીં.

આજે જ રવીન્દ્રનાથ ટાગોરને નોબલ પુરસ્કાર મળ્યો હતો
તેમણે કહ્યું હતું કે અમારા એક-એક કાર્યકર બંગાળની દરેક વિધાનસભામાં જશે અને કમળને ખિલાવશે અને અમારી વિચારધારાને આગળ ધપાવશે. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે 1930માં રવીન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિનો નોબલ પુરસ્કાર આજે જ મળ્યો હતો. તેમણે ગીતાંજલિમાં કહ્યું છે કે જ્યારે માથું ઊંચું હોય અને વિચારોથી કોઈ ડરતા ન હોય ત્યારે એ સૌથી શ્રેષ્ઠ સ્થિતિ હોય છે.

મમતાને હિન્દુત્વને યાદ આવી રહ્યું
નડ્ડાએ કહ્યું, આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ પણ છે. આજે મને બંગાળમાં જે જોવા મળ્યું, હું વિદ્યાર્થી આંદોલનમાંથી બહાર આવ્યો છું, હું આ બધું જોઈને આવ્યો છું. અમે લોકો આ બધું જોઈને અટકાવના નથી. આજે જ્યારે અમે આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મને કહેવામાં આવ્યું કે મમતાએ કહ્યું કે હું વિવેકાનંદના હિન્દુત્વમાં વિશ્વાસ કરું છું, પરંતુ તેના શબ્દો કહે છે કે તેઓ વાંચે ઓછું છે.

ચૂંટણીમાં ભાજપ 200 બેઠક પર વિજય મેળવશે
તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં લોકો મમતાજીને નમસ્કાર કહેવા જઇ રહ્યા છે. બંગાળમાં કમળ ખીલશે, અમે 200 બેઠક જીતીશું. હું 100 લોકોનું તર્પણ કરી ચૂક્યો છું, તમામ પરિવારના સભ્યો ત્યાં હાજર હતા. જે સંજોગોમાં રાજકીય હત્યા કરવામાં આવી એ પછી, બંગાળના લોકો તેમને ક્યારેય માફ નહીં કરે. બંગાળના લોકોએ જ્યારે પસંદગીયુક્ત હોય ત્યારે નિર્ણય લેવો પડે છે, જો પ્રતિનિધિ જ સુરક્ષિત ન હોય તો સામાન્ય માણસનું શું થશે.

મમતા સરકાર સામે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપો
નડ્ડાએ કહ્યું હતું કે એવી સરકારની રચના થવી જોઈએ, જેમાં દરેકનો વિશ્વાસ, દરેકનો સાથ હોય, હું બંગાળની જનતાને આ વિનંતી કરવા માગું છું. અહીં લૂંટફાટ થઈ રહી છે. આ બધું મમતાજીના સીધા રક્ષણ હેઠળ થઈ રહ્યું છે. કોલસા અને રેતીમાં લૂંટનો દોર ચાલુ છે. અંતિમસંસ્કારમાં પણ પૈસાની લૂંટ કરવામાં આવી રહી છે.

કોવિડમાં મમતાનો અણધડ વહીવટ ઉજાગર થયો
તેમણે વધુમાં કહ્યું હતું, દેશમાં કોવિડની ટ્રેજેડી થઈ. આ દરમિયાન મોદીને મેનેજરના રૂપમાં લોકોએ ઓળખ્યા અને મમતાને અણધડ વહીવટના રૂપે ઓળખ્યાં. કેન્દ્રીય ટીમને કોલકાતાની હોસ્પિટલની મુલાકાત ન લેવા દેવામાં આવી. રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે અહીં રાશનમાં ચોરી થઈ હતી. હાઈકોર્ટે સીએસીથી ઓડિટ કરાવ્યું. મુખ્યમંત્રીને આટલો ડર કેમ છે કે તેઓ આ નિર્ણય સામે સુપ્રીમમાં કેમ ગયાં. આ જનતાનાં નાણાં છે, એનો કોઈ હિસાબ-કિતાબ નથી. જે નાણાં મળ્યાં એ ટીએમસીના કાર્યકરોનાં ખાતાંમાં મળી આવ્યાં.

TMCને લોકો નકારી દેશે
તેમણે કહ્યું હતું, જો હું બિહારની ચૂંટણીની વાત કરું તો એ કહેવા માગું છું કે હવે બિહારની ચૂંટણી હોય કે કર્ણાટકની, યુપીની હોય કે મધ્યપ્રદેશની ચૂંટણી હોય, દરેક જગ્યાએ પરિવારની પાર્ટીઓને લોકોએ જાકારો આપ્યો છે અને ભાજપને સપોર્ટ કર્યો છે. આવું જ બંગાળમાં પણ થશે. અહીં પણ પરિવારની પાર્ટીને લોકો જાકારો આપશે. લોકો મોદીજીને સપોર્ટ કરશે. આ મમતાજી જે શબ્દોનો પ્રયોગ કરે છે એનો પ્રભાવ છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે અમે ડબલ એન્જિનની સરકાર બનાવીશું.

કૃષિમંત્રીએ પણ બંગાળની વાત કરવાની શરૂ કરી હતી
એ જ સમયે, ખેડૂત આંદોલન અંગે પ્રેસ-કોન્ફરન્સ માટે આવેલા કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે પશ્ચિમ બંગાળમાં જે.પી. નડ્ડાના કાફલા પર થયેલા હુમલા વિશે વાત શરૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે બંગાળમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ બંગાળના પ્રવાસ પર ગયા છે. કાર્યક્રમની જાહેરાત પહેલેથી જ થઈ ચૂકી છે. આ કાર્યક્રમ બંગાળ સરકારના ધ્યાનમાં પણ હતો.એમ છતાં જે પ્રકારની સુરક્ષા જરૂરી હતી એ મળી નહીં. આજે તેમના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

મમતા સરકાર અવગણના કરી રહી છે- તોમર
તોમરે વધુમાં કહ્યું હતું, ત્યાં અમારા મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી ધ્યાનમાં આવી રહ્યું છે કે બંગાળમાં હિંસક ઘટનાઓ વધી રહી છે. સામાન્ય રીતે મતભેદો હોય છે, પરંતુ આવી ઘટનાઓ જોવા મળતી ન હતી.

પથ્થરમારામાં ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની કારના કાચ તૂટી ગયા.
પથ્થરમારામાં ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની કારના કાચ તૂટી ગયા.

કૈલાસ વિજયવર્ગીય ઘાયલ થયા હતા
ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની ગાડી પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. એક મોટો પથ્થર તેમની ગાડીના કાંચને તોડીને અંદર વાગ્યો હતો. વિજયવર્ગીયે કહ્યું હતું કે આ હુમલામાંતેઓ ઘાયલ થયા છે, પોલીસની હાજરીમાં ગુંડાઓએ તેમની પર હુમલો કર્યો. નડ્ડાએ પણ કહ્યું કે કૈલાસ વિજયવર્ગીય અને મુકુલ રોય બંને ઘાયલ થયા હતા.

નડ્ડાએ કહ્યું, માતા દુર્ગાની કૃપાથી બચ્યા
નડ્ડાએ ડાયમંડ હાર્બર પહોંચ્યા પછી પાર્ટી કાર્યકર્તાઓ સાથેની મીટિંગમાં કહ્યું હતું કે પશ્વિમ બંગાળમાં કાયદો વ્યવસ્થા નથી રહી અને હવે આ ઇન્ટોલરન્સવાળું રાજ્ય બની ગયું છે. માતા દુર્ગાની કૃપાથીહું અહીં સુધી પહોંચી શક્યો છું. મમતા બેનર્જી સરકારના હવે ગણતરીના દિવસો જ બચ્યા છે. અમે આ ગુંડારાજને હરાવીશું.

બંગાળ ભાજપના અધ્યક્ષે અમિત શાહને પત્ર લખ્યો

પશ્વિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે રાજ્ય સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે બુધવારે નડ્ડાના કાર્યક્રમમાં પોલીસ હાજર ન હતી. રાજ્ય સરકાર તરફથી નડ્ડાની સુરક્ષામાં ચૂક થઈ છે.

બંગાળ ભાજપના મુકુલ રોયે કહ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તત્કાળ રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવે. અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે કેન્દ્ર સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે.