વિવાદાસ્પદ એડ:‘રેપ જોક’ કરતી વિવાદિત એડ હટાવવાનો સરકારનો આદેશ

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેયર્સ શૉટ બોડી સ્પ્રેની એડના વિરોધ પછી લેવાયેલો નિર્ણય

લેયર્સ શૉટ બોડી સ્પ્રેની વિવાદાસ્પદ એડ સામે સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થતાં કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. સરકારે આદેશ કર્યો છે કે, ટિ્વટર અને યુ-ટ્યૂબ પરથી પણ આ એડ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટિ્વટ કરીને કહ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે એક બોડી સ્પ્રેની અયોગ્ય અને અપમાનજનક એડ સોશિયલ મીડિયામાં પ્રસારિત કરાઈ રહી છે. આ એડ ટિ્વટર અને યુ-ટ્યૂબ પરથી તાત્કાલિક હટાવી લેવાનો આદેશ કરાયો છે.

આ પહેલાં એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એએસસીઆઈ)એ પણ ટિ્વટ કરીને કહ્યું હતું કે, આ એડ કોડ ઓફ કન્ડક્ટનું ગંભીર ઉલ્લંઘન છે અને જાહેર હિતની વિરુદ્ધ છે. આ મુદ્દે અનેક યુઝર્સે ટિ્વટર પર એએસસીઆઈને ટેગ કરીને માંગ કરી છે કે, આ એડ હટાવવામાં આવે. તેમને ધન્યવાદ. અમે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને જાહેરાત આપનારાને તે અટકાવી દેવાનો આદેશ કર્યો છે.

આ કેસમાં તપાસ પણ ચાલુ છે. લેયર્સ બોડી સ્પ્રેની એડ પર રેપ કલ્ચરને પ્રોત્સાહિત કરવાનો આરોપ છે. એટલે લોકોએ સોશિયલ મીડિયા પર કંપનીને જોરદાર ટ્રોલ કરી હતી. જે એડને લઈને કંપનીને સોશિયલ મીડિયામાં ફિટકાર લગાવાઈ રહી છે તેમાં દર્શાવાયું છે કે, ચાર યુવક વાત કરી રહ્યા છે. તેઓ સ્પ્રેની છેલ્લી બચેલી બોટલ જુએ છે અને પરસ્પર ચર્ચા કરીને કહે છે કે આપણે ચાર છીએ અને તે ફક્ત એક જ છે, તો શૉટ કોણ લેશે.

આ ચારેયની વાતચીતમાં બોડી સ્પ્રેની સાથે એક યુવતીને પણ બતાવાઈ છે. તે યુવતી પણ પાછળ જોઈને તે ચારેય યુવકો પર ગુસ્સો કરે છે કારણ કે તેને લાગે છે કે યુવકો તેના વિશે વાત કરી રહ્યા છે.

લેયર્સ શૉટની બીજી એક એડ પણ બેડરૂમમાં એક કપલને દર્શાવે છે. ત્યાં યુવકના ચાર મિત્રો પણ ઘૂસે છે અને પછી ભદ્દી રીતે કહે છે કે, શૉટ માર્યો? હવે અમારો વારો. જોકે, આ એડ જોયા પછી માલુમ પડે છે કે, તેઓ રૂમમાં રાખેલી બોડી સ્પ્રેની બોટલની વાત કરતા હતા.

આ બંને એડ્સ સોશિયલ મીડિયામાં પ્રસારિત થતાં જ યુઝર્સે તેનો જોરદાર વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. અનેક યુઝર્સે લખ્યું હતું કે, આ પ્રકારની ભદ્દી એડ આપણે કેવી રીતે સ્વીકારી શકીએ? આ વિકૃત એડ છે, જે સામૂહિક બળાત્કારને પ્રોત્સાહન આપે છે. આવી એડ મંજૂર ના કરવી જોઈએ.

મહિલા પંચે પણ દિલ્હીમાં FIR નોંધાવી
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું છે કે લેયર્સ શૉટ ડિઓડ્રન્ટની એડ દેશમાં બળાત્કારની માનસિકતાને સ્પષ્ટ રીતે પ્રોત્સાહન આપે છે. અમે દિલ્હી પોલીસ સમક્ષ એફઆઈઆર નોંધાવીને એક નોટિસ જારી કરી છે. અમારી માંગ છે કે, આ એડ તમામ પ્લેટફોર્મ પરથી તાત્કાલિક ધોરણે હટાવી દેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...