મેડિકલક્ષેત્રે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સરકારે આજે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે. એમાં પછાત જાતિ (OBC) અને આર્થિક રીતે નબળા (EWS) માટે અનામતની જાહેરાત કરી છે. સરકારે ઓબીસીને 27% અને આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામત આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 2021-22ના સત્રથી જ લાગુ કરવામાં આવશે.
દર વર્ષે ઓલ ઈન્ડિયા કોટા સ્કીમ (AIQ) અંતર્ગત MBBS, MS, BDS, MDS, ડેન્ટલ, મેડિકલ અને ડિપ્લોમામાં 5,550 કેન્ડિડેટને એનો ફાયદો મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશે 26 જુલાઈએ બેઠક કરી હતી અને તેમણે પહેલાં પણ આ વિશે અનામત આપવાની વાત કરી હતી. 26 જુલાઈએ થયેલી મીટિંગના 3 દિવસ પછી સરકારે આ નિર્ણય લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં પછાત અને આર્થિક નબળા વર્ગના વિકાસ માટે તેમને અનામત આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
પહેલાં માત્ર SC-STને મળતું હતું અનામત
આ પહેલાં મેડિકલ કોર્સમાં એડ્મિશન માટે ઓલ ઈન્ડિયા કોટામાં માત્ર SC-STને જ અનામત આપવામાં આવતું હતું. ત્યાર પછી ઓબીસી સાંસદોએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે બંધારણ અંતર્ગત OBC અને EWS માટે અનામતની જે વ્યવસ્થા બનાવવામાં આવી છે એને મેડિકલના એડમિશન સાથે જોડાયેલા ઓલ ઈન્ડિયા કોટામાં પણ લાગુ કરવામાં આવે.
ઘણાં સમયથી કરાઈ હતી અનામતની માંગ
મેડિકલ એડમિશનની ઓલ ઈન્ડિયા કોટાની સીટોમાં ઓબીસીને અનામત આપવાની માંગણી ઘણાં સમયથી કરવામાં આવતી હતી. આ મુદ્દે કેન્દ્રીય શ્રમ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય સ્ટીલ મંત્રી આરસીપી સિંહના નેતૃત્વમાં અનુપ્રિયા પટેલ અને અન્ય ઓબીસી સાંસદો અને મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ કેન્દ્નીય મંત્રીઓએ સરકારનું ધ્યાન અનામતની જોગવાઈ તરફ ખેંચ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.