કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે અખાત્રીજે સોનાબજારની રોનક પાછી ફરવાની શક્યતા છે. એક દિવસમાં દેશભરમાં 15 હજાર ટન સોનું વેચાશે એવી શક્યતા છે. જે પ્રી-કોવિડની તુલનામાં દોઢ ગણું વધારે છે. વજનમાં સોનાનું વેચાણ પ્રી-કોવિડની તુલનામાં 23 ટકા વધુ થવાની શક્યતા છે. ગત બે વર્ષમાં કોરોનાકાળ, લૉકડાઉનને કારણે અક્ષય તૃતીયાએ સોનાનું વેચાણ એકથી 2 ટન સુધી મર્યાદિત રહ્યું હતું.
ગુજરાતમાં સોના-ચાંદીનું અખાત્રીજનું સરેરાશ રૂ.250 કરોડનું વેચાણ થાય તેવો આશાવાદ છે. સોનું રેકોર્ડ પ્રતિ 10 ગ્રામ 58,500ની તુલનાએ સરેરાશ રૂ.5500 નીચું ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે હજુ રોકાણકારોમાં ખરીદીનો ટ્રેન્ડ જળવાશે. છેલ્લા દોઢેક માસમાં સોનાની કિંમત સરેરાશ રૂ.2000થી વધુ ઘટી અત્યારે રૂ.53,000 અંદર ક્વોટ થઇ રહી છે. જ્યારે ચાંદી ઘટીને 64,000 બોલાઇ રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સીઇઓ પી.આર. સોમસુંદરના જણાવ્યા પ્રમાણે બે વર્ષ પછી અખાત્રીજે શરાફ બજારનો કારોબાર સારો થવાની આશા છે. અખાત્રીજે દેશમાં 20થી 25 ટન સોનું વેચાતું હોય છે પણ આ વર્ષે વેચાણ 30 ટનને આંબી જવાની શક્યતા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ ભાસ્કરને જણાવ્યું હતું કે આ વર્ષે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ સારું છે. ભાવ વધવાને કારણે વેચાણને અસર થવાની શક્યતા નહીવત્ છે.
ફેડ વ્યાજ વધારશે તો સોનું $ 1,750 થઇ શકે
ફેડરલ રિઝર્વ ચાલુ વર્ષ દરમિયાન વ્યાજદર વધારો જાળવી રાખશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટી 1,750 ડોલર સુધી આવી શકે છે. જોકે, 1,850 ડોલરનો મજબૂત સપોર્ટ છે તે તૂટે તો જ મંદી સમજવી. સ્થાનિકમાં સોનું 51,000 સુધી પહોંચી શકે. ભાવ છેલ્લા કેટલાક સમયથી ઘટતા ફરી રોકાણકારોની ડિમાન્ડ આવી રહી છે. > અશોક ચોક્સી, બી,ડી, ચોક્સી જ્વેલર્સ.
ઘડામણ પર 5-50 ટકા સુધી ડિસ્કાઉન્ટ
અખાત્રીજના દિવસે સોના-ચાંદીના વેચાણને વેગ આપવા માટે જ્વેલર્સ દ્વારા ઘડામણ પર સરેરાશ 5થી 50 ટકા સુધી ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. ભાવ છેલ્લા કેટલાક સમયથી ઘટ્યા છે પરંતુ મોંઘવારીના કારણે ગત વર્ષની તુલનાએ આ વર્ષે વેચાણ જળવાઇ રહે તેવો આશાવાદ છે. > જીગર સોની, પ્રમુખ, જ્વેલર્સ એસોસિયેશન અમદાવાદ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.