તૈયારી:GM પાકોને મંજૂરી નહીં પણ GM ફૂડ ખવડાવવાની તૈયારી

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એફએસએસએઆઇએ ફરી ડ્રાફ્ટ બનાવ્યો

દેશમાં ભલે બીટી કોટનને છોડીને કોઇ અન્ય આનુવંશિક રીતે સંશોધિત (જેનેટિકલી મોડિફાઇડ) પાકને મંજૂરી નથી મળી, પરંતુ સંભવ છે કે આગામી દિવસોમાં જીએમ પાકનો માર્ગ મોકળો થઇ શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ તેના માટે ડ્રાફ્ટ બનાવ્યો છે. ગત વર્ષે 17 નવેમ્બરના રોજ ડ્રાફ્ટ જારી કરાયો હતો પરંતુ લોકોના વિરોધ તેમજ ડ્રાફ્ટમાં ક્ષતિઓને કારણે તેને પરત લેવો પડ્યો હતો.

જોકે, સામાજિક કાર્યકરો તેમજ વિજ્ઞાનીઓનો એક વર્ગ તેનો સતત વિરોધ કરે છે. નવા ડ્રાફ્ટમાં જીએમ ફૂડને શરતોની સાથે અનુમતિ આપવાની વાત છે. FSSAI ખાદ્યપદાર્થોના સુરક્ષા માનકો પર મૂલ્યાંકન બાદ જ તેના વેચાણના મંજૂરી પર નિર્ણય આપશે. ભારતમાં બીટી કોટનની શરૂઆત 2002થી થઇ. ત્યાર બાદ 2009-10માં બીટી રીંગણ અને 2014-15માં જીએમ સરસવ લાવવાનો પ્રયાસ કરાયો. જોકે, ભારે વિરોધને કારણે તેને મંજૂરી ના મળી શકી. અત્યારે દેશમાં માત્ર બીટી કોટનની જ ખેતી થાય છે. કપાસની કુલ ખેતીમાં તેનો હિસ્સો અંદાજે 90 ટકા છે.

અમેરિકામાં જીએમ પાકોની ખેતી સૌથી વધારે: અમેરિકામાં 7.15 કરોડ હેક્ટર, બ્રાઝિલમાં 5.28 કરોડ, આર્જેન્ટિનામાં 2.4 કરોડ, કેનેડામાં 1.25 કરોડ અને ભારતમાં 1.19 કરોડ હેક્ટરમાં જીએમ પાકોની ખેતી થઇ રહી છે. ભારતમાં બીટી કોટન જ્યારે અન્ય દેશોમાં મકાઇ, સોયાબીન, બીટનો કંદ, બટાકા, પપૈયા અને સફરજનની ખેતી થઇ રહી છે.

વિશ્વના 72થી વધુ દેશોમાં જીએમ ફૂડ અર્થાત્ જીએમ પાકોને અનુમતિ મળી છે. આ 72 દેશોમાં યુરોપિયન યુનિયનના 26 દેશોને એક દેશ માનવામાં આવ્યા છે. વિશ્વભરમાં 4485 પ્રકારની જીએમ પાકની ખેતી અને ફૂડ પ્રોડક્ટ્સ બનાવાય છે.

તર્ક... નિયમન ના હોવાથી ચોરી-છૂપીથી જીએમ ફૂડનું વેચાણ થાય છે, જેમને રેગ્યુલેટ કરવાની તૈયારી
ડ્રાફ્ટમાં સૂચના છે કે નવજાત શિશુઓના ફૂડ પ્રોડક્ટ્સમાં જીએમ ફૂડ અથવા તેના સંબંધિત તત્ત્વોનું મિશ્રણ કરવાની અનુમતિ નહીં મળે. FSSAIના અધિકારી અનુસાર, જીએમ ફૂડ પર નિયમન ના હોવાથી ચોરી-છૂપીથી વેચાણ થાય છે. અમને તપાસનો અધિકાર નથી. તેને રેગ્યુલેટ કરવાની તૈયારી છે.

નિષ્ણાત: જીએમ ફૂડની અસરની સ્ટડી પર શંકા છે
કૃષિ નિષ્ણાત દેવેન્દ્ર શર્માએ કહ્યું કે, જીએમ ફૂડથી સ્વાસ્થ્ય પર અસરને લઇને અસરકારક અભ્યાસ થયો નથી. ઉંદરો પર થયેલા સ્ટડીમાં ખરાબ અસરો દેખાઇ તો પ.દેશોએ સ્ટડીને ખોટો દર્શાવ્યો. બાયોટેક કોન્સોર્ટિયમના સીજીએમ ડૉ. વિભા આહુજાએ કહ્યું કે, અનેક દેશોમાં તેનો ઉપયોગ થાય છે. તેનાથી ખાદ્યાન્ન ઉત્પાદન પણ વધશે.

અન્ય સમાચારો પણ છે...