રાજસ્થાનના જયપુરમાં બુધવારે સવારે બાઇકસવાર બે યુવકે એક યુવતીને ગોળી મારી દીધી હતી. ગોળીને કારણે યુવતી બેભાન થઈને રસ્તા પર ઢળી પડી હતી. જ્યારે ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકો ચોંકી ઊઠ્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના મુરલીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
માહિતી મળતાં જ SHO મુરલીપુરા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત અંજલિ (26)ને કાંવટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી તેને એસએમએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. યુવતીને અહીં ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે યુવતી રોડ નંબર 5 પર આવેલી આયુર્વેદિક દુકાનમાં ઘણા સમયથી નોકરી કરતી હતી. તેને રોડ નંબર 5 પર જ ગોળી મારવામાં આવી હતી. વિદ્યાધરનગરમાં રહેતી અંજલિએ થોડા સમય પહેલાં આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતાં.
હું ઓફિસમાં હતો. અચાનક મને ફોન આવ્યો કે કોઈએ અંજલિને ગોળી મારી છે. હું સીધો હોસ્પિટલ ગયો. અમે 27 જુલાઈ 2021નાં રોજ લગ્ન કર્યાં હતાં. અમે કોર્ટમાં લવ-મેરેજ કર્યાં હતાં. મારા મોટા ભાઈ અબ્દુલ લતીફ અને તેના સાથી રિયાઝ ખાને અગાઉ પણ અમને પરેશાન કર્યાં છે. તેમની સામે સદર પોલીસ સ્ટેશનમાં કેસ પણ ચાલી રહ્યો છે.
અમે તેમના વિશે ઘણી વખત ફરિયાદ કરી હતી. જો પોલીસે તેમના પર દબાણ કર્યું હોત તો આજે આ ઘટના બની ન હોત. અંજલિએ મને જણાવ્યું હતું કે સ્કૂટીસવાર યુવક ફોન પર વાત કરતા આવી રહ્યા હતા. રિયાઝનો અવાજ લાગતો હતો. તે કોઈને પૂછી રહ્યો હતો કે ક્યાં ગોળી મારવાની છે.
અંજલિના પતિ અબ્દુલ લતીફે જણાવ્યું કે તેના પરિવારના સભ્યો તેને ઘણા સમયથી પરેશાન કરી રહ્યા હતા. તેના સંબંધી રિયાઝ ખાને તેની પીઠના ભાગે ગોળી મારી છે. અંજલિએ રિયાઝનો અવાજ સાંભળ્યો હતો. તેને ઓળખી લીધો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલામાં પોલીસની બેદરકારીના કારણે આ બધું થયું છે.
કોર્ટ પાસે સુરક્ષા માગવામાં આવી હતી
લગ્ન બાદ જ તેને પોતાના જીવનું જોખમ હતું. કોર્ટમાં સુરક્ષાને લઈને પણ માગ કરવામાં આવી હતી. શકમંદોને શોધવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. મુરલીપુરાના એસએચઓએ જણાવ્યું હતું કે નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
પીઠ પર ગોળી વાગી
એસએમએસના ટ્રોમા ઈન્ચાર્જ જગદીશ મોદીએ જણાવ્યું હતું કે યુવતીને ઈમર્જન્સીમાં લાવવામાં આવી હતી. તેની તપાસ કરવામાં આવી છે. નિષ્ણાત ટીમને બોલાવવામાં આવી છે. યુવતીને પીઠમાં ગોળી વાગી છે. ગોળી કદાચ હજુ પણ શરીરની અંદર છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. સ્થિતિ હજુ સ્થિર છે. તમામ પ્રકારની તપાસ પછી જ પૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે.
અંજલિ મુરલીપુરામાં પલ્લવી સ્ટુડિયો પાસેની ગલીમાં રહે છે. બુધવારે સવારે 10 વાગ્યાના સુમારે તે ઘરેથી કામ પર જવા નીકળી હતી. સવારે 10.29 વાગ્યે તે ઘરથી દોઢ કિલોમીટર દૂર હતી કે ત્યાં જ તેને ગોળી મારી દેવામાં આવી હતી. જ્યાં તેને ગોળી મારવામાં આવી હતી એ જગ્યા તેની ઓફિસથી થોડે જ દૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.